Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસી માનવના પગલાંએ રહસ્ય અને કુતુહલની સાથે ચર્ચા જગાવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઓડુ ગામથી મીઠાગોઢા ગામ વચ્ચે આવેલા ખારી વિસ્તારમાં આ મહાકાય પગલાના નિશાન મળી આવ્યા છે. બે પગલાં વચ્ચેનું અંતર પોણા 6 થી 6 ફૂટ જેટલું અંતર જોવા મળ્યું છે. સામાન્ય રીતે માણસના બે પગલાંનું અંતર દોઢ થી બે ફૂટ જેટલું હોય છે. ત્યારે દસાડાના ઓડુ ગામ પાસે 6 ફૂટ જેટલું અંતર ધરાવતા પગલાં મળી આવતા પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આ કોઈ રાક્ષસી માનવીના પગલાઓ છે. બે દિવસથી આ પંથકમાં રાક્ષસી પગલાંઓની જ ચર્ચા ચાલી રહી છે. આ પગલાંઓએ લોકોમાં રહસ્ય અને કુતૂહલ ઉભું કર્યું છે. સફેદ ક્ષારથી ઢંકાયેલી આ જમીન પર 6 ફૂટનું અંતર ધરાવતા એક-બે નહીં પરંતુ 300 જેટલા પગલાં જોવા મળ્યા હતા. આ રહસ્યમયી વિરાટ માનવીના જમણા અને ડાબા પગલાં વચ્ચેનું અંતર માપતા સરેરાશ 5.75 થી માંડીને 6 ફૂટનું થતું હતું. પગલાંની છાપ જોતાં આ વ્યક્તિ પૂર્વ દિશામાંથી આવેલો અને ખારી વિસ્તાર ઓળંગીને રણ તરફ ગયો હોય તેવું જણાઈ આવતું હતું.
આ પગલાંઓને લઈને એવી ચર્ચાઓ થઈ રહી છે કે, જો કોઈ વ્યક્તિ કુદકો મારે તો પણ આવું એકાદ પગલું જ જોવા મળે પરંતુ અહીં સળંગ વિરાટ પગલાંઓ જોવા મળી રહ્યા છે. લોકોનું માનવું છે કે 11 ઇંચની લંબાઈ ધરાવતા પગલાંની છાપમાં માણસની ચાર આંગણીઓ અને અંગુઠો સ્પષ્ટ રીતે દેખાય છે. પરંતું આ માણસ કોણ છે અને ક્યાં ગયો તે અંગે કોઈને જાણ નથી તેથી આ અંગે તપાસ થાય તે જરૂરી છે. કેટલાક સ્થળે કઠણ જમીનમાં પગલાંની છાપ કુદરતી રીતે જ ઝાંખી થતી દેખાય છે આથી આ પગલાંની છાપ બનાવટી હોય તેવું પણ જણાઈ આવતું નથી.
બે પગલાં વચ્ચેનું અંતર 6 ફૂટ જેટલું પૃથ્વી પર રહેતા સામાન્ય માનવીનું ન હોઈ શકે. આટલી મોટી ફલાંગ કોઈ પરગ્રહવાસીની કે રાક્ષસી માનવીની જ હોઈ શકે તેવું લોકો માની રહ્યા છે. ઓડુ ગામના એક વ્યક્તિએ આ વિરાટ પગલાંની છાપ પ્રથમ વખત જોઈ ત્યારે તેની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. તેણે આ વાતની જાણ બીજા લોકોને કરતાં લોકોમાં કુતૂહલ પેદા થયું હતું. હાલ ગામ લોકોએ આ છાપ ભુંસાય નહીં તે માટે ગોળ રાઉન્ડ કરીને સાચવી રાખ્યા છે. અગાઉ દોઢ મહિના પહેલાં બે પગલાં વચ્ચે 6 ફૂટથી વધુનું અંતર ધ્યાનમાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત