Homeગુર્જર નગરીશું છે ખડગેનું "અભણ ગુજરાત" નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો...

શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત

Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આપેલા એક નિવેદનથી દેશભરમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. 5 એપ્રિલ 2026ના રોજ કેરળના ઈડુક્કી જિલ્લામાં યોજાયેલી એક રેલીમાં મલ્લિકાર્જૂન ખડગેએ પોતાના ભાષણ દરમિયાન કેરળના લોકોના વખાણ કર્યા. જો કે, આ જ દરમિયાન ખડગે કઈક એવું બોલી ગયા જે બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ તો ખડગેના આ શબ્દો બદલ એવો આરોપ લગાવ્યો છે કે, આ સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જૂન ખડગેના આ નિવેદનને ગુજરાતની અસ્મિતાનું અપમાન ગણાવાયું. ભાજપે તીવ્ર વિરોધ નોંધાવ્યો.એટલું જ નહીં ભાજપ હવે મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતીઓની માફી માગે તેવી માગણી કરી રહ્યું છે.

મલ્લિકાર્જુન ખડગે શું બોલ્યા હતા?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા ખડગેએ અહીં અગ્રેજી ભાષામાં પોતાનું ભાષણ આપ્યું હતું. પહેલા મલ્લિકાર્જૂનન ખડગેનું એ નિવેદન અંગ્રેજીમાં જ વાંચો.

“Don’t misguide the people of Kerala. They are very clever and educated. Modiji, Vijayan, you both can fool people who are illiterate in Gujarat or other places, but you cannot fool the people of Kerala.”

મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનનો અર્થ ગુજરાતીમાં કંઈક આવો નીકળે છે.

“કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ (illiterate) લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”

મલ્લિકાર્જૂન ખડગેએ પોતાના નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન બંનોનો ઉલ્લેખ કર્યો છે.

કેરળ વિધાનસભા ચૂંટણીઓ 9 એપ્રિલ 2026ના રોજ યોજાવાની છે. કોંગ્રેસના આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) તરફથી પ્રચાર કરતા ખડગે પિનરાઈ વિજયનની LDF સરકાર અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કેરળના ઉચ્ચ સાક્ષરતા દર અને લોકોની રાજકીય જાગૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે અહીંના લોકોને સરળતાથી ગેરમાર્ગે દોરી શકાતા નથી. પરંતુ આ નિવેદનમાં જ ગુજરાતીઓ માટે ‘અભણ’ શબ્દએ વિવાદને જન્મ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આને ગુજરાતી અસ્મિતાનું અપમાન ગણાવ્યું છે. ભાજપના નેતાઓએ કહ્યું કે ખડગે કોંગ્રેસની “સંકુચિત માનસિકતા” અને “ઉત્તર-દક્ષિણ વિભાજન”ની નીતિને આગળ ધપાવી રહ્યા છે.ભાજપે ખડગે પાસેથી તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે અને કહ્યું છે કે “ગુજરાતના લોકો આનો યોગ્ય જવાબ આપશે.”

khadge

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

“કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને સાડા છ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરીમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનનથી કોંગ્રેસ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ઘની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોથી છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું. તેમા પણ અડચણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબના વિઝનથી શરુ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આવા તો અનેક અન્યાય કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતી આવી છે.”

મુખ્યમંત્રીએ ગુજરાત અને ગુજરાતીઓની સિદ્ધિ ગણાવી

ગુજરાતે કનૈયાલાલ મુનશી જેવા કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક, ડો. એચ.એમ. પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ જેવા વિરલ વ્યકિતઓ દેશને આપ્યા છે. આજ ગુજરાત દેશના જીડીપીમાં 8 કરતા વધુ યોગદાન, ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત એકલું દેશનું 40 ટકા કાર્ગો હેન્ડલ કરે છે. દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન 30 ટકા અને નિકાસમાં 20 ટકા છે. રિન્યુબલ એનર્જીમાં ગુજરાતનો હિસ્સો 16.5 ટકા છે. આ તાકાત છે ગુજરાતીઓની.

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે

તો ગુજરાત કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનો બચાવ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો કે, મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ખોટી રીતે રજૂ કરાઈ રહ્યું છે.. તેમણે કહ્યું કે,”અમારા અધ્યક્ષના કહેવાનો આશય એ હતો આ ભાજપની સરકારની પોલિસીના કારણે જે પ્રકારે શિક્ષણનું સ્તર ઘટ્યું છે.અને એ ઓછું શિક્ષણ ધરાવતા લોકો પુરું જાણી ન શકે, પૂછી ન શકે એટલા માટે એમને ગુમરાહ કરી ધાર્મિક, અંધશ્રદ્ધા અને જૂદા જૂદા રસ્તે લઈ જઈ અને તેનો દૂરઉપયોગ કરે છે એ એમનો કહેવાનો આશય હતો.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments