Homeસાહિત્યનગેન્દ્ર વિજય લેખ લખતા પહેલાં એવું કયુ ધ્યાન રાખે છે કે એક...

નગેન્દ્ર વિજય લેખ લખતા પહેલાં એવું કયુ ધ્યાન રાખે છે કે એક પણ લેખ ફેલ નથી જતો ?

વાંચવા લાયક છે તેવા સફારી અને કુમાર મેગેઝિને પોતાનું સ્તર જાળવી રાખી વર્ષો સુધી વાંચકોને જ્ઞાનરૂપી લાડ લડાવ્યા છે. સફારીને તો આપણે હજુ સાચવી પણ કુમારને જોઈએ તેટલા વાંચકો નથી મળી રહ્યાં.  

સફારીને પહેલાંથી સંઘર્ષ સાથે લેવાદેવા છે, કે કહીએ નગેન્દ્ર વિજયને સંઘર્ષ સાથે જૂનો નાતો છે. તેમના પિતાએ તેમને કહેલું, ‘પત્રકારત્વમાં પૈસો નથી, માટે તારે માત્ર સમાજના હિતમાં લખવું હોય તો જ પત્રકાર બનજે. નહીંતર મુંબઈ યુનિવર્સિટીમાં બી.કોમ થવાનો છે. એટલે બેંકમાં નોકરી જરૂર મળી જશે.’ આજે નગેન્દ્ર વિજય જે લખી રહ્યા છે એ સમાજના હિતમાં જ છે. હિત તો વિજ્ઞાનમાં જ છે!

નગેન્દ્ર વિજય જેટલી વખત પડ્યા તેટલી વખત ઊભા થયા, પણ તેમણે સફારીને લઈ કોઈ બાંધછોડ કરી નથી. તેમણે જ્ઞાનની આ અવિરત ધારાને વહેતી જ રાખી. ઉપરથી વાંચકોએ પણ તેમને પોરસ ચડાવ્યું છે. આજે વાત કરીએ નગેન્દ્ર વિજયની લેખનકળા વિશે.

ઉર્વીશ કોઠારીએ સાર્થક સંવાદશ્રેણીમાં નગેન્દ્ર વિજયનો ઈન્ટરવ્યૂ લીધો છે. જેમાં નગેન્દ્ર વિજયની જીવન અને સર્જન સહિત તેમની બહુમુખી પ્રતિભાનું આલેખન કરવામાં આવ્યું છે. નગેન્દ્ર વિજયને લખવાની જે તાલીમ મળી તે વેણીભાઈ પૂરોહિતે આપી હતી. તેઓ નગેન્દ્રના લેખને તપાસી કહેતા, ‘તારે આ રીતે શરૂઆત ન કરવી જોઈએ. શરૂઆત કરવાના 1000 રસ્તા છે પણ આ રીતે નહીં. વેણીભાઈ પુરોહિતે દરેક કટાર લેખકે આત્મસાત કરવી જોઈએ તેવી માહિતી આપતા કહેલું, ‘બે ફકરામાં વાંચકો નથી પકડાતા તો લેખક તરીકે કે એ લેખ પૂરતા નિષ્ફળ ગયા સમજો.’ આ વાત નગેન્દ્ર વિજય આજે પણ કોઈ પણ લેખ લખતા પહેલાં યાદ રાખે છે.

જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ સફારીનો અંક નંબર 300 આવ્યો ત્યારે તેના ત્રણ પનાના જમ્બો તંત્રી લેખમાં નગેન્દ્ર વિજયે વેણીભાઈને યાદ કરતાં લખેલું, ‘મારું બીજું સૌભાગ્ય એ કે, ‘તારી આંખનો અફીણી’ ‘માઝમ રાતે નભથી નીતરતી ચાંદની…’ ‘આપણામાંથી કોક તો જાગે; કોઈ જાગે કે કોઈ ન જાગે, તું જાગ્યો તો તું જા આગે…’ વગેરે જેવા ગીતો અમર પટો લખાવીને જેમની કલમમાંથી અવતર્યા એ વેણીભાઈ પુરોહિત પત્રકારત્વના ક્ષેત્રે મારા દ્રોણાચાર્ય બન્યા. આ કવિસમ્રાટના હ્રદયમાં મારું સ્થાન તેમના માનસપુત્ર તરીકેનું હતું. મને તેમણે કઠોર તાલીમ આપી. મારી લેખનશૈલીમાં રહી જતી કચાશ બદલ છાશવારે મને ટપારે, બીજાઓની હાજરીમાં મને ‘હોકો’ કહી ખખડાવી નાખે અને ફરી વાર આવું કૂચાપાણી લખ્યું છે તો લાફો મારી દઈશ! એવી ધમકી તો સપ્તાહમાં એકાદ વખત આપવાનું ચૂકે નહીં. આમ છતાં હું સારી રીતે જાણતો કે મને પત્રકારત્વની તાલીમ આપવાના શુદ્ધ હેતુસર જ વારંવાર લબડધક્કે લેતા હતા.’

નગેન્દ્ર વિજય તેના પછીના ફકરામાં લખે છે, ‘કોઈ આગળ મને પૂછે કે, તમારા જીવનની નોંધપાત્ર સિદ્ધી કઈ? તો મારો જવાબ એ જ હોય કે હું વેણીભાઈ પુરોહિતનો શિષ્ય બની શક્યો. તેને મારી બહુ મોટી સિદ્ધી ગણું છું. લેખનો ઉપાડ કેવી રીતે કરવો, વાક્યમાં ચોક્કસ શબ્દ ચોક્કસ સ્થાને મૂકી સરળ અને સુપાચ્ય વાક્ય શી રીતે ગૂંથવું, આગામી વાક્ય સાથે તેને કયા પ્રકારે સાંકળી લેવુ, ભારેખમ મુદ્દો વર્ણવ્યા પછી તરત બિલકુલ તેને જ અનુરૂપ રમૂજ દ્રારા વાચકને હળવાશનો અનુભવ કરાવી તેને લેખ સાથે જકડી રાખવો. તેનું રજેરજનું માર્ગદર્શન વેણીભાઈ પુરોહિતે મને પિતૃભાવે આપ્યું.’

300મો અંક ઘણી રીતે વિશેષ હતો. તેના વિશેની વાત સમાચાર બુક ચાબુકમાં પછી ક્યારેક….

લેખનમાં લેખ લખવાની કળા લખવાના સૌથી મુશ્કેલ પ્રકારોમાં એક છે. 600 અથવા 800 શબ્દમાં અને કોઈવાર માહિતીનો અભાવ હોવા છતાં પાનાં ભરવા માટે ફરજીયાત 2000 શબ્દોમાં પણ પગ વાળીને લખવું પડે, એ કમરને શારીરિક રીતે અને મગજને માનસિક રીતે ભાંગી નાખતું કામ છે. વિજ્ઞાન જેવો વિષય હોય તો કોઈ ચિંતનની ચટણીઓ ચાલે નહીં. તમારે આંકડા અને માહિતી મુજબ ટુ ધ પોંઈન્ટ કામ લેવું પડે. નગેન્દ્ર દાદા આવું 60 વર્ષથી લખે છે.

તેમનો એક વખત એવું બન્યું લેખ 4500થી 5000 શબ્દમાં હોય છે. આર્ટિકલ લખવો એ બળજબરીનું કામ છે. જે લોકો છાપામાં કે મેગિઝનમાં અઠવાડિયે લખે છે, તેમને તેમની લેખ મથામણ ગાથા પૂછવી અથવા તો કાન્તિ ભટ્ટને યાદ કરી લેવા, જે દિવ્ય ભાસ્કર માટે રોજ એક લેખ લખતા હતા.

યુવા અવસ્થામાં નગેન્દ્ર વિજય જેટલા પણ લેખ લખતા તેમાંથી એક લેખ વેણીભાઈ ઉઠાવતા અને એ એક લેખમાં જે ભૂલ હોય તે અંગેની સંપૂર્ણ છણાવટ કરી નગેન્દ્રને આપી દેતા. નગેન્દ્ર વિજય આ એક લેખના આધારે પોતાના બીજા જેટલા પણ લેખ હોય તે સુધારી નાખતા.

વેણીભાઈએ મેગેઝિનનું સમગ્ર પોડક્શન નગેન્દ્ર વિજયને શીખવ્યું. લેખ કેવી રીતે શોધવો, બીજા કરતાં લેખને અલગ કેવી રીતે તારવવો, બીજાને ન આવે તેવો વિચાર આપણને કેવી રીતે આવે ? લેખ કઈ કઈ જગ્યાએથી મળી શકે. આવી નાની નાની વાતો તેમણે યુવા નગેન્દ્રને શીખવી. તેઓ આજે પણ એકલા પડે તો વેણીભાઈ લેખ વિશે કેવી રીતે કહેત, કે શીખવેત એ વાતનું સ્મરણ કરી લખવામાં આગળ વધી જાય છે.

લોકો ઊંચુ વિચારતા હોય છે. લેખમાં તમારે થાય એટલું નીચું વિચારવાનું. તળિયેથી. લોકોને ડેન બ્રાઊનની નહીં પણ અશ્વિની ભટ્ટની લેખનકળા વિશે જાણવાની ઉત્સુકતા છે. વિષય જેટલો બધાને સ્પર્શતો લખવામાં એટલી જ મજા. તમારે તમારું વર્તુળ શોધવાનું હોય.  

નગેન્દ્ર વિજય માટે સોવિયેત દેશમાં કામ કરવાનું કહેણ આવેલું. 1800 રૂપિયા પગાર હતો. કંઈ સર્જનાત્મક ન હતું કરવાનું. ફક્ત અનુવાદ કરવાનો હતો. નગેન્દ્ર વિજય જન્મભૂમિની ઓફિસમાં બેઠા હતા ત્યારે આ વાત ફોનમાં વેણીભાઈને વિજયગુપ્ત મોર્યએ કહી. વેણીભાઈએ કહી દીધું, ‘મારે એને લેખક બનાવવો છે. તેના પગ પર સામ્યવાદનો કુહાડો નથી મારવો.’

નગેન્દ્ર વિજય કહે છે, ‘વેણીભાઈ થર્ડ ક્લાસમાં થર્ડ ક્લાસ ફિલ્મો જોવાનું પણ કહેતા અને જે મળે તે વાંચવાનું પણ કહેતા.’ આવું કરવાથી સિનેમાક્ષેત્રે તમારે શું બનાવવું અને શું ન બનાવવું. શું વાંચવું શું ન વાંચવું નો ખ્યાલ આવી જાય છે. પણ તેના માટે એક દૃષ્ટી તુરંત જ કેળવાવી જરૂરી છે.

સૌને પૂછવો હોય તેવો પ્રશ્ન એ હશે કે નગેન્દ્ર વિજયે પોતાના સમયે શું શું વાંચ્યું? તમે એક વખત એવું બન્યું વાંચશો તો તેનો આરંભ અને તેની વિગતો એક નવલકથાની જેમ સડસડાટ જતી દેખાશે. નગેન્દ્ર વિજયે એલિસ્ટર મેક્લીનને વાંચ્યા છે, ઈરવિંગ વોલેસ, હેરોલ્ડ રોબિન્સ, પેરી મેસન, ફ્રેડિક ફોરસાઈથ… પિતાએ તેમને આવી નવલકથાઓની જગ્યાએ એક નવા નવલકથાકારને વાંચવાનું પણ કહેલું. નામ છે આઈઝેક અસીમોવ.

વેણીભાઈ પુરોહિત

નગેન્દ્ર દાદા સાર્થક સંવાદ શ્રેણી પુસ્તકનાં 35 નંબરના પેજ પર કહે છે, ‘કથાનકની રજૂઆત કેવી રીતે કરાય, પ્રસંગ કેવી રીતે ગૂંથી લેવાય, વાક્યરચના કેવી હોવી જોઈએ, લાંબા વાક્ય પછી કેવી રીતે એકાદ ટૂંકું વાક્ય લાવીને, કેવી રીતે બ્રેક પાડી દેવો જોઈએ—એ કળા હું વાચનમાંથી શીખ્યો. તેમાં મોટામાં મોટો ફાળો અંગ્રેજીની થ્રિલર વાર્તાઓનો.’

છેલ્લે નવા લેખકોને નગેન્દ્ર વિજય વેણીભાઈ દ્રારા પુસ્તકમાં રહેલો જે સંદેશ આપે છે તેના વિશે જોઈએ, ‘તમે કોકાકોલા પીઓ છો ત્યારે એક પીણું નહીં, એક ઈમેજ ગટગટાવો છો. એવી રીતે તમે કોઈ મેગેઝિન વાંચો છો ત્યારે તમે એક એક લેખકને પસંદ નથી કરતા. આખું મેગેઝિન તમારા પર હાવી થઈ જતું હોય છે. એટલે એ મેગેઝિનનું પોતાનું કેરેક્ટર હોવું જોઈએ. આ વાત મને બીજા કોઈએ કહી ન હતી. એ વેણીભાઈએ કહી… ’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments