Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસ બીમારી ફેલાઈ રહી હોવાથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ગંભીર ગણાતા આ મ્યુકોરમાઈકોસિસે ગુજરાતમાં પગપેસરો કરી લેતાં સરકારની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. મોટા શહેરો બાદ આ બીમારી નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. વલસાડ જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના 35થી વધુ દર્દીઓ સામે આવતા હડકંપ મચી ગયો છે.
વલસાડ જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસ બીમારીના મંડાણ થઈ ચુક્યા છે. કોરોનાની બીજી લહેરમાં વલસાડ જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના 35થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. વલસાડના ઈએનટી સર્જને કોરોનાની બીજી લહેર દરમિયાન અત્યાર સધીમાં આ બીમારીનો ભોગ બનેલા 15 દર્દીના ઓપરેશન કર્યા છે. જેમાંથી 5 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે.
વલસાડના ડોક્ટર હાઉસમાં અત્યારે મ્યુકોરમાઈકોસિસના વધુ 10 દર્દીઓ સારવાર હેઠળ છે. કસ્તુરબા હોસ્પિટલમાં 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તથા પારડીની પારડી હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. આમ વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 35 જેટલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ નોંધાતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોના સામે લડતા જિલ્લા આરોગ્ય તંત્રમાં મ્યુકોરમાઈકોસિસના કારણે મુશ્કેલી વધી છે.
સુરતમાં અઠવાડિયામાં જ માત્ર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 10 શંકાસ્પદ અને 9 કન્ફર્મ મળી કુલ 19 દર્દીઓ દાખલ થઈ ચુક્યા છે. ચિંતાની વાત એ છે કે આ દર્દીઓને અપાતા જરૂરી એવા લાયપોસોમલ એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન ખુદ સિવિલ હોસ્પિટલ પાસે પણ નથી. આથી સિવિલ હોસ્પિટલ દ્વારા ગુજરાત મેડિકલ સેન્ટ્રલ સર્વિસ કોર્પોરેશન સમક્ષ બે હજાર ઇન્જેક્શન આપવા માટે માગણી કરી છે.
મ્યુકોરમાઈકોસિસ આંખ, મગજની સાથો-સાથ ઉપલા દાંતના જડબાંને પણ અસર કરતાં દાંત ખરી પડ્યા હોવાના કેસ પણ સુરત શહેરમાં બન્યા છે. સાયનસથી શરૂ થતાં મ્યુકોરમાઈકોસિસની આંખ અને તની સાથે મેગ્ઝિલોમાં પણ અસર થતી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક દર્દીની થયેલી સાયનસની સર્જરીમાં 9 દાંત ખરી પડ્યા હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં મ્યુકોરમાઈકોસિસનો વોર્ડ હાઉસફૂલ
મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વોર્ડ ઉભા કરાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે 90 બેડ અને ડેન્ટલ હોસ્પિટલ ખાતે 20 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે સિવિલ હોસ્પિટલના તંત્રનું કહેવું છે કે કુલ 110 બેડમાંથી હાલ 105 બેડ ભરાય ગયા છે. માત્ર 5 બેડ જ ખાલી છે. આમ સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસ માટે બનાવેલો નવો વોર્ડ હાઉસફુલ થઈ ગયો છે. સિવિલ હોસ્પિટલના જણાવ્યા મુજબ દરરોજ 12 થી 15 નવા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.
મ્યુકોરમાઈકોસિસ બીમારીના લક્ષણો નીચે મુજબના છે
- એક બાજુનો ચહેરો સોજી જવો
- માથાનો દુઃખાવો
- નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
- મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
- આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી
- તાવ, કફ, છાતીમાં દુઃખાવો
- શ્વાસ રૂંધાવો, પેટનો દુઃખાવો
- ઉબકા આવવા કે ઉલટી થવી
- આંતરડામાં રક્તસ્ત્રાવ થવો, જેવા લક્ષણો જોવા મળે છે.
કોના પર વધુ જોખમ ?
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઈ રહ્યા હોય, કુપોષિત, અવિકસિત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોરમાઈરસિસ બીમારી થવાની સંભાવના વધુ છે.
બચવા શું કરવું ?
મ્યુકોરમાઈરસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકોરમાઈરસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકોરમાઈરસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે.