Homeગુર્જર નગરીસંબંધ રાખવાની ના પાડી તો જાહેરમાં જ કટર વડે યુવતીનું ગળું કાપી...

સંબંધ રાખવાની ના પાડી તો જાહેરમાં જ કટર વડે યુવતીનું ગળું કાપી નાખ્યું ! આરોપીની ધરપકડ

Team Chabuk-Guajrat Desk: સુરતમાં સચિન વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયા કેસ જેવી ઘટના થતાં રહી ગઈ. જે ઘટના સામે આવી છે તેની ગંભીરતાની નોંધ ગૃહ રાજ્યમંત્રીએ પણ લીધી છે. આ કેસમાં પણ આરોપીએ યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો છે. સદનસીબે યુવતીનો જીવ બચી ગયો છે પરંતુ તે ભયથી ધ્રુજી રહી છે. યુવતીનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી હતી.

યુવતીએ સંબંધ રાખવાનો ઈનકાર કરતા ઝનૂની પ્રેમીએ યુવતીના ગળા પર કટર ફેરવી દીધું. ગંભીર ઈજાઓ થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બીજી તરફ પોલીસ ફરિયાદ નોંધી ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ ઉમરપાડા તાલુકાની વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી સિલાઈ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. વર્ષ ૨૦૧૯માં તેની જ કંપનીમાં સાથે કામ કરતા તાપી જિલ્લાના બોરદાગામ ખાતે રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી નામના યુવક સાથે તેની મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. પરંતુ યુવતી રામસિંગના સ્વભાવ અને વર્તન ઓળખી ગઈ હતી. યુવકનું વર્તન બરાબર ન હોવાથી યુવતીએ આગળ વધવા અને લગ્ન કરવા માટે ઈનકાર કરી દીધો હતો. જેને લઈને ઝુનીની પ્રેમી તેને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો.

યુવતીની પજવણી એટલી હદે વધી ગઈ કે યુવતી નોકરી છોડી અને વતનમાં જતી રહી. મામલો થાળે પડ્યો એટલે 6 મહિના પહેલાં યુવતી વતનથી ફરી પરત આવી અને ફરી નોકરી શરૂ કરી. જો કે, આ વાતની જાણ યુવકને થતાં તેણે ફરી યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન ૧૭ ડીસેમ્બરે યુવતી સચિન વિસ્તારમાં આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે ATMમાં પૈસા ઉપાડવા ગઈ. જ્યાં રામસિંગ પણ આવી પહોંચ્યો. એટલું જ નહીં આરોપીએ યુવતીનું ATM અને મોબાઈલ છીનવી લીધો અને પોતાની સાથે આવવા દબાણ કરવા લાગ્યો. જો કે, યુવતી ટસની મસ ન થઈ. આ જ સ્થળે બંને વચ્ચે બોલાચાલી થઈ. મામલો ઉગ્ર બનતા લોકોનું ટોળું એકઠું થયું એટલે આરોપી સ્થળ છોડી ફરાર થઈ ગયો.
૨૧ ડીસેમ્બરે સવારે યુવતી તેની બહેનપણી સાથે નોકરી પર જઈ રહી હતી. દરમિયાન આરોપી ફરી તેની પાછળ આવ્યો. પરંતુ આ વખતે આરોપીનો ઈરાદો કંઈક અલગ હતો. તેના હાથમાં ધારદાર કટર હતું જેની જાણ યુવતીને ન હતી. યુવતી કંઈ સમજે તે પહેલાં જ તેણે કટરથી યુવતીનું ગળું રહેંસી નાખ્યું. યુવતીના ગળામાંથી લોહીના ફૂવારા છૂટવા લાગ્યા અને તે ત્યાં જ ઢળી પડી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડાઈ. સમયસર સારવાર મળી જતાં યુવતીનો જીવ બચી ગયો છે પરંતુ તે હજુ આ દુર્ઘટનાને ભૂલી શકી નથી અને ન્યાયની માગણી કરી રહી છે.

બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ. ત્યારબાદ પોલીસે યુવતીની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ ઝનૂની પ્રેમીને ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ એન્ગલ પર તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને કડક સજા થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખૂનની કોશિશ સહિતની કલમો લગાવી તપાસ કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ સુરતના કામરેજમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઈ ગઈ હતી. એક તરફી પ્રેમમાં ફેનિલ ગોયાણી નામના શખ્સે ગ્રીષ્માના પરિવાર સામે જ ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. આ કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારાઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments