Homeગુર્જર નગરીગાંધીનગર અક્ષરધામમાં 49 ફૂટ ઉંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા

ગાંધીનગર અક્ષરધામમાં 49 ફૂટ ઉંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા

Team Chabuk-Gujarat Desk: : આજે 11 નવેમ્બર, કાર્તિક સુદ દશમીના શુભ દિને, ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. સવારે 7:30 વાગ્યે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામી, તેમજ ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત આનંદસ્વરૂપ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિ અંતર્ગત પૂર્વન્યાસ વિધિનો આરંભ થયો હતો. બીએપીએસના વિદ્વાન સંત શ્રુતિપ્રકાશ સ્વામીએ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સમગ્ર પૂજાવિધિ કરાવી હતી. પૂર્વન્યાસ વિધિ બાદ શ્રી નીલકંઠ વર્ણી મહારાજના 108 મંગળકારી નામ તેમજ સહજાનંદ નામાવલીનો જપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અક્ષરવત્સલદાસ સ્વામીએ સમગ્ર ભારતમાં શ્રી નીલકંઠ વર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ નીલકંઠ વર્ણી તપોમૂર્તિની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં નીલકંઠ વર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સ્વિલ, ન્યુ જર્સી ખાતે સૌપ્રથમ વાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

8:30 વાગ્યે મહંત સ્વામી મહારાજ દ્વારા 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાર ધામ, પંચ કેદાર, પંચ સરોવર, સાત પૂરી, સાત બદરી, સાત ક્ષેત્રો, આઠ વિનાયક તીર્થો, નવ અરણ્યક, બાર મહા સંગમો, એકાવન શકિતપીઠો, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત છ મંદિરો, બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત 5 મંદિરો, તેમજ બીએપીએસની ગુરૂપરંપરા દ્વારા સ્થાપિત મંદિરો સહિત અનેક તીર્થોમાંના પવિત્ર જળ વડે વિધિ કરવામાં આવ્યો હતો.

Akshardham

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નીલકંઠવર્ણી મહારાજના હૃદયસ્થાનથી વિધિ શરૂ કર્યો અને ત્યારબાદ સ્વામિનારાયણ મહામંત્રના મંગળ ધ્વનિ સાથે નીલકંઠ વર્ણી મહારાજનું મુખદર્શન, મંગલદર્શન અને મૂર્તિપૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવી મંગલ ભાવના સાથે સ્વામિનારાયણ મહામંત્રના જાપ સાથે આરતીનું અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્ર પુષ્પાંજલિ અને ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા મહંત સ્વામી મહારાજને વિવિધ કલાત્મક હાર તેમજ ચાદર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ મૂર્તિના નિર્માણમાં જેમનું વિશેષ માર્ગદર્શન આપનાર સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણ સ્વામીએ તેઓના સંબોધનમાં જણાવ્યું, “ગુજરાતના પાટનગરમાં અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની ભેટ છે. આજે તપોમૂર્તિ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે તે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ છે. નીલકંઠવર્ણી મહારાજ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સમગ્ર ભારતવર્ષમાં વિચરણ કરીને આપણાં ગુજરાતમાં પધાર્યા અને રામાનંદ સ્વામી દ્વારા આ સંપ્રદાયની જવાબદારી સ્વીકારી. સમગ્ર ગુજરાતમાં વિચરણ કરીને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો અને ગુણાતીત પુરુષો દ્વારા પોતાની પરંપરા ચાલુ રાખી. આજે તેઓ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. ભગવાન સ્વામિનારાયણે ભક્તોના કલ્યાણ માટે સાત વર્ષ ખૂબ જ આકરું તપ અને વિચરણ કર્યું છે તેમજ દેહનું ખૂબ જ દમન કર્યું છે. ઘણી વાર તો તેઓ વાયુ ભરખીને રહ્યા છે અને જંગલોમાં હિંસક પ્રાણીઓની વચ્ચે પણ તેમણે વિચરણ કર્યું છે. તપથી ભગવાન રાજી થાય છે અને ભગવાન સ્વામિનારાયણે મુકિતનાથમાં અઢી મહિના જે તપ કર્યું હતું તેની સ્મૃતિ નિરંતર રહે તે માટે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.”

મહંત સ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, “આ તપોમૂર્તિના દર્શન કરતાં મન સ્થિર થઈ જાય અને મન ખેંચાઈ જાય તેવી આ ભવ્ય તપોમૂર્તિ છે. ભગવાન સ્વામિનારાયણ 6-6 મહિના સુધી વાયુ ભરખીને હિમાલયમાં રહ્યા છે. સર્વ જીવ માત્રનું કલ્યાણ કરવાના સંકલ્પ સાથે નિઃસ્વાર્થ ભાવે નીલકંઠવર્ણી મહારાજે આવું આકરું, કલ્પનાતીત તપ અને વિચરણ કર્યું હતું. નીલકંઠ વર્ણી સર્વેના સંકલ્પો પૂરા કરે અને સર્વેને તપ કરવાની પ્રેરણા મળે. જેમણે અહીં સેવા કરી છે, તેમને ધન્યવાદ અને સર્વેના જીવનમાં સત્સંગની દૃઢતા થતી રહે તેવી પ્રાર્થના.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments