Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ બાદ જણાવ્યું છે કે, રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય સારવાર આપી રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો હેતુ છે. કોરોનાના દર્દીઓને સંક્રમણ થતાં જ સારવાર શરૂ કરી શકાય તે માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓ પૈકી આજે પ્રસ્થાન કરાયેલા ધન્વંતરી આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં ઉમેરો કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ધન્વંતરી રથમાં છે આ સુવિધા
એક ધન્વંતરી રથ પાંચ આરોગ્ય કર્મીઓ, જી.પી.એસ. સિસ્ટમ, લેપટોપ અને ઇન્ટરનેટ કનેકટીવિટી ધરાવે છે જેના પગલે આરોગ્ય રથ આરોગ્ય વિભાગને સેન્ટ્રલાઈઝ ડેટા ઉપલબ્ધ કરાવે છે.

ગુજરાતમાં સંક્રમણ વધી રહ્યું છે
આરોગ્ય રથના પ્રસ્થાન બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા સમયે રાજ્ય સરકાર આરોગ્ય સુવિધાઓને વધારવા અને સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત સરકારે છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં 15000 બેડ, 3100 ઇન્ટેન્સિવ કેર યુનિટ, 6700 ઓક્સિજન સાથેના બેડ અને 965 વેન્ટિલેટર ઉમેર્યા છે.
અનાવશ્યક ઘર બહાર ન નીકળો
મુખ્યમંત્રીએ કહ્યું કે, ચાર મહાનગરોમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે લોકો અનાવશ્યક કારણોથી ઘરની બહાર ન નીકળે અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે. સરકારે માસ્ક પહેરવાના નિયમોની કડક અમલવારી માટેના નિર્દેશ આપ્યા છે.
રેમડેસિવિરનો પુરતો જથ્થો છે
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશના વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી સાથેની ગત બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોની સાપેક્ષે રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
મૃત્યુઆંક ક્યારેય છુપાવ્યો નથી
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાકાળમાં કોવિડ દર્દી અને મૃત્યુના આંકડા ક્યારેય પણ છુપાવ્યા નથી. સરકાર યથાસ્થિતિ આંકડા સૌ સમક્ષ મૂકવામાં માને છે.
મૃત્યુઆંક મુદ્દે CMએ કરી સ્પષ્ટતા
કોરોનાને કારણે થતા મૃત્યુની ગણતરીમાં ICMRની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોમોર્બિડ દર્દીના મૃત્યુનું પ્રાઈમરી અને સેકન્ડરી કારણ ધ્યાને લઇ માર્ગદર્શિકા મુજબ મૃત્યુનું મુખ્ય કારણ નિર્ધારિત કરવામાં આવે છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણની જે વિગતો રજીસ્ટર થાય છે તે જ વિગતો જનતા અને મીડિયા સમક્ષ મુકવામાં આવે છે.
લોકડાઉનનો કોઈ વિચાર નથી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે લોકડાઉનની દિશામાં જઈ પણ નથી રહ્યા. રાજ્યના કેટલાક ગામડા-નગરોમાં લોકો અને વ્યાપારી સંગઠનો સ્થાનિક પરિસ્થિતિને આધારે સ્વયંભૂ બંધ પાળે છે તે આવકારદાયક છે.
વેક્સિનેશનમાં પ્રથમ સ્થાને ગુજરાત
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. હાલમાં જ ગુજરાતને બીજા પંદર લાખ ડોઝ મળ્યા છે અને આગામી રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે બીજા ડોઝ પણ મળશે.
ધન્વંતરી આરોગ્ય રથ
20 નવા ધન્વંતરી આરોગ્ય રથ અમદાવાદના બોપલ, બાવળા, ચાંદખેડા, ગાંધીનગર શહેર, સુરતના કડોદરા અને કિમ, વડોદરાના ફતેગંજ અને શહેર,ગોંડલ, રાજકોટ, દાહોદ, પોરબંદર, અમરેલી, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાં સેવા આપશે.
કુલ 54 ધન્વંતરી રથ
રાજ્યમાં 34 ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોના કાળમાં 2,94,525 વ્યક્તિને આરોગ્ય રથનો લાભ પ્રાપ્ત થયો છે. નવા 20 આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા 54 થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત