Homeગામનાં ચોરેભારતમાં અપાતી વેક્સિન કેવી રીતે કામ કરે છે?

ભારતમાં અપાતી વેક્સિન કેવી રીતે કામ કરે છે?

ઉત્સવ પરમારઃ કોરોનાની માથાકૂટ વચ્ચે જાન્યુઆરીમાં વેક્સિન આવી ગઈ. હાશ થઈ. રસીકરણની આ ઝડપ અભૂતપૂર્વ છે. વ્યાપક પ્રમાણમાં લોકો વેક્સિન લઈ રહ્યા છે અને સૌની અલગ અલગ પ્રતિક્રિયાઓ છે, અનુભવો છે અને પ્રશ્નો છે. મૂંઝવણ અનેક છે. વેક્સિન લેવી કે ના લેવી પર મંડળીઓની લાંબી ચર્ચાઓ થઈ રહી છે.  સૌથી પહેલા આપણે જાણીશું કે વેક્સિન શું છે અને આપણે ત્યાં મળતી વેક્સિન કેવા પ્રકારની છે ?

સૌથી પહેલા ટૂંકમાં આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વિશે જાણીએ

આપણા શરીરની સિક્યોરિટી સિસ્ટમ વર્ષોની ઉત્ક્રાંતિ બાદ વિકાસ પામી છે. જેવું એને ખબર પડે કે કોઈ અજાણ્યું તત્વ શરીરમાં ઘૂસ મારી રહ્યું છે કે તરત જ એ એક્ટિવ થઈને તેને નિષ્ક્રિય કરી નાખે છે. આવા કેટલાય વાઇરસ અને બેક્ટેરિયાને ઓળખીને આપણી સિક્યોરિટી સિસ્ટમ બહારનો રસ્તો બતાવી દે છે. પણ કોરોના જેવા કેટલાક વાઇરસ આપણી સિક્યોરિટી સિસ્ટમને ડફોળ બનાવવામાં હોશિયાર થઈ જાય છે અને જયારે આપણી સિસ્ટમને ખબર પડે છે કે વાઇરસ કે બેક્ટેરિયા અંદર ઘૂસી ગયો છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. કારણ એક જ કે વાઇરસનું મોઢું આ પહેલા સિક્યોરિટી સિસ્ટમે જોયું નથી  હોતું. એકવાર એને ખબર પડી જાય કે આ વાઇરસ કેવો દેખાય છે તો ફરી પેલો વાઇરસ આવે કે તરત જ એને ઢીશુમ ઢીશુમ કરી શકાય.

બસ કોઈપણ વેક્સિન આ જ કામ કરે છે… દુશ્મન કેવો દેખાતો હશે એની વાત આપણી સિક્યોરિટી સિસ્ટમને પહેલેથી કહી રાખે છે.

તમને ખ્યાલ હશે કે આપણી સેના સતત મોકડ્રિલ કર્યા કરતી હોય છે, જેમાં નકલી ટાર્ગેટ ઊભાં કરીને તેમને પ્રેક્ટિસ આપવામાં આવે છે જેથી જયારે અસલી યુદ્ધ થાય કે હુમલો થાય ત્યારે એ હુમલો ખાળવો  પૂર્વ અભ્યાસને કારણે સરળ બને.

વેક્સિન પણ શરીરને આ જ રીતે મોકડ્રિલ કરાવે છે. વાઇરસ નબળો કરીને કે તેના ચોક્કસ ટુકડા નાખીને કે મૃત વાઇરસ વાપરીને આપણી સિક્યોરિટી સિસ્ટમને ટાર્ગેટ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે જેથી અસલી વાઇરસ આવે ત્યારે એનું ઢીમ ઢાળી દેવું સહેલું બને.

હવે આપણે ભારતમાં અપાતી બંને વેક્સિન વિશે જાણીશું

કોવિશિલ્ડ

કોવિશિલ્ડ, મૂળ સ્વિડિશ કંપની એસ્ટ્રાજેનેકા અને બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથેના રિસર્ચના પરિણામે વિકસેલી વેક્સિન છે. આ વેક્સિનનું ભારતમાં ઉત્પાદન સિરમ ઇન્સ્ટિટ્યૂટ નામની ખાનગી કંપની કરી રહી છે અને ભારતમાં તેનું બ્રાન્ડ નેમ કોવિશિલ્ડ છે.

આ વેક્સિન પરંપરાગત રીતે નથી બનેલી. આ થોડી નોખી રીતે બની છે. તેમણે ફક્ત સ્પાઈક બનાવતો જેનેટિક કોડ લીધો છે અને આપણા માનવ કોષમાં તેને દાખલ કરવા માટે વાહન તરીકે એક જુદા જ પ્રકારના એડીનોવાઇરસનો ઉપયોગ કર્યો છે. 

કોરોનાનું ચિત્ર જુઓ તો તમને ખ્યાલ હશે કે કાંટાળા ફૂટબોલ જેવા વાયરસના શરીરની આત્મા તેની અંદરના RNA કે જેનેટિક મટીરીયલમાં જ રહેલી છે. એ હુક જેવો કાંટો આપણા કોષોની સપાટીએ ભરાવીને પેલું જેનેટિક મટીરીયલ આપણા કોષમાં ઠાલવી દે છે અને ગુપચુપ રીતે પોતાના પ્રોટીન પેદા કરે છે.

હવે આ વેક્સિનમાં જેનેટિક મટીરીયલ કોરોનાનું લીધું અને એ પણ એટલું જ જેમાં પેલો સ્પાઇક કે કાંટો પેદા કરવાની ક્ષમતા હોય. પરંતુ આ મટીરીયલનું પેકીંગ બીજા વાઇરસના શરીરમાં કર્યું. આ વાઇરસ એટલે ચિમ્પાન્ઝીને શરદી કરતો એડીનો વાઇરસ. એમ તો આપણને શરદી કરે એવા પણ એડીનો વાઇરસ હોય છે પણ જો એવા એડીનો વાઇરસ વાપરીશું તો શક્ય છે કે આપણી સિક્યોરિટી સિસ્ટમ એડીનો વાઇરસને ઘૂસતાં વેંત જ ઢીબેડી નાખે અને આપણે મૂકેલો જેનેટિક કોડ ફાઇનલ સરનામા સુધી પહોંચે જ નહીં. એટલે આપણા દૂરના સગા ચિમ્પાન્ઝીને અસર કરતો વાઇરસ લેવામાં આવે છે, જે આપણાં માટે બિન હાનિકારક હોય.

તો બસ એડીનોવાઇરસની પોટલીમાં છૂપો સંદેશો ઇન્જેક્શન વડે દાખલ કરાય છે અને જયારે દાખલ થાય છે ત્યારે આપણી સિક્યોરિટી સિસ્ટમ પ્રાથમિક રિસ્પોન્સ આપે છે. એટલે જ ઘણા લોકોને  48 થી 72 કલાક સુધી તાવ આવે, માથું દુઃખે કે કળતર જેવું થતું હોય છે. ઘણીવાર વેક્સિનના મૂળ તત્વો નહીં પણ વપરાયેલા અન્ય મટીરીયલની એલર્જી પેદા કરી શકે છે.

મોટે ભાગે દુનિયાભરમાં અલગ અલગ રોગો માટે અપાતી વેક્સિનમાં ગંભીર આડ અસરો વેક્સિન લીધાના શરૂઆતના કલાકોમાં જ આવી જાય છે. આથી વેક્સિન આપ્યા બાદ તમને સૌને અડધો કલાક બેસવાનું કહેવાય છે. જો ગંભીર અસર જણાય તો એડ્રિનાલિન કે હાયડ્રોકોર્ટિસોનના ઇન્જેક્શન આપવામાં આવે છે.

કોવેક્સિન

હવે વાત કરીએ બીજી વેક્સિન કે જે સંપૂર્ણ સ્વદેશી છે અને ભારતમાં જ સંશોધિત અને નિર્મિત છે. આ વેક્સિન પરંપરાગત રીતે બની છે. આ વેક્સિનમાં સંપૂર્ણ કોરોના વાઇરસને નિષ્ક્રિય કરી નાખવામાં આવે છે. વેક્સિનમાં ખાલી સ્પાઈકનો કોડ નથી પણ સમગ્ર વાઇરસનો જેનેટિક કોડ છે. એટલે વાઇરસ વધારે મ્યુટેટ થાય તો પણ ઇમ્યુન રિસ્પોન્સ આવવાની “સૈદ્ધાંતિક” શક્યતા આ પ્રકારની વેક્સિનમાં વધુ રહેલી છે.

હવે બીજું લોકોને એવું બહું છે કે વેક્સિન લીધી છે તો પણ કોવિડ થઈ ગયો. આમાં લોકોએ એ સમજવું જોઈએ કે ઘરે ચોકીદાર બેસાડો તો એ ઘરમાં ચોર ઘૂસી ના શકે એની તૈયારી છે. ચોકીદાર બેસાડવાનો મતલબ એ નથી કે ચોર આવશે જ નહીં, ચોર આવશે પણ ચોરી થવાની શક્યતાઓ ઘટી જાય. એવી રીતે વેક્સિન કોરોના વાઇરસથી થતા રોગ કોવિડને રોકે છે અથવા તેની તીવ્રતા ઘટાડે છે. વાઇરસને અંદર ઘૂસતા રોકી ના શકે. કેમકે વાઇરસ નાક કે મોંથી ઘૂસે છે અને વેક્સિન શરીરના કોષોની અંદર રક્ષા કરે છે.

એટલે વેક્સિન લીધા પછી પણ કોવિડ થઈ શકે અને RT-PCR  પોઝિટિવ આવી શકે છે. બીજું RT-PCR ટેસ્ટ વાઇરસની જેનેટિક હાજરી બતાવે છે, મૃત વાઇરસના ટુકડા સેમ્પલમાં હોય તો પણ આ ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. દુનિયાની કોઈ પણ રસી 100% અસરકારક ક્યારે પણ નથી હોતી એટલે વેક્સિન અસર નથી કરતી કે પાયાવિહોણી છે એવી વાતો તથ્યો જાણ્યા વિના કરવી નહીં.

દુનિયાની અલગ અલગ વેક્સિન અને એમના ઇમ્યુન રિસ્પોન્સ વિશે હવે પછીના લેખમાં લખવામાં આવશે. આ ઉપરાંત માણસની કુદરતી રોગ પ્રતિકારકતા વિશે પણ વાત કરીશું.

(ઉત્સવ પરમાર IIS અધિકારી છે અને તેઓ ગુજરાતમાં મિનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગના ડેપ્યુટી ડાયરેક્ટર છે. તેઓ અભ્યાસુ છે અને સાંપ્રત વિષયો પર અભ્યાસ કરીને સરળ શૈલીમાં માહિતી પીરસે છે.)

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments