Homeગુર્જર નગરીરોપવેનાં કારણે જૂનાગઢમાં હવે વર્ષે 80 લાખ લોકોના આવવાનો અંદાજ, આ લોકોને...

રોપવેનાં કારણે જૂનાગઢમાં હવે વર્ષે 80 લાખ લોકોના આવવાનો અંદાજ, આ લોકોને થશે ફાયદો

દત્ત અને દાતારની ભુમિ ગિરનારનાં આંગણે તા.૨૪ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એશિયાના સૌથી ઊંચા અને આધુનિક રોપ-વેનો ડિજિટલ માધ્યમથી પ્રારંભ કરાવશે. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સહિતના અન્ય મહાનુભાવો જૂનાગઢના આંગણે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.

80 લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવી ધારણા

મહા શિવરાત્રીનો લોકમેળો, ગરવા ગિરનારની લીલી પરિક્રમા અને શ્રેણીબધ્ધ ઐતિહાસિક ધાર્મિક સ્થળ ધરાવતા જૂનાગઢ અને ભવનાથમાં વર્ષે ૪૦ લાખથી વધુ પ્રવાસીઓ યાત્રીકો આવે છે. જૂનાગઢને રોપ-વેનું નવલું નજરાણું મળતા સૌથી વધુ રોજગારી સર્જન કરતાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. રોપ-વે થતાં પ્રવાસીઓ યાત્રીકોની સંખ્યા હાલ જે ૪૦ લાખ જેટલી છે, તે ૮૦ લાખને વટાવી જવાનો અંદાજ છે.

શરૂઆત તો 1958માં જ થઈ ગઈ હતી

૧૩૦ કરોડના રોપ-વે પ્રોજેક્ટની  પરિકલ્પના તો ૧૯૫૮માં રાજરત્ન કાલીદાસ શેઠે કરી હતી. પરંતુ અનેક અડચણો પાર કરી ૧ લી મે ૨૦૦૭ના રોજ જૂનાગઢમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુર્હૂત કરાયું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. ગુજરાત સરકાર અને જૂનાગઢના આગેવાનો દ્વારા સતત રસ લઈ આ પ્રોજેક્ટને કાર્યરત કરવામાં મહત્વની ભુમિકા અદા કરી છે.

એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ

૨.૩૨ કી.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. રોપ-વે બનાવવામાં નિપૂણ ઉષા બ્રેકો કંપનીએ આ પ્રોજેકટનું નિર્માણ કર્યું છે. ૫૫૦૦ જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર કલાકનો સમય થતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનિટમાં પહોંચી શકાશે.

એક કલાકમાં 800 લોકોનું પરિવહન

રોપ-વેમાં આઠ ટ્રોલી રહેશે. દરેક ટ્રોલીમાં આઠ લોકોનું વહન થશે. નવી મોનો કેબલ ટેકનોલોજીમાં ૨૫ આધુનિક ડિઝાઇનની ટ્રોલી છે, જે ભારે પવનનો સામનો કરી શકે તેવી એરો ડાયનેમિક પ્રકારની છે. એક કલાકમાં ૮૦૦ લોકોનું પરિવહન થશે.

સૌથી વધારે અંતર સાતમાં પિલર પર

રોપ-વે માટે જુદી જુદી ઉંચાઈના નવ પિલર તૈયાર કરાયા છે. સૌથી વધુ અંતર અને સાતમાં પિલર વચ્ચે છે. છઠ્ઠા પિલરની ઉંચાઇ ૬૬ મીટર સૌથી વધુ છે.     

ફાયદો કોને કોને થશે ?

રોપ-વે ધમધમતો થતા પ્રવાસી યાત્રિકોના માધ્યમથી જૂનાગઢના દરેક વર્ગને ફાયદો થશે. રીક્ષાવાળા લોકોથી માડીને દુકાનદારો પ્રવાસન આધારિત વ્યવસાય કરતા નાના મોટા વ્યવસાયકારો, ટેલ માલિકો આથી સૌ જૂનાગઢવાસીઓ રોપ-વે માટે ઉત્સાહીત છે. જૂનાગઢના અર્થતંત્રને વેગ મળશે. પરિક્રમાની જેમ શિયાળુ-ઉનાળુ વેકેશન, નાતાલની રજાઓ, જન્માષ્ટમીની રજામાં, વીક એન્ડમાં લોકો જૂનાગઢના મહેમાન બનશે. કેરળના થેકડી અને મુન્નાર જેવું સૌદર્ય ધરાવતો ગિરનાર અર્થાત ભવનાથ સૌના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

‘રોપવેથી અમારા સારા દિવસો આવશે’

પ્રવાસન ઉપરાંત ધાર્મિક રીતે વિશેષ મહત્વના ગિરનારી મહારાજના રોપ-વેમાં બેસીને દર્શન કરવાનો લ્હાવો અદ્દભુત હશે. તેમ જણાવી અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુએ કહ્યું કે, હવે મા અંબાના દર્શને આવતા યાત્રિકો વધશે. રોપ-વેથી આ ગિરનાર ક્ષેત્રનો વિકાસ વધુ વેગવંતા થશે. આ વાતનો પડઘો પાડતા મનીષભાઇ રીક્ષાવાળાએ કહ્યું છે કે, રોપ-વેથી અમારા માટે પણ વધુ સારા દિવસો આવશે. અમારી રીક્ષામાં વધુ યાત્રિકો વધુ બેસશે અને આવક વધશે.

કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે પર્વતમાળા

૨૦૦ ચો. કિ.મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલ ગિરનાર પર્વતમાળા જૂનાગઢ અને ભેંસાણ તાલુકામાં વિસ્તરેલી છે. જેમાં બોરદેવી, સરકડીયા હનુમાન, ઝીણાબાવાની મઢી સહિત અનેક ધાર્મિક આસ્થાના કેન્દ્ર આવેલા છે. તેમ જણાવી અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ કહ્યું કે, જૂનાગઢના સમગ્ર અર્થતંત્રને આ પ્રોજેકટથી વેગ મળશે. જૂનાગઢના નાનામાં નાના માણસથી સૌ માટે આ રોપ-વે લાભદાયક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments