Team Chabuk-Special Desk: ‘એ ન્યાં નો જાતો હો હવે, એના બાપા જોટાડી બંદૂક લઈને ગામમાં ઘૂમતા હય્શે, ભલે તારી નાય્તની બાય રઈ, પણ એનાં બાપા પાંહેણ જઈને જરીય વેવલીનો થ્યો છો, તો ઊભી બજાર્યે ભડાકે દેહે, ભડાકે.’ હોસ્ટેલનાં રૂમમાં ચંદ્રજોગીઘંટેશ્વરબાબુનો તીણો પણ ભયાનક સૂર રેલાઈને શમી ગયો. ઉલ્લાસિત દેખાતા ચહેરાઓ ઉપર એક પ્રકારની નિર્લેપક શુષ્કતા પ્રસરી ગઈ. અત્યાર સુધી પ્રેમલવારી કરી રહેલા જિજ્ઞેશની બોબડી બંધ થઈ ગઈ. કવિવર શ્યામલોચન પણ ત્યાં ઉપસ્થિત હતો. એણે જિજ્ઞેશને ખોટું આશ્વાસન આપવાનો યત્ન કર્યો, ‘બજારમાં ક્યાં છોકરીઓની અછત છે, મળી જશે કોઈ, પણ દોસ્ત મોનલ જ કેમ?’ એ જવાબ તો જિજ્ઞેશ પાસે પણ નહોતો. આખરે એ જ કેમ? ઘુમી ફરીને હું ત્યાં જ કેમ ઊભો રહ્યો?
એને ગમી ગઈ હતી અનુસ્નાતકમાં તત્વજ્ઞાન વિષય સાથે અભ્યાસ કરતી શ્યામસુંદરી મોનલ. મોનલ વિશેની રજેરજ જાણવા ખાતર જ એ તેની સાથે ન ભણતા વિદ્યાર્થીઓની અકારણ દોસ્તી કરતો. એમાં રહેતો મોનલની આસપાસની જણસ અને તેના પરિગ્રહને જાણવાનો ઈર્ષ્યાળુ ઉદ્દેશ્ય. આ ઉદ્દેશ્યને જ પોષવા ખાતર ચંદ્રજોગીઘંટેશ્વરબાબુની સાથે મિત્રતા થઈ અને તેણે હોસ્ટેલનાં બાવીસ નંબરના રૂમ પર કાતિલ ઝપાટો બોલાવી દીધો.
*******
કેન્ટીનનાં વાસી સમોસા અને વાસી ચટણીઓ દાબતાં દાબતાં જિજ્ઞેશ મોનલની મનોરમ્યતાનું આંખોથી આચમન કરતો અને એમાં જ તેનું ઉદર અસ્વસ્થ થઈ ગયેલું. પરંતુ ઉરની હાલત હજુ ત્યાં જ ચીટકી પડી હતી. એવું પણ નહોતું કે મોનલ એ પ્રથમ કન્યા હતી જેના પ્રેમમાં જિજ્ઞેશ પડ્યો હોય. આ પૂર્વેય કોલેજમાં જ ભણતી સુગંધ નામની એક કન્યાને તેણે પોતાનું હ્રદય સોંપવાનો પ્રયાસ કરેલો, પણ એ પ્રયાસ દુ:સ્વપ્નમાં પરિવર્તિત થઈ ગયો જ્યારે સુગંધે પોતાની તીખી તાસીરનાં દર્શન કરાવતાં કહ્યું, ‘આમ ચાલ્યો જા નકટા, મારો બોયફ્રેન્ડ પોલીસમાં છે, હમણાં કહી દઈશને તો ટાંટીયા તોડી કોલેજના મુખ્ય ગેટ ઉપર ઉંધો લટકાવી દેશે. આવ્યો મોટો આશિક! જા શોધી લે એવીને જે તારા માપની હોય, આ સુગંધ કાંઈ હાલતા ચાલતા દરેકના નાક માટે લેવા નથી બની.’
‘કોઈ પાત્રના પ્રેમમાં પડીએ એટલે ચિત્ત તેના જેવું થવા ધમપછાડા મારવા માંડે.’ આવું જિજ્ઞેશ પોતાની સાથે અભ્યાસ કરતાં કવિ શ્યામલોચનને કહ્યું ત્યારે તેણે જવાબ આપેલો, ‘એટલે બાયુ જેવા કપડાં પહેરવાનું મન થાય! એમ જ ને ભેરું?’ વાક્ય પૂર્ણ કરી તેણે અટ્ટહાસ્ય ફેલાવી દીધું.
‘શ્યામલોચન, મિત્ર તું નહીં સમજીશ, કે હું મોનલને કેટલો ચાહું છું. અડધી રાત સુધી હોસ્ટેલની છત ઉપર ગોદડા પાથરી ઉંઘવાનો પ્રયાસ કરું પણ મોનલની સ્ફુટ સુંદરતા, એના નિતંબ સુધી લહેરાતા લીસ્સા કેશ, એની પાતળી કેડ, એનાં ગજાસંપન્ન ઢગરાઓ અને મનહર સ્તનો મને ઉંઘવા નથી દેતા. આંખ મીચું અને તેની છબી તરવરવા લાગે. તેનો ચહેરો થોડો ધૂંધળો થઈ જાય છે. સ્વપ્નમાં કે એકલો હોઉં ત્યારે તેનો ચહેરો શોધવા માટે અથાગ પ્રયાસ કરવા માંડું છું. પણ કંઈ વળતું નથી. ખબર નહીં મસ્તિષ્કના કયા ખૂણે એ સંતાઈ જાય છે. કોલેજમાં કોઈ છોકરીને પાછળથી જોઉં તો અદ્દલ મને મોનલ જેવો જ ઓચ્છાયો આવે છે.’
‘તો હવે પરપોઝ કરી નાખો. શુભ કામમાં વાર શેની?’ અમાસની કાળરાત્રિએ શ્યામલોચને મિત્ર જિજ્ઞેશના થાપા ઉપર હળવો હુમલો કરી ઉત્તેજન આપ્યું. જિજ્ઞેશે તેના આ કાર્યને મશ્કરીમાં લીધું. ચંદ્ર ક્યાંય દેખાય નહોતો રહ્યો અને વાદળો તીવ્રતાથી એકબીજામાં સમાવા માટે વેગીલા બન્યા હતા.
‘મને ભય છે.’ એ ધીમેથી બોલ્યો. જિજ્ઞેશની વાણીમાં પ્રેમની અફાટ સરવાણી વહી રહી હતી. જ્યારે પણ તે મોનલ વિશે વિચારતો ત્યારે તેને સુગંધે કહેલા બરછટ વાક્યો આડા આવી જતાં. એ મનોમન ખૂદને પ્રશ્ન કરતો, શું દરેક છોકરીઓ આવી જ રીતે તેના આશિકોને હડસેલી દેતી હોય છે? તો શા માટે આપવું જોઈએ એમને આપણું પારેવા જેવું હ્રદય?
‘બીક શેની, તમે કહેતા હો તો મેળ કરી આપું?’ શ્યામલોચન ખંધુ હસ્યો.
જિજ્ઞેશ કવિ શ્યામલોચનની સામું એકધારું જોવા લાગ્યો. એને શ્યામલોચનના વેણમાં ક્યાંક આશા દેખાઈ. પીળા દાંત અને કાળા ચહેરા સાથે કોલેજનો ખ્યાતનામ કવિ શ્યામ તેને પ્રિયજનના માર્ગે લઈ જવાનો હતો. શું આ એ જ વ્યક્તિ છે? કામદેવે જ તેને મારી પાસે સહાયતા અર્થે મોકલ્યો હોવો જોઈએ!
એની આંગળી પકડ્યા સિવાય જિજ્ઞેશ પાસે કોઈ વિકલ્પ નહોતો. હિંમત તો તેણે પણ ખૂબ કરી હતી. એ જે બસમાં બેસીને આવતી એ બસમાં તેણે ખોટા ધક્કા ખાધા હતા. ધક્કામુક્કી કરી તેની પાછળની સીટ લીધી હતી. રિસેસના સમયે દોડીને કેન્ટીનમાં પહોંચી જતો. શિષ્યવૃત્તિનું ફોર્મ ન ભરતો, પણ મોનલ ભરે અને બેંકમાં જાય તો ત્યાં પણ જિજ્ઞેશ પહોંચી જતો. વિચારતો કે કાશ તેની પાસે પેન ન હોય અને હું તેને પેન આપું. એ આંગળીઓથી મારી પેનને રમાડે. મોંથી એને ગંદી કરે અને એની એ સોગાતને હું આજીવન મારા હ્રદયના શૉકેસમાં સાચવી રાખું. પણ આવું કશું બનતું નહીં. તેને વિચાર આવતો, આટ આટલું અનુસરું છું તને મોનલ, પણ તું કેમ કંઈ બોલતી નથી. તું સમજી તો ગઈ જ હોઈશ!
‘તો તું કહે તે હું કરીશ.’ જિજ્ઞેશ વિચારોમાંથી ફરી વાસ્તવિકતામાં આવ્યો. અતીતરાગ દુકાળિયો હતો પણ હવે અનરાધાર વરસાદ પડવાનો હોવાનું તેને લાગી રહ્યું હતું. ચર્ચા સમયે જ એક ઘુવડ આવી લીમડાના વૃક્ષ પર બેઠું. પવનના મારથી વૃક્ષ ધ્રુજી ઉઠ્યું.
‘તું મારા લેખનથી તો પરિચિત છો ને?’ ઘુવડ તરફથી દૃષ્ટી હટાવી શ્યામલોચને પોતાની બડાઈ હાંકી.
‘હા, બિલકુલ, તે તો ભલભલા નવોદિતોને ધોબીપછાડ આપી છે. વિદ્વાનો તારી પ્રશંસા કરતાં થાકતા નથી. તું હો એટલે બધાના છગ્ગા – ચોગ્ગા છૂટી જાય.’ મિત્ર શ્યામલોચનની પ્રશંસાના પૂર બાંધવામાં જિજ્ઞેશે પાછું વળીને ન જોયું.
‘તો બસ, હું તારા નામે એને એવા એવા પ્રેમપત્રો લખીશ કે એ કાયમ માટે દોસ્ત જિજ્ઞેશની થઈ જશે.’
‘પણ આપીશું કેવી રીતે?’ જિજ્ઞેશ મોટી મૂંઝવણ રજૂ કરી.
‘એની એક બહેનપણી મારી પણ મિત્ર છે. હું તારા વતી એ પત્રો તેને આપતો જઈશ અને એ તારું કામ કરતી જશે.’
એ રાત્રે જિજ્ઞેશે કેટલાય સ્વપ્નો જોયા. સ્વપ્નોમાં એ વરરાજો બનીને ઘોડા ઉપર ચડીને આવતો હતો. સામે હાર લઈ મોનલ તેનું સ્વાગત કરવા ઊભી હતી. બંને નાચ્યા હતા. પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ત્યાંથી લઈ તેણે મધુરજનીનું ભવિષ્ય ભાખી લીધેલું. સવારમાં પથારી ઝાકળના પ્રતાપે આર્દ્ર થઈ ગયેલી. જુગુપ્સા ઉપજાવે એવી.
આ બાજુથી પત્રો લખાઈ મોનલને સમયસર પહોંચતા ગયા, પરંતુ ઉત્તરો આવતા નહોતા. જિજ્ઞેશે ઘણી વખત મિત્ર શ્યામલોચનને પૂછ્યું, ‘કંઈ જવાબ આવ્યો?’
પરંતુ તેની જીભમાં હંમેશ એક જ ઉત્તર લટકતો રહેતો, ‘ધીરજ ધરો મિત્ર. આ કાંઈ ખાલી લેવાની ચીજ થોડી છે.’
*******
શિયાળાનો સમય. રાત્રે બંનેમાંથી કોઈ મિત્રને જમવાનું મન નહોતું. ઠંડી હોવાથી હવે નીચે રૂમમાં જ પડ્યું રહેવું પડતું. શ્યામલોચને શર્ટ ઉતાર્યો. ફુલી ગયેલી ફાંદની ઉપર કતારમાં સાપોલિયાનું કટક વેરણછેરણ થઈ ઊભું હતું. પથ્થરની ઊપર ચોંટી ગયેલી લીલી શેવાળની જેમ વાળ બંને હાથની પાછળના ભાગે ઉગ્યા હતા. જિજ્ઞેશનું ધ્યાન ગયું, ‘હેં મિત્ર, તને કશુંક વાગ્યું છે. ઊભો રે હું તને મલમ આપું.’
કહી તેણે ટેબલના ખાનામાંથી ટ્યૂબ લઈ શ્યામલોચનને આપી. શ્યામલોચને તેને રતાશ વર્ણના ઘા ઉપર લગાવી. ‘મિત્ર તો તારા જેવા જ હોવા જોઈએ, જિજ્ઞેશ.’ કહી તેણે પાટલૂન ઉતારી નાખ્યું. આટલી ટાઢમાંય શ્યામલોચનને નાગા થઈ ઊંઘવાની આદત હતી. મદનિયાં જેવા ટાંગા. એમાંય વાળનું ઘૂઘવતું પૂર રૌદ્ર સ્વરૂપનું દર્શન કરાવતું. દુંટી નહીં પણ દુંટો હતો. રેડો તો ચમચી એક પાણી સૂતું રહે. આંખો મોટી મોટી હતી. દેડકા જેવી! મસાલા ખાતો હતો. ક્યારેક દારૂ પીતો. કવિતાઓ આવડવા સિવાય તેને બીજું કંઈ આવડતું નહોતું. કેટલીય વખત પ્રેમમાં પડ્યો હતો પણ પ્રેમની દાસ્તાનો નહોતી કહી. જિજ્ઞેશ વિચારતો, હશે કોઈ માંજરી આંખોવાળી છોરી, જે શ્યામલોચનને કવિ બનાવતી ગઈ. જગત પર એક ઉપકાર કરી જનારી એ કામણગારીને કોટી કોટી વંદન!
ખાટલા ઉપર આડા પડ્યા પછી જિજ્ઞેશને વિચારવાયુ થયો, ‘ગયા જન્મના કંઈક સારા કામ આડા આવ્યા હશે જે શ્યામલોચન જેવો મિત્ર મને પ્રાપ્ત થયો.’ એમ કહી તે ઊભો થયો અને સામે રહેલી ઈશ્વરની પ્રતિમાને નમન કર્યાં. તેણે ઈશ્વર આગળ શ્યામલોચનનું જીવન સુખેથી વિતે તેની બે હાથ જોડી પ્રાર્થના કરી.
******
કોલેજ પૂર્ણ થવાના દિવસો નજીક આવતા જતાં હતાં. શ્યામલોચન ફરી એક વખત કવિ તરીકે યુનિવર્સિટીની પ્રતિયોગિતામાં ઝળક્યો હતો. કવિ તરીકેની તેની પ્રતિભા ઘડાઈ રહી હતી અને એક અખબારમાં કાવ્ય વિવેચનનું કામ પણ તંત્રીએ તેને સોંપ્યું હતું. એ લોકપ્રિય બનતો જઈ રહ્યો હતો. તેનું ગઝલનું પુસ્તક ‘દોસ્ત નામે ગઝલ’ પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થવાનું હતું. જે તેણે મિત્ર જિજ્ઞેશને અર્પણ કરેલું. આટલી બધી ખુશીઓ એકસાથે મળી હોવાથી તેની પાર્ટી મિત્ર જિજ્ઞેશે સામે ચાલીને આપી. એ દિવસે શ્યામલોચને દાબીદાબીને ગળચેલું અને જિજ્ઞેશે પૃચ્છા કરેલી, ‘તો મિત્ર, મોનલ તરફથી કોઈ ઉત્તર પ્રાપ્ત થયો.’ શ્યામલોચનનું મુખ જાણે જમવામાં કાંકરી આવી ગઈ હોય એવું થઈ ગયું.
‘જો ભાઈ, હું કેટલાય દિવસથી તને આ વાત કહેવા માગતો હતો, પણ તારો ચહેરો આડો આવી જતો. ક્યાં તારું હ્રદય દુભાવું?’
‘કેમ? કોઈ મોટી વિડંબણા આવી પડી છે?’ જિજ્ઞેશની ભ્રુકૃટી તણાઈ.
‘એ જ તો… મોનલના લગ્ન નક્કી થઈ ગયા છે.’ જિજ્ઞેશની છાતીમાં ચીરો પડી ગયો. એ જમવાનું અધૂરું છોડી ઊભો થયો. બિલ ચૂકવી દીધું. રસ્તામાં કોઈ કશું બોલ્યું નહીં. શ્યામલોચને તેને આશ્વાસન અર્પ્યું. તેના ખભે હાથ રાખ્યો. તેની પીઠ થાબડી.
હોસ્ટેલનો બંધ રૂમ જિજ્ઞેશના આક્રંદથી ગુંજી ઉઠ્યો. શ્યામલોચને તેને વાળવાની કોશિશ કરી પણ તે રડતો રહ્યો. તેની આખી રાત અજંપામાં વીતી. શ્યામલોચને હોસ્ટેલમાં ક્યાંકથી દારૂનો જુગાડ કર્યો. બંનેએ પીધું. શ્યામલોચને મિત્ર જિજ્ઞેશને ભરીભરીને પ્યાલો પાયો. દારૂના નશામાં ધૂત શ્યામલોચને ગઝલોથી મહેફિલ બનાવી દીધી. ગીતો ગાયા, ‘અભિ જિંદા હું તો જી લેને દો. ભરી બરસાત મેં…’ બેઉંએ હોસ્ટેલની અગાશી ઉપરથી ધોધમાર મૂતર્યું. હોસ્ટેલની પાછળ કુદરતે અથાગ પરિશ્રમથી ઉગાડેલી લીલી મોલાતનું પ્રક્ષાલન થઈ ગયું. નશામાં ધૂત શ્યામલોચને જિજ્ઞેશને કહ્યું, ‘જે મારા દોસ્તને દર્દ આપે એવા પ્રેમને તો હું મૂતરવામાં કાઢી નાખું.’
*******
પરીક્ષાઓ પતી. જિજ્ઞેશે કોઈ દિવસ મોનલને યાદ ન કરી. એને પરણવાનું પણ મન નહોતું. એના સ્વપ્નોમાં ક્યારેક ક્યારેક મોનલ આવી ટહુકો કરી જતી. લાગણીઓ વધતા એણે લખવાનું શરૂ કરી દીધેલું. પાનાંઓ ઉપર અભિવ્યક્તિ થતી રહી. જિંદગી વીતવા લાગી. જૂના મિત્રો છૂટા પડતાં ગયાં. જિજ્ઞેશની દાહોદના કોઈ નાના ગામમાં તલાટી તરીકેની નોકરી લાગી ગઈ. એ ઉંધેમાથ કામ કરતો રહ્યો. બીજી બાજુ અખબારોમાં શ્યામલોચનની કિર્તીઓ તે વાંચતો. એની કટાર વાંચતો. શ્યામલોચનને પુરસ્કારો મળતા અને તેને હર્ષ થતો. ઓફિસની ખુરશી પર જ બેઠો બેઠો બબડતો – વાહ દોસ્ત વાહ…! એ પોતે લખેલું લખાણ શ્યામલોચનને મોકલતો કે ક્યાંક મિત્રના કારણે કોઈ કૃતિ પ્રગટ થાય પણ તેનો જવાબ આવતો નહીં.
ટેબલ ઉપર સરકારી કાગળિયાની સાથે પરમ મિત્ર શ્યામલોચનના કાવ્યોનાં પુસ્તકો રહેતાં જ. તેને એના કાવ્યોમાં પોતાનું દર્દ દેખાતું. કેટલાક શૃંગારિક કાવ્યો તેને પરિચિત લાગતા પણ આખો મુદ્દામાલ તે ઉકેલી શકતો નહીં.
નવા કારકૂન આવેલા એની જિજ્ઞેશને ખબર પડેલી. પરિચય થતાં ખ્યાલ આવ્યો કે એ દેવાંગી હતી. બંને કોલેજમાં સાથે ભણતા. દેવાંગીને પણ તત્વજ્ઞાન વિષય હતો અને તે મોનલની સખી હતી. એ દિવસે બંનેએ ભરપૂર વાતો કરી. કોલેજના જૂના દિવસો યાદ કર્યાં.
‘શું દિવસો હતા એ…’ દેવાંગી બોલતી ગઈ. જિજ્ઞેશને પૂછવાનું મન હતું. મોનલ? એ શું કરે છે? પણ ભય લાગતો. એવો જ ભય જેવો મોનલને પૂછતા લાગતો. સુગંધને પૂછતા લાગેલો.
પછી કામમાં ને કામમાં અવારનવાર દેવાંગી અને જિજ્ઞેશની મુલાકાત થઈ જતી. એક દિવસ હિંમત કરી જિજ્ઞેશે પૂછી જ લીધું, ‘હેં દેવાંગી, તું મોનલને ઓળખે?’
‘બિલુકલ ઓળખું છું, અમે બંને સાથે રૂમ પાર્ટનર હતા. કેમ અચાનક એના વિશે પૂછવાનું મન થયું?’
‘બસ અમસ્તુ જ. એની યાદ આવતી હતી.’ જિજ્ઞેશનો ચહેરો ઢળી ગયો.
‘તું ક્યાંક એનાં પ્રેમમાં?’ દેવાંગી તેનું નિરુસ્તાહી વદન જોઈ આખી વાત કળી ગઈ. ‘પરંતુ એ તો પરણી ગઈ.’
‘હું જાણું છું. મારા ખાસ મિત્ર શ્યામલોચને મને કહેલું, કે એ કોઈ બીજાની સાથે લગ્ન કરવાની છે.’
‘શ્યામલોચન? એ હરામી, એણે તો મોનલની જિંદગી બરબાદ કરીને રાખી દીધી.’ દેવાંગીનું મોઢું કડવું થઈ ગયું. જાણે હમણાં કોઈ હાથમાં તલવાર આપે તો શ્યામલોચનના કાપીને કટકા કરી નાખે.
‘શા માટે એના વિશે આવું બોલે છે. એ તો ઈશ્વરનો માણસ. એના જેવો મિત્ર તો ક્યાંય ન જડે. એની કીર્તિ તો દેશ-પ્રદેશમાં ગુંજી રહી છે.’
‘ઈશ્વરનો માણસ? અરે લબાડ હતો લબાડ. ખબર નહીં આટલો મોટો કવિ કેમ થઈ ગયો? લોકોને એની સાચી ખબર પડેને તો નાગો થઈ જાય નાગો. મને પત્ર આપતો અને કહેતો કે મોનલને આપી દેજે. હું મોનલને આપતી. પહેલાં તો મોનલ વાંચતી સુદ્ધાં નહીં, પણ રહી રહીને તેને એમાં રસ જાગ્યો. એમાં પ્રેમભર્યાં મીઠા વચનો લખ્યા હતા. મોનલ તો શું બીજી કોઈ પણ હોત તોય વાંચતા જ પીગળી જાત. ગલગલીયાં થાય એવું લખવામાં તો આજેય ઉસ્તાદનો બચ્ચો જ છે.’
‘તો શ્યામલોચને મને કેમ ન કહ્યું?’
‘એ તને શું કામ કહે?’
‘એ પત્રો મારા વતી જ તો મોનલને લખતો હતો.’
‘શું? બોઘા જેવા, એ પત્રો તારા માટે નહીં પોતાના માટે લખતો. તારો તો એમાં કીડીના ટાંગા જેટલો ઉલ્લેખ નહીં. શ્યામલોચનના પ્રેમમાં મોનલ પડી ગયેલી. અરે કલ્લાકો સુધી મારે મારા જ રૂમની બહાર રહેવું પડતું. તું નહીં માનીશ, મોનલને ગર્ભનિરોધકની ગોળીઓ ગળાવી છે. શરીર દાબવું પડ્યું છે. ધરાઈ ગયો એટલે છોડી દીધી.’ દેવાંગીની વાત સાંભળ્યા પછી જિજ્ઞેશના માનસ પર પડણ ઉલેચાતા રહ્યા એ દેહમાં પડેલા લાલ ચકામાના. ઉકેલાતા રહ્યા એ શૃંગારિક કવિતાઓનાં ભેદ. ‘ધગધગતા રાફડામાં પ્રવેશેલા કાળોતરાની વેદનાનું શું કહું?’
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા