Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળમાં ભાજપની સરકાર લાચાર બની હોવાનું તો સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે સવારના રવીશ કુમાર દ્વારા ગુજરાત મોડલના ફિયાસ્કા અંગેની લાંબી પોસ્ટ હતી. જે પછી હવે કોંગ્રેસના જયરાજસિંહે પોસ્ટ મૂકી ભાજપ અને સી.આર.પાટીલને પ્રશ્નો પૂછ્યા છે, પ્રહારો કર્યા છે.
ગુજરાતના સુરત શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દર્દીઓ દુવિધામાં સપડાયા છે. આ માટે બચવાનો એક માત્ર ઈલાજ તેમને રેમડીસીવીરનો જથ્થો દેખાય રહ્યો છે. હવે તો જથ્થો ખૂટી પડતા લોકો મિત્રોને, ઓળખીતાઓને અને ફેસબુકમાં પણ જાહેરમાં લખી રહ્યા છે કે તાત્કાલિક આ ઈન્જેક્શન જોઈએ છે. એકબીજાની મદદ સૌ કરવા માગે છે પણ રેમડેસિવિરનો જથ્થો ક્યાં ? મેડિકલમાં લાંબી લાઈનો લાગી છે પણ મળી નથી રહ્યો.
જયરાજસિંહે આજે પોતાના ફેસબુકમાં ભાજપને ટાંકીને એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. અને આ મુદ્દાની ચર્ચા થવી જોઈએ એવી છે, કારણ કે જ્યાં મેડિકલ કે દવાખાનામાં રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો નથી મળતો એ ભાજપ કાર્યાલયે કેવી રીતે આવી ગયો ? આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે કેટલાક મુદ્દાઓ ઉપાડ્યા છે. આ મુદ્દાઓને તેમણે બે ભાગમાં વિભાજિત કરી ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે.
1) શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ?
2) શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ?
આની સાથે જયરાજસિંહે લખ્યું છે કે, ‘જો જવાબ ‘‘ના’’ હોય તો સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડેસિવિરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા મેડિકલ નિયમો મુજબ મેળવ્યો ને કયા સોર્સથી મેળવ્યો એની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ’’
આ વચ્ચે જયરાજસિંહે ભારતીય જનતા પાર્ટી અને ખાસ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પાસે આ જથ્થો ક્યાંથી આવ્યો આ અંગેનો સવાલ ઊભો કર્યો હતો. જયરાજસિંહે કહ્યું છે કે,
‘સી.આર. પાટીલનો કોવિડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડિકલ સ્ટોર્સ કે દવાખાના નહીં. આખી સિસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે.’
સુરતમાં જ સેવા થતી હોવાનું જણાવી જયરાજસિંહે લખ્યું છે કે, ‘સેવા માત્ર સુરતમાં જ કેમ ? શું પાટીલજી માત્ર સુરતના જ પ્રમુખ છે ??? પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાતના ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડેસિવિર મફત વહેચવા જોઈએ.’
તેમણે કમલમને કોવિડ સેન્ટરમાં ફેરવવાની વાત કરી કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘પાટીલજીએ સેવા જ કરવી હોય તો ડ્રેગન ફ્રૂટ ને કમલમ કર્યુ એમ કમલમ્ ને કોવિડ સેન્ટરમાં ફેરવી દેવું જોઈએ. તમામ જિલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને કોરોન્ટાઈન થવા ખુલ્લા મુકે.’
જયરાજસિંહે સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેક્શન કયા સોર્સથી લાવ્યા આ અંગેનો સવાલ પૂછતા કહ્યું હતું કે, ‘ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર છ ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને હડીયાપટી કરતા લોકોને રેમડીસીવીર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખુટી પડ્યો છે. રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેકશન કયા ‘સોર્સ’થી લાવ્યા આ અતિ ગંભીર સવાલ છે.’
‘આ શંકા થવી સ્વાભાવિક છે.’ આ મુદ્દા હેઠળ જયરાજસિંહે લખ્યું છે કે, ‘શું ડોક્ટરોએ પણ હવે તેમના દર્દીને મેડિકલ સ્ટોર્સના બદલે કમલમ મોકલવા પડશે? ત્રીસ વરસના શાસન બાદ જે રીતે માત્ર સાડા ચાર હજાર કેસમાં જ ગુજરાતનું આરોગ્યતંત્ર લાચાર અને વિવશ બન્યું છે, એના પર કામ કરવાના બદલે ભાજપ રાજકીય લાભ શોધવાના તરકટ કરી રહી છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત