ખોબા જેવડુ ખાટલી; રાજા જેવો રાજ
દેશભરમાં ડંકો દિધો તે કંડોરણાના કુમાર
એક તો થાય કે ગુજરાતી માધ્યમને અવગણી અંગ્રેજી માધ્યમમાં ભણવાના ધખારા વધી રહ્યા છે, પણ કેટલાક છોકરાઓ એકાદ બે વર્ષે આવી જ જાય જેના કારણે ગુજરાતી માધ્યમમાં પણ ભણ્યા જેવું છે તેવું બીજા સંતાનોના માતા પિતાને લાગે. પાછું ખબર પડે કે છોકરાને ટ્યુશન પણ નહોતું તો કેવી ફિલીંગ થાય? જામકંડોરણાનો આ છોકરો પણ એવો જ છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને જામકંડોરણા તાલુકાના નાના ખોબા જેવા ખાટલી ગામના રાજ ગજેરાએ સાબિત કરી છે. ધો. ૧૨ સાયન્સ પછી મેડિકલ એજ્યુકેશનમાં અભ્યાસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET)માં રાજ ગજેરાએ ગુજરાતમાં બીજું અને દેશભરમાં ૩૬મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ખેડૂત પરિવારમાં જન્મેલા રાજ ગજેરાએ રાજકોટમાં અભ્યાસ કરી કોઈ પણ પ્રકારના સ્પેશિયલ ટ્યુશન વીના નીટ પરીક્ષા પાસ કરી છે. સમગ્ર દેશમાં ૭૨૦ માર્કની યોજાતી નીટ પરીક્ષામાં રાજ ગજેરાએ ૭૦૫ માર્ક મેળવ્યા છે. રાજનું મેરીટ જોતા તેને દેશની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા એઈમ્સ, દિલ્લીમાં પ્રવેશ મળશે.
લોકડાઉનમાં પણ તૈયારી અવિરત રાખી
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી. આવા સમયે રાજ ગજેરાએ કોઈ પણ પ્રકારે ગભરાયા વિના જાત મહેનતથી ડીજિટલ એજ્યુકેશનનો ઉપયોગ કરી તૈયારી ચાલુ રાખી. પોતાને મુંઝવતા પ્રશ્નો શિક્ષકને વોટ્સ એપ, કોલથી પુછી સમસ્યાનું સમાધાન કરતો ગયો. લોકડાઉનમાં પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવી સમગ્ર દેશમાં ૩૬મું સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યુ.
રાજના પરિણામમાં ભૂલથી દિલ્હી લખાયુ
નીટ દ્વારા પરિણામ જાહેર થયા બાદ સમગ્ર દેશમાં ૫૦માં આવેલા વિદ્યાર્થીઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. એમાં રાજ રસીકભાઈ ગજેરાના નામની સામે ગુજરાતના બદલે દિલ્હી લખાઈ ગયુ હતું. રાજ ગજેરાએ મોંઘા ટ્યુશનના બદલે સ્કુલમાં જ તૈયારી કરી શ્રેષ્ઠ પરિણામ મેળવી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.

માતૃ ભાષામાં અભ્યાસ કરી મેળવ્યું ઉત્કૃષ્ટ પરિણામ
રાજ ગજેરાએ ધો.૧૧-૧૨ સાયન્સ રાજકોટની ખાનગી શાળામાં પોતાની માતૃભાષા એવા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. રાજે ગુજરાતી માધ્યમમાં અત્યાર સુધીનો હાઈએસ્ટ રેન્ક મેળવ્યો છે. જેના કારણે તેને દિલ્લી એઈમ્સમાં પ્રવેશ મળી શકશે.
NEET પરીક્ષા શુ છે ?
મેડિલક ક્ષેત્રે MBBS, BAMS જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સમગ્ર દેશમાં એક કોમન પરીક્ષા યોજાય છે. ૭૨૦ માર્કની પરીક્ષામાંથી મેરીટના આધારે પ્રવેશ મળે છે. ટોપ ૫૦માં આવતા વિદ્યાર્થીઓ દેશની પ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા ઓલ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)મા પ્રવેશ મેળવતા હોય છે. ત્યારબાદ વિવિધ રાજ્યની સરકારી, ગ્રાન્ટડ મેડિકલ કોલેજમાં મેરીટના આધારે પ્રવેશ મેળવે છે.

જયેશ ભાઈ રાદડીયાએ પણ ફેસબુકમાં વખાણ કર્યા
ફેસબુકમાં જયેશ ભાઈ રાદડીયા લખે છે, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય… જ્ઞાન ઉપર કોઈનો ઈજારો નથી હોતો. જે પરસેવો પાડે છે એને સફળતા વરમાળા પહેરાવે છે.આજે મારે ગૌરવ અને આનંદ સાથે કહેવું છે કે મારા વતન જામકંડોરણા તાલુકાના ખોબા જેવડા “ખાટલી” ગામનો વિદ્યાર્થી ચિ. રાજ રસિકભાઈ ગજેરા ધોરણ 12 પછી મેડિકલ ક્ષેત્રે લેવાતી NEETની પરીક્ષામાં 720માંથી 705 માર્કસ મેળવી સમગ્ર ભારતમાં 36માં રેન્ક સાથે અને ગુજરાતમાં દ્વીતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે.

હવે એ દિલ્હીની વિશ્વપ્રસિદ્ધ AIIMS માં નિશ્ચિત પ્રવેશ મેળવશે. ગુજરાતી માધ્યમમાં ભણીને ચિ.રાજે જે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે એ ખૂબ જ પ્રેરણાદાયી અને ગૌરવપ્રદ ઘટના છે. હું ચિ. રાજ, એના માતા-પિતા તથા એની શાળા અને એના ગુરુજનોને આ ભવ્ય સફળતા માટે હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું.ચિ.રાજના ભવ્ય પુરુષાર્થને મારા જામકંડોરણા વિસ્તાર વતી વંદન…’