Team Chabuk-Gujarat Desk: ધ્રંગધરા એટલે કે પથ્થરોની ધરા તરીકે ઓળખાતા ધ્રાંગધ્રા પંથકના ધરતીપુત્રો આજે તેમની મહેનત અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શનની સાથે આધુનિક કૃષિને અપનાવીને આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે. આજે વાત કરવી છે ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના એવા જ એક ધરતી પુત્રની કે જેણે ૧૯૯૨ના વર્ષથી સરકારની યોજનાઓના લાભ લઈ કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની સાથો-સાથ વારસામાં મળેલા કૃષિ જ્ઞાન દ્વારા તેમની કૃષિને સમૃદ્ધ બનાવી છે.
ગાજણવાવ ગામના કૃષિ ઋષિ એવા મહેન્દ્રભાઈ પટેલે તેમની પરંપરાગત ખેતી છોડીને તેની જગ્યાએ પાંચ એકરના ખેતરમાં આ વર્ષે રવિ પાક તરીકે સક્કરટેટી અને તરબૂચની સફળ ખેતી કરી છે. મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર કપાસ, એરંડા, ઘઉં અને જીરા જેવા પાકો તેમની પરંપરાગત ખેતીના ભાગ હતા, પણ વર્ષ દરમિયાન અથાગ મહેનત કર્યા બાદ પણ તેમાંથી સંતોષકારક વળતર મળતું ન હતું.
સમાચાર પત્રો અને સામાયિકોના વાંચનનો શોખ ધરાવતાં મહેન્દ્રભાઈએ તેમાં આવતી સફળ ખેડૂતોની સાફલ્ય ગાથાઓથી પ્રેરિત થઈને પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળવાનો સાહસિક વિચાર કર્યો. તેમના વિચારને કૃષિ તજજ્ઞો અને બાગાયત અધિકારીના માર્ગદર્શને નવું બળ પૂરું પાડયું, અને મહેન્દ્રભાઈએ તેમની પાંચ એકર જમીનમાં આધુનિક પદ્ધતિથી સક્કરટેટી અને તરબૂચની ખેતી કરી.
મહેન્દ્રભાઈએ આધુનિક કૃષિ પદ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, આ માટે તેમને મલ્ચિંગ, ગ્રો કવર માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી સબસીડીનો લાભ પણ મળ્યો. જેનુ ખૂબ સારું પરિણામ એમને મળ્યું. પહેલા રવિ સિઝન દરમિયાન તેમને પાંચ એકરમાં જીરાના વાવેતરમાંથી આશરે બે થી અઢી લાખની આવક થતી હતી. તેની સામે આ વર્ષે સક્કરટેટી અને તરબુચના વાવેતરમાંથી તેમને અંદાજે ૧૨ થી ૧૫ લાખ જેટલી આવક મળશે, તેમ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતુ.
સક્કરટેટી અને તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, જયારે તેના ભાવ પણ બજારમાં ઓછા મળે છે. સક્કરટેટી અને તરબૂચની ખેતી વધીને ૭૦ દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કરટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારું ઉત્પાદન મળતું હોય છે.
મહેન્દ્રભાઈએ આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળી સક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. જેના કારણે સામાન્ય ટેટીનું વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ હોય છે, જ્યારે મહેન્દ્રભાઈના ખેતરની ટેટીનું વજન દોઢ કિલો સુધીનું જોવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારી સચિન શેઠએ જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે. જે અન્વયે સક્કરટેટી અને તરબૂચની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકાર દ્વારા ગ્રો કવર માટે હેક્ટર દીઠ ૨૧,૦૦૦ અને મલ્ચિંગ માટે હેક્ટર દીઠ ૧૬,૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઈ મહેન્દ્રભાઈએ તરબૂચ અને સક્કરટેટીની સફળ ખેતી કરી છે.
અભ્યાસમાં થોડા પાછળ રહી ગયેલા મહેન્દ્રભાઈ ખેતીના વિષયમાં જરા પણ પાછળ નથી. ફક્ત સક્કરટેટી અને તરબૂચ જ નહીં, તેઓ હરહંમેશ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહ્યાં છે. આધુનિક ખેતી તરફ જવાની તેમની પહેલ ૧૯૯૨ના વર્ષથી ચાલું છે. ૧૯૯૨માં તેમણે સૌપ્રથમ જિલ્લા બાગાયત વિભાગની મદદથી ગોલા બોરનું વાવેતર કરી તેમાં ડ્રિપ પદ્ધતિ અપનાવી હતી અને ત્યારથી લઈને આજ સુધી તેઓ જામફળ, દાડમ, કેરી, લીંબુ, ખારેક જેવા અનેક નવતર બાગાયતી પાકોના વાવેતર દ્વારા અન્ય ધરતીપુત્રોને આધુનિક ખેતી અપનાવવા રાહ ચીંધી રહયાં છે.
(માહિતી અને ફોટો સ્ત્રોત- ગુજરાત સરકાર માહિતી વિભાગ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત