એક તરફ ચોમાસા દરમિયાન વધુ વરસાદના કારણે ખેડૂતોને તલ, મગફળી, એરંડા, ડાંગર અને કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, જો કે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડતાં મુરઝાયેલો પાક ફરી જીવંત થયો હતો અને ખેડૂતોને સારો ઉતારો મળવાની આશા બંધાઈ હતી પરંતુ રવિવારે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોના ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વરસાદ પડતા ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે. કપાસમાં વીણી બાકી છે ત્યારે વરસાદથી પાકની ગુણવત્તા પર અસર થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. કાપણી કરીને ખેતરમાં પડેલા ડાંગરના પાકને પણ નુકસાની થઈ છે. જ્યારે બીજી તરફ જે ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર કરીને ખેતરમાં અને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડ્યો હતો અને વેચીને આવક મળવાની જ હતી ત્યાં મગફળીને પણ વરસાદથી નુકશાન થતા ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમારા મોઢે આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો ?
રાજ્યમાં ઘણા વિસ્તારમાં રવિવારે પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભાવનગરમાં રવિવારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. તો રાજકોટમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધ્રોલમાં સૌથી વધુ 4 ઇંચ, ગોંડલમાં 3.5 ઇંચ, અબડાસામાં 2 ઇંચ, વિજાપુર, નેત્રંગ, મહેસાણા અને ટંકારામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માળીયા મિયાણાના મંદરકી ગામે વીજળી પડતાં એક મહિલાનું મોત નિપજ્યું છે.
ખુલ્લામાં પડેલી મગફળીને ભારે નુકસાન
ચોમાસાની વિદાય ટાણે રાજ્યમાં પડેલા વરસાદને પગલે કપાસના પાકમાં ફૂલ ખરી પડ્યા છે. ઘણી જગ્યાએ યાર્ડમાં પડેલ માલ પલળી ગયો છે. ઘાસચારાને પણ નુકસાન થયું છે. કેળના પાકને પણ નુકશાન ઓછા-વત્તા પ્રમાણમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. સૌરાષ્ટમાં મગફળી, કપાસનો પાક હાલમાં તૈયાર થયો છે ત્યારે તેમાં પણ વરસાદને લીધે ખેડૂતોને નુકશાની વેઠવી પડશે.
કાપણી કરેલી ડાંગર પલળી ગઈ
હાલમાં કેટલોક માલ ખેતરોમાં અને માર્કેટયાર્ડમાં ખૂલ્લામાં પડયો છે. વરસાદથી માલની ગુણવત્તા ઘટી જતા ખેડૂતોને ઓછા ભાવ મળતા તેઓ માટે તો આ વર્ષે પડયા પર પાટુ માર્યા જેવો ઘાટ ઘડાશે. અતિવૃષ્ટિએ ચાલુ વર્ષે પાકમાં નુકશાની પહોંચાડયા બાદ હવે જ્યારે પાક લેવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાછો વરસાદ આવી પડતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદે ખેડૂતોની નવરાત્રિની સાથે સાથે દિવાળી પણ બગાડી છે.
કૃષિ રાહત પેકેજ હેઠળ મળશે રાહત ?
ખેતીવાડી ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ તા.૧૫ ઓક્ટોબરથી તા.૧૫ નવેમ્બર સુધીમાં જો ૨ ઇંચથી વધુ વરસાદ પડે તો ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ રાહત પેકેજ હેઠળ વળતર આપવાની વિચારણા થઈ શકે છે. જોકે હાલમાં પડતો વરસાદ સાર્વત્રિક નથી, છૂટોછવાયો હોવાથી ખરીફ પાકોને ભારે નુકશાની થવાની શક્યતા ઓછી છે.
હાલમાં રાજ્યામાં ૭૦ ટકાથી વધુનો ખરીફ પાક લેવાઈ ગયો છે. પાછોતરૂ વાવેતર હોય તેવા કિસ્સામાં કાપણીવાળો માલ ખેતરમાં , ખૂલ્લામાં પડયો હોય તેવા કિસ્સમાં નુકશાની થશે. ઘાસચારો કાળો પડી જતા તેમાં કોવણ આવતા પશુઓ પણ તે ખાતા ન હોવાથી પશુપાલકોની પણ સ્થિતિ કફોડી બની જશે. આ વરસાદથી દિવેલા, તુવેર અને શાકભાજીને ફાયદો થશે. કપાસ, મગફળી અને ડાંગરને નુકશાની થશે. વળી અઠવાડિયા પછી રવી વાવેતર શરૂ થનાર હોવાથી ભેજવાળી જમીન મળી રહેતા બટાકા, ડુંગળી, લસણ અને ચણાના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ પણ નીવડશે.