Homeગામનાં ચોરેભારતમાં ગરીબ બાળકોની સંખ્યા એટલી છે કે આજુબાજુ નજર કરશો તો પાંચ...

ભારતમાં ગરીબ બાળકોની સંખ્યા એટલી છે કે આજુબાજુ નજર કરશો તો પાંચ દેખાશે

હું અને મિત્ર વિશાલ અમૂલ પાર્લર પર દૂધ લેવા ઊભા રહ્યા. વિશાલ હજુ દૂધ લેવા જતો હતો ત્યાં બે બાળકો આવ્યા અને કહ્યું, ‘દૂધ લઈ આપોને ભાઈ.’

વિશાલે કંઈ પણ પૂછ્યા વગર બંને બાળકોને દૂધની બે થેલી લઈ આપી અને અમારા માટે પણ એક લઈ લીધી. વિશાલ થોડો સંવેદનશીલ છે. એ આવી રીતે ગરીબ બાળકોની સેવા કરતો જ રહે છે.

જો બંને બાળકોએ પૈસા માગ્યા હોત તો તે પૈસા ન આપેત, પણ બાળકને નિરાશ તો ન જ કર્યા હોત એ મને વિશ્વાસ હતો. આવું ઘણીવાર બન્યું  છે. એ પૈસા ન આપે પણ કોઈ પણ તેની સામે હાથ ફેલાવે તો તેની આંતરડી જરૂર ઠારે. હું પણ તેની પાસેથી આ વાત શીખ્યો છું. 

અમુલ પાર્લરથી બાઈક પર રૂમે આવવા નીકળ્યા. આમ તો એ ક્યારેય આવી વાત ન કરે પણ તેના મોઢામાંથી અચાનક નીકળ્યું ‘યાર દુનિયામાં કેટલા આવા બાળકો હશે. જેની માથે છત નથી અને કેટલાય આવા બાળકો રાત્રે પાણી પીને સૂઈ જતા હશે ?’ જોગાનું જોગ એના સવાલનો જવાબ મારી પાસે હતો. 

મેં કહ્યું, ‘વિશાલ સંયુક્ત રાષ્ટ્રએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કર્યો છે કે, દુનિયામાં દર છઠ્ઠા બાળકે એક બાળક ગરીબ છે. બાળકોથી લઈ 18 વર્ષથી નીચેના દરેક બાળક અને સગીર પર આ સર્વે કરાયો છે.  રિપોર્ટ એવું કહે છે કે, દુનિયામાં 356 મીલિયન બાળકો અત્યંત ગરીબ છે. એમાથી 53.3 મીલિયન ગરીબ બાળકો ભારતમાં જ છે.’ 

‘પૂર્વ એશિયામાં સૌથી વધુ ગરીબ બાળકો ચીનમાં છે.  આ રિપોર્ટ વર્લ્ડ બેંક અને યુએન ચિલ્ડ્રન ફંડે પ્રકાશિત કર્યો છે. કુલ 149 દેશનાં આ આંકડા છે.’ 

‘એટલું જ નહીં રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, આ રિપોર્ટ કોરોના મહામારી શરૂ થઈ એ પહેલાંનો છે. એટલે કે હજુ સ્થિતિ ખરાબ થઈ શકે છે.  એક ચોંકાવનારી વાત એ પણ છે કે, 356 મીલિયનમાંથી 102.6 મીલિયન ગરીબ બાળકો એવા છે જેનો પરિવાર 10થી વધુ સભ્યોનો છે. હવે વિચાર એક પરિવારમાં 10 સભ્યો હોય અને કમાનારા ઓછા હોય તો સ્થિતિ કેવી બને ?’

‘હવે જે લોકોને ખાવાના ફાંફા છે તેમને શિક્ષણ ક્યાંથી નસીબમાં હોય?

આ જ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, વિશ્વમાં કુલ 81.5 મિલિયન બાળકો શિક્ષણથી વંચિત છે.’

વિશાલ બોલ્યો, ‘યાર ખરેખર આંકડા ચોંકાવનારા છે.’

મે કહ્યું, ‘માત્ર તું નહીં યૂનિસેફના જે પ્રોગ્રામ વિભાગના ડાયરેક્ટર છે સંજય વિજેસેકરા એમણે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે,  આ આંકડો જોયા બાદ કોઈએ પણ ચોંકી જવું જોઈએ.  છ માંથી એક બાળક અત્યંત ગરીબીમાં જીવી રહ્યો છે. છમાંથી એક બાળક જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું છે કે, મહામારીના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ આ મુશ્કેલી વધારી શકે છે. સરકારે તાત્કાલિક એવી યોજના બનાવવી જોઈએ જેનાથી આવા પરિવારોને અત્યંત ગરીબી તરફ જતાં રોકી શકાય.’

વિશાલ બોલ્યો, ‘સરકારે આ માટે વિચારવું જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, સરકાર વિચારતી, પણ હશે પરંતુ આપણે પણ આપણું કર્તવ્ય ન ભૂલવું  જોઈએ. આપણી સામે હાથ ફેલાવનારા બાળકોને ક્યારેય નિરાશ ન કરવા જોઈએ. એમણે સાચા દિલથી આપેલી દુઆ ક્યાંકને ક્યાંય તો કામ આવશે જ. આમ પણ બાળકો ભગવાનનું રૂપ છે. દુઆ ન આપે તો પણ કંઈ નહીં એ ખુશ રહેવા જોઈએ.’ મે તેની વાત સાથે સહમતિ દર્શાવી અને રૂમ તરફ આગળ વધ્યા. રૂમમાં જઈને બંને પોત-પોતાના કામે લાગી ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments