Homeદે ઘુમા કે19-20 ડિસેમ્બર 2006માં કોહલી સાથે જે થયું તે ભગવાન કરે કોઈ સાથે...

19-20 ડિસેમ્બર 2006માં કોહલી સાથે જે થયું તે ભગવાન કરે કોઈ સાથે ન થાય

Team Chabuk-Sports Desk: 19 ડિસેમ્બર 2006. ફિરોઝશાહ કોટલા મેદાન પર કર્ણાટક અને દિલ્હી વચ્ચે રણજી મેચ ચાલી રહી હતી. ટીમમાં ઘણા જાણીતા ચહેરાઓ હતા. એમાનો એક હતો વિરાટ કોહલી. કોહલીની ઉંમર 18 વર્ષની હશે.

એ સમયે પણ ક્રિકેટમાં તે દર્શકોને તેની બેટિંગથી પ્રભાવિત કરતો હતો જેવો અત્યારે કરે છે. અત્યારે અનુભવના કારણે તે વધુ પરિપક્વ બન્યો છે. જો કે ત્યારે પણ કોહલીની બેટિંગ તો ધારદાર જ હતી. કોહલી પીચ પર ઊભો હોય ત્યાં સુધી વિરોધી ટીમના શ્વાસ અધ્ધર જ હોય.

એ સમયે તે ક્રિકેટમાં ઘડાઈ રહ્યો હતો. અનુભવ ઓછો હતો પરંતુ શોટ્સ સિલેક્શનમાં તે કોઈ ભૂલ ન કરે એટલે ન જ કરે. મહેનતું પણ એટલો જ. ક્રિકેટ માટે  જીવ રેડી દે.

19 ડિસેમ્બર અને 20 ડિસેમ્બર 2006ને ફરી ટાંકું છું. એટલા માટે કે આ દિવસે કોહલીના જીવનની સૌથી અઘરી પરીક્ષા લેવાઈ હતી. 20 ડિસેમ્બર 2006એ એવું બન્યું હતું જેવું બીજાના જીવનમાં ક્યારેય ન બને. 

19 ડિસેમ્બર 2006એ કોહલી ઘરના દાદરા ચઢી રહ્યો હતો. મનમાં એક જ

વિચાર. ફોલોઓનથી કેમ બચીશું? કર્ણાટકે તેમની સામે 446 રનનો ખડકલો કરી દીધો હતો. દિલ્લીની ટીમ 103 રન પર 5 વિકેટ ગુમાવી ચુકી હતી. એટલે ફોલોઓનનો ખતરો હતો પણ વિરાટ કોહલી હજુ નોટઆઉટ હતો. એટલે સીડી ચઢતા ચઢતા તે આગળની રણનીતિ ઘડી રહ્યો હતો. મન એવું મક્કમ કર્યું કે કોઈ પણ ભોગે કાલે સદી તો ફટકારવી જ પડશે.

ઘરમાં પહોંચતા જ વિરાટે પોતાના પિતાને પલંગમાં જોયા. પિતાજીને થોડાં સમય પહેલાં જ પેરેલિસીસનો અટેક આવ્યો હતો. જેના કારણે શરીરનો ડાબો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. એમા ઠંડી કે મારું કામ એટલે તેના પિતાની હાલત વધુ ખરાબ થઈ રહી હતી.

20 ડિસેમ્બરે ઠંડી ખૂબ હતી. રાત્રીના ત્રણ વાગ્યા તો પિતાની તબિયત વધુ લથડી. પિતાને ફરી હુમલો આવ્યો. તમામ કોશિશો બાદ પણ કોઈ ડોક્ટર ઘરે ન આવ્યું. પ્રાથમિક ઉપચાર પણ કર્યા છતા તબિયતમાં કોઈ સુધારો ન હતો થતો. આખરે વિરાટના પિતાએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા.

ઘરમાં શોકનો માહોલ હતો. કોહલીએ સવારે છ વાગ્યે ફોન ઉઠાવ્યો. કોચનો નંબર ડાયલ કર્યો. વાત કરી. ચર્ચાના અંતે નક્કી થયું કે મેચ રમવા જવાનું છે.

સવારે વિરાટ ઘરેથી નીકળી ગયો. રસ્તામાં વિરાટે સાથી ખેલાડી ઈશાંતને સમગ્ર વાત કહી કે ઘરમાં શું બની ગયું છે. ઈશાંત નક્કી ન કરી શક્યો કે વિરાટ જે કરી રહ્યો છે તે સાચુ છે કે ખોટું.

બંને મેદાન પર પહોંચ્યા. વિરાટે કોઈને કંઈ ન કહ્યું. તે નોર્મલ રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતું ઈશાંતથી ન રહેવાયું અને ઘટનાની જાણ અન્ય ખેલાડીઓને કરી દીધી.

ટીમના અન્ય સભ્યોએ આ વાત જ્યારે વિરાટને પૂછી તો વિરાટ પોતાને ન રોકી શક્યો અને મેદાન પર જ ચોધાર આંસુએ રડી પડ્યો. ત્યારબાદ અચાનક તેણે બેટ હાથમાં લીધું અને ક્રિઝ પર પહોંચી ગયો.

આ પછી કોઈ કંઈ ન બોલ્યું માત્ર મેદાન પર વિરાટનું બેટ જ બોલ્યું.  જ્યારે વિરાટ 90 રન પર પહોંચ્યો તો અમ્પાયરના એક ખોટા નિર્ણયના કારણે તેને મેદાન છોડવું પડ્યું. જો કે, જ્યારે તે આઉટ થયો ત્યારે ફોલોઓનનો ખતરો ટળી ગયો હતો.

મેદાનમાંથી તે સીધો જ પિતાના અંતિમસંસ્કારમાં પહોંચ્યો. વિરાટે માતાને પણ ન હતું કહ્યું કે, તે મેચ રમવા જઈ રહ્યો છે. માત્ર મોટા ભાઈને જાણ કરી દીધી હતી.  

કેટલાય વર્ષો બાદ વિરાટે 19 અને 20 ડિસેમ્બર 2006ને ફરી યાદ કરી. તેણે કહ્યું કે, “હવે આવું બને તો હું નથી કહી શકતો કે, ફરી આ કરી શકું કે નહીં, જે મારાથી તે દિવસે થઈ ગયું હતું”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments