Homeવિશેષએલન ટ્યુરિંગ: જેણે બીજા વિશ્વયુદ્ધનો નરસંહાર અટકાવ્યો બ્રિટને તેનો જ સંહાર કરી...

એલન ટ્યુરિંગ: જેણે બીજા વિશ્વયુદ્ધનો નરસંહાર અટકાવ્યો બ્રિટને તેનો જ સંહાર કરી નાખ્યો

યશ ખખ્ખર: વાત છે ૧૯૩૯ની. બીજું વિશ્વયુદ્ધ શરું થઈ ચુક્યું હતું એક તરફ હતું હિટલરનું જર્મની અને બીજી તરફ હતાં બ્રિટન અને સહાયક રાષ્ટ્રો. યુદ્ધની શરૂઆતથી જ બ્રિટન પાછળ હતું. જર્મની દિવસે ને દિવસે વધુ ને વધુ વિસ્તારો કબ્જે કર્યે જતું હતું. અડધી દુનિયા પર રાજ કરનાર બ્રિટન પર એક નાનકડો દેશ જર્મની ભારે પડી રહ્યો હતો. યુદ્ધની શરૂઆતમાં જર્મની ઘણા મોરચે બ્રિટનથી આગળ હતું, જર્મની પાસે બ્રિટનથી વધારે આધુનિક હથિયારો અને ટેંક હતા, એટલું જ નહિ, તેઓ કૉમ્યૂનિકેશન માટે વિશ્વની સૌથી આધુનિક મશીન એનિગ્માનો ઉપયોગ કરતાં હતાં.  

એનિગ્મા મશીન ગુપ્ત સંદેશાઓની આપ લે કરવા માટેની સૌથી શ્રેષ્ઠ મશીન હતી. જર્મન્સ તેને જે સંદેશ મોકલવો હોય તે એનિગ્મા મશીનમાં ટાઈપ કરતાં, મશીન પોતાના સેટિંગ અનુસાર તે સંદેશનું એક કોડમાં રૂપાંતર કરતું અને તે કોડ જે વ્યક્તિને સંદેશો મોકલવાનો હોય તેને મોકલી અપાતો. સંદેશો મેળવાનાર પોતાના એનિગ્મા મશીનમાં જેવો તે કોડ ટાઈપ કરતો તેવો તેને અસલ સંદેશો મળી જતો. 

જર્મન સેના યુદ્ધ દરમિયાન વેધર રિપોર્ટ જેવા સામાન્ય સંદેશાઓથી લઈને યુદ્ધની વર્તમાન સ્થિતિ અને સૈન્યની આગામી રણનીતિ જેવા અતિ અગત્યના સંદેશાઓ પણ એનિગ્મા મશીનથી એકબીજાને મોકલતા હતા. 

શરૂઆતના સમયમાં બ્રિટનની યુદ્ધમાં થતી પીછેહટ જોઈને જ બ્રિટન સરકારને અંદાજો આવી ગયો હતો, કે આ યુદ્ધ જીતવું એટલું સરળ રહેવાનું નથી. જ્યારે સરકારે એનિગ્મા વિષે જાણ્યું ત્યારે તેમને થયું કે જો કોઈ રીતે એનિગ્માના સંદેશાઓ ડિકોડ કરી શકાય, તો પછી યુદ્ધ જીતવું એકદમ સરળ થઈ જશે. જર્મન્સ તેમની સેનાની દરેક રણનીતિની સૂચના તેમના સૈન્યને એનિગ્માથી જ આપતાં હતાં, એટલે એવામાં જો એનિગ્માના સંદેશાઓ ડિકોડ કરી શકાય, તો બ્રિટનને જર્મનીના દરેક પગલાંની જાણ અગાઉથી જ થઈ જશે, પછી જર્મનીને હરાવવું એકદમ સરળ થઈ જશે. 

પણ આ કામ જેટલું દેખાતું હતું તેટલું પણ સરળ ન હતું. એનિગ્મા મશીન એ રીતે તૈયાર થઈ હતી, કે તેમાં કોઈ એક સંદેશાની 1580000000000000000000 પેટર્ન્સ પોસિબલ હતી.(આ પ્રિન્ટિગ મિસ્ટેક બિલકુલ નથી… નથી.) હા, એટલે કે જર્મન એનિગ્મા મશીનમાં કુલ મળીને ૧૫૮૦ અબજ અબજ પેટર્ન્સ શક્ય હતી. એટલે તમને કોઈ એક સંદેશો એનિગ્મા દ્વારા મળે છે, તો તે ૧૫૮૦ અબજ અબજ રીતે ડિકોડ થઈ શકે અને તેમાંથી સાચો કોઈ એક જ હશે. એનાથી ય અગત્યની વાત હવે આવે છે, જર્મન્સ દરરોજ રાતે ૧૨ વાગે એનિગ્માનું સેટિંગ ફેરવી નાખતાં હતાં, એટલે તમને આજે કોઈ સંદેશો મળે છે, તે ૧૫૮૦ અબજ અબજ રીતે ડિકોડ થઈ શકે છે, કોઈ ચમત્કારથી તમે સંદેશાઓ ડિકોડ કરી પણ લો છો તો પણ તે તમને તે રાતના ૧૨ વાગ્યા સુધી જ કામ આવવાનાં હતાં. બીજા દિવસે ફરીથી નવી ગિલ્લી ને નવો દાવ. જો તમારી પાસે ૧૦૦૦ માણસો હોય જે એક પેટર્ન એક મિનિટમાં ચેક કરે અને દિવસના ૨૪ કલાક, અઠવાડિયાના સાતે સાત દિવસ કામ કરે તો વિચારો તમારે એનિગ્માની બધી પેટર્ન ચેક કરતા કેટલો દિવસો લાગશે?

વિચારી લીધું? જવાબ છે પૂરા ૨ લાખ વર્ષ થાય. (તમારી આંખો ન ચોળો તમે બિલકુલ સાચું વાંચ્યું છે, પૂરા ૨ લાખ વર્ષ) આ કામને બ્રિટનના કોડ બ્રેકરોએ ૨૪ કલાકમાં કરવાનું હતું. દરરોજ. તેમ છતાં બ્રિટન સરકારને ભરોસો હતો કે તેમની પાસે એવા કોડ બ્રેકર્સ છે જે આ કામ કરી શકે છે. એનિગ્માના કોડ ડિકોડ કરી શકે છે.

તેમની આ દિવાસ્વપ્ન સમાન ઈચ્છાને પૂરી કરવા અંતે લંડનના બેલચાલી પાર્ક નામની જગ્યામાં એક ખુફિયા હેડક્વાર્ટરની સ્થાપના કરવામાં આવી અને બ્રિટનના શ્રેષ્ઠ કોડ બ્રેકર્સને આમંત્રણ આપીને તેમને દરરોજના સંદેશો ડિકોડ કરવાનું કામ સોંપવામાં આવ્યું. આ અમુક કોડ બ્રેકર્સમાં એક નામ હતું એલન ટ્યુરિંગ. જે તેના રિસર્ચ પેપર્સને કારણે એક જાણીતું નામ હતું. એના રિસર્ચ પેપર જેમાં તેને એક એવી મશીનની સંકલ્પના કરી હતી, કે જે કોઈ પણ કક્ષાના ગાણિતિક સમીકરણો સરળતાથી ઉકેલી શકે, તેના બાહ્ય સ્વરૂપમાં કોઈ પણ જાતના પરિવર્તન કર્યા વગર. એ મશીન જેને ભવિષ્યમાં લોકો કમ્પ્યુટર નામથી ઓળખવાનાં હતાં.

તે પ્રિન્સટોન અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીમાંથી ભણેલો હતો. અલબત્ત, અતિશય બુદ્ધિશાળી એવો એલન બીજા કરતાં થોડો અતડો અને અમુક લોકોના કેહવા મુજબ થોડો ઘમંડી પણ હતો. તેને એકલું કામ કરવું ગમતું હતું અને તેની પાસે તેના પોતાના અમુક રહસ્યો હતા. એલન સાથે બીજા પણ તે સમયના અલગ અલગ ક્ષેત્રના કોડ બ્રેકિંગ જિનિયસને આ કામ સોંપાયું હતું. બધાયે સાથે મળીને એનિગ્માના કોડ બ્રેક કરવાના પ્રયત્નો કરવાના હતા. પહેલા તો સૌએ હોંશે હોંશે કામ સારું કર્યું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમને અંદાજો આવતો ગયો કે આ કામ કેટલું અઘરું અને નિરર્થક છે. રોજ સવારથી સંદેશઓના કોડને બ્રેક કરવાના પ્રયત્ન કરો અને જેવા તમે તે કોડને ડિકોડ કરવાની નજીક પહોંચો, કે ૧૨ વાગી જાય અને તમારી બધી મહેનત પાર પાણી ફરી વળે. બીજા દિવસે ફરીથી એકડે એકથી કામ શરું કરવાનું. ધીરે ધીમે બધાની ધીરજ જવાબ દઈ રહી હતી. 

એવા સમયે એલનને એક વિચાર આવ્યો કે એનિગ્મા અંતે તો એક મશીન જ છે તો પછી મશીન દ્વારા સેટ થયેલા કોડ ડિકોડ કરવા માટે આટલા બધા માણસોને કેમ કામ સોંપવામાં આવે છે? જો આ કોડ એક મશીન દ્વારા બને છે, તો પછી એને ડિકોડ પણ એક મશીન જ સારી રીતે કરી શકશે. દરરોજ એનિગ્માના સંદેશાઓ ડિકોડ કરવાનો પ્રયત્ન કરવો એનાં બદલે જો કોઈ એવું મશીન જ બનાવામાં આવે જે એનિગ્માના સંદેશાઓને ડિકોડ કરી શકે તો કેવું રે? તેઓ જે રીતે કરી રહ્યા છે એ રીતે તો કદાચ કોઈ દિવસ તુક્કાથી જો સંદેશ ડિકોડ થઈ પણ ગયો, તો પણ એ એક જ દિવસ પૂરતુ કામ આવવાનું છે. જો તે એવી મશીન બનાવી શકે કે જે એનિગ્માની દરેક પેટર્નને ડિકોડ કરી શકે તો પછી તેમનું કામ થઈ જશે. 

એલને એ દિવસથી કોડ બ્રેક કરવાનું કામ બંધ કરીને મશીન બનાવવાનું કામ ચાલું કરી દીધું, તેના આ પગલાંનો પહેલા તો તેના ઉપરી અધિકારીઓ સહીત બધાએ વિરોધ કર્યો, પણ એલન ધૂની મગજનો માણસ હતો. એ ન માન્યો. જ્યારે તેની નિમણૂક કરનારા ઓફિસર ડેનિન્સ્ટને તેને આ બધું મૂકીને ડિકોડ કરવા પર ધ્યાન આપવાનું કહ્યું અને ધમકી આપી કે જો તે આ બધું નહિ છોડે તો તેને બ્લૅચલી પાર્કમાંથી કાઢી મૂકવામાં આવશે.

એલને વિન્સેન્ટ ચર્ચીલને પત્ર લખીને ન માત્ર આ પ્રકારનું મશીન બનાવવા માટે કન્વિન્સ કરી લીધાં પણ સાથે સાથે પોતાના મશીન માટે ૧ લાખ ડોલર પાઉન્ડનું ફંડ પણ મંજૂર કરાવી લીધું. ધીમે ધીમે એલનના અન્ય સાથી કોડ બ્રેકર પણ મશીન બનવવામાં તેની મદદ કરવા લાગ્યા. તેમ છતાં આ પ્રકારનું મશીન બનાવવું અઘરું હતું. એક એવું મશીન કે જે થોડીક જ મિનિટો માં ૧૫૮ અબજ પેટર્નમાંથી સાચી પેટર્ન શોધીને મેસેજ ડિકોડ કરી દે તે અમુક લોકોને અશક્ય જ લાગતું હતું. ક્યારેક એવુંય લાગતું હતું કે આ મશીન બનશે એ પહેલા તો કદાચ યુદ્ધ પૂરું પણ થઈ જશે. જેમ જેમ સમય વીતતો જતો હતો એલન અને તેની ટીમ પર દબાણ વધતું જતું હતું.

અંતે ઘણા દિવસોની આકરી મેહનતના અંતે તેઓ મશીન બનાવવામાં સફળ થયા. પણ છતાંય તેની સફળતા વિષે શંકાઓ હતી, કે શું ખરેખર એવું કોઈ મશીન બની શકે છે જે ૧૦૦% સક્ષમ રીતે એનિગ્માના સંદેશાઓને ડિકોડ કરી શકે. તેમણે મશીન ચાલુ કર્યું અને પરીક્ષણ તરીકે એનિગ્મામાં થોડા સંદેશાઓ નાખ્યાં. જે પરિણામ આવ્યું તેને જોઈને તેમને બે ઘડી વિશ્વાસ જ ન આવ્યો. તેમનું મશીન જેને એલને બોમ્બે નામ આપ્યું હતું, તે એનિગ્માના સંદેશાઓને ૧૦૦% એક્યુરસીથી ડિકોડ કરી રહ્યું હતું અને એ પણ ઘણા ઓછા સમયમાં. એલન અને તેની ટીમની ખુશીનું કોઈ ઠેકાણું ન હતું. અંતે આટલા વર્ષોની મહેનત સફળ થઈ. હવે એનિગ્માના કોઈ પણ સંદેશને માત્ર અમુક જ મિનિટમાં ડિકોડ કરી શકતો હતો. આનો અર્થ કે હવે ન માત્ર બ્રિટન યુદ્ધ જીતવાનું હતું પણ ખૂબ જ ટૂંકા સમયમાં જીતવાનું હતું. એલન ટ્યુરિંગ અને તેની ટીમે તે દિવસે બ્રિટનને બીજા વિશ્વયુદ્ધની ભેટ ધરી હતી.

એ પછીના સમયમાં બ્રિટને જર્મનીની ઘણી યોજનાઓ નિષ્ફળ બનાવી જેમાં સૌથી પ્રમુખ હતી યુ – બોટ સબમરીનની. એલનની આ શોધ એટલી મોટી હતી કે અમુક એક્સપર્ટસ અનુસાર આ શોધને લીધે યુદ્ધનો સમયગાળો ૨-૪ વર્ષ જેટલો ઘટી ગયો હતો. જેને લીધે અંદાજે ૧.૪૦ કરોડ લોકોનો જીવ યુદ્ધમાં જતાં બચ્યો હતો. બ્રિટનના યુદ્ધમાં ખપી જનારા લાખો પાઉન્ડસ બચ્યાં હતાં અને તેમને બીજા વિશ્વયુદ્ધમાં જીત મળી હતી. 

વિચારો તમે કાંઈક એવું કરો છો જે તમારા દેશને યુદ્ધ જીતવામાં મદદ કરે છે. તમે વિશ્વની ડિકોડ કરવી સૌથી અઘરી મશીનના સંદેશાઓને ડિકોડ કરી દો છો. તમે એક એવી મશીન શોધો છે જેના પ્રોડક્શન વિષે જ્યારે તમે અન્ય લોકોને કહો છે ત્યારે લોકો તમને હસી કાઢે છે. એક એવી મશીન જેને ૧ કરોડ ૪૦ લાખ લોકોને યુદ્ધમાં ખપી જતા બચાવ્યા અને તમારા દેશના કરોડો રૂપિયા બચાવ્યા અને છતાંય લોકોને તમારી કે તમારી શોધ વિષે કંઈ ખબર જ ન હોય. તમારી શોધને લગતા દરેક દસ્તાવેજો સળગાવી દેવામાં આવે, એને લગતા દરેક રેકોર્ડ્સ પણ ભૂંસી દેવામાં આવે જાણે તમે એ કામ ક્યારેય કર્યું જ ન હતું. આવું જ એલન ટ્યુરિંગ અને તેની મશીન બોમ્બે સાથે થયું. કારણ ? કારણ કે બ્રિટન સરકાર એ જાણતી હતી કે જેવી આ વાત બહાર પડશે કે એનિગ્માના સંદેશાઓ ડિકોડ થઈ શકે એવી કોઈ મશીન શોધાય ગઈ છે એટલે તરત જ તેનો ઉપયોગ બંધ થઈ જશે અને એટલે જ મશીન શોધાઈ ગયા બાદ પણ યુદ્ધ દરમિયાન બ્રિટન ગવર્મેન્ટ તેમને મળતી દરેક માહિતી પર એક્શન નહોતી લેતી. તેમને ખબર હતી કે જો તેઓ દર વખતે જર્મનીના દરેક પગલાંને અટકાવશે તો અમુક સમય પછી જર્મનીને અંદાજો આવી જશે કે બ્રિટને એનિગ્માના સંદેશાઓ ડિકોડ કરવાની રીત શોધી લીધી છે અને તે સાથે જ તેઓ એનિગ્માનો ઉપયોગ બંધ કરી દેશે. આ સાથે જ એનિગ્માને ડિકોડ કરવાની બ્રિટનની બધી મહેનત પાણીમાં ફરી જશે. આ કારણે જ તેઓ માત્ર સૌથી અગત્યની રણનીતિક માહિતી પર જ એક્શન લેતા હતા. જેથી જર્મનીને એ ક્યારેય ખ્યાલ ન આવે કે બ્રિટનને આ બધી ખબર એનિગ્માના સંદેશાઓ ડિકોડ કરીને મળી રહી છે.

યુદ્ધ બાદ પણ આ વાત જાહેર ન કરવામાં આવી. હોઈ શકે કે ભવિષ્યમાં ફરીથી જર્મની સાથે યુદ્ધ થાય કે પછી અન્ય કોઈ દેશ સાથે યુદ્ધ થાય, જો એનિગ્મા ડિકોડ કરવાની મશીન શોધાય ગઈ છે એ વાત જાહેર થઈ જાય તો પછી કોઈ દેશનું સૈન્ય તેનો ઉપયોગ નહિ કરે, પણ જો આ વાત રહસ્ય જ રાખવામાં આવે, તો ભવિષ્યમાં જ્યારે પણ કોઈ દેશ યુદ્ધ સમયે એનિગ્માનો ઉપયોગ કરે, તો દરેક વખતે બ્રિટન તેમનાથી એક ડગલું આગળ રહેશે. આમ વિચારીને બ્રિટન સરકારે યુદ્ધ બાદ પણ બોમ્બે મશીન વિષે કોઈને જાણ ન કરી.

અને આમ આટલું મોટું પરાક્રમ કર્યું હોવા છતાં એલન યુદ્ધ પછી એક સામાન્ય નાગરિકનું જીવન જીવવા માંડ્યો. તે લંડનમાં પ્રોફેસર તરીકે નેશનલ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા લાગ્યો. આ દરમિયાન તેણે બીજા અમુક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યા.

થોડા સમય બાદ તે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાઈ ગયો. બધું ઠીક ચાલતું હતું. પણ આ સમયે એલનના જીવનમાં એક વળાંક આવ્યો. આ લેખ ના શરૂઆતમાં મેં કહ્યું હતું કે, એલન પાસે પોતાનું એક રહસ્ય હતું જે તેણે કોઈને કીધું ન હતું. એ એટલા માટે કારણ કે એ રહસ્ય એ સમયના બ્રિટનમાં ગંભીર ગુનો ગણાતું હતું. રહસ્ય એ હતું કે એલન એક હોમોસેક્સ્યુઅલ હતો, બીજા શબ્દોમાં કહીએ તો એલન ગે હતો. અને આજે LGBTQના હકોની દલીલો કરતું બ્રિટન એ સમયે આ બાબતે ખુબ જ રૂઢિચુસ્ત અને પછાત હતું. હોમોસેક્સ્યુઅલ હોવું એ એક ગુનો હતું. એલને આ કારણથી જ આ વાત બધાથી છુપાવીને રાખી હતી. 

પણ એક દિવસ આ વાત જાહેર થઈ ગઈ. પહેલા કહ્યું એમ આ એક ગુનો હતો. એલનને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. કોર્ટમાં એણે સ્વીકાર્યું કે તે હોમોસેક્સ્યુઅલ છે. તેને આ આરોપ સ્વીકારતી વખતે પણ એ જ કહ્યું કે હું હોમોસેક્સ્યુઅલ છું, એ વાત સત્ય છે પણ હું દોષી છું એ વાત હું નથી માનતો. હું હોમોસેક્સુઆલિટીને કોઈ ગુનો નથી ગણતો. દોષી ઠર્યા બાદ એલન સમક્ષ બે વિકલ્પ મૂકવામાં આવ્યા હતાં કે કાં તો તે ૨ વર્ષની જેલ સ્વીકારે અથવા પછી હોર્મોનલ થેરાપી સ્વીકારે. એવી થેરાપી જે અમાનવીય હતી, જેની ઘણી આડ અસરો હતી અને જેનો મુખ્ય આશય એના દર્દીને નપુંસક બનાવી દેવાનો હોય છે કે જેથી એને ભવિષ્યમાં સેક્સની કોઈ ઈચ્છા જ ના થાય. ખબર નહિ કેમ પણ એલને એ હોર્મોનલ થેરાપી સ્વીકારી.  

આ વાત ૧૯૫૧ની છે. જેના ઠીક ૧૦ વર્ષ પહેલા એલન બ્લૅચલી પાર્કમાં દરરોજ જર્મન સંદેશાઓ બોમ્બે મશીન દ્વારા ડિકોડ કરીને બ્રિટનને યુદ્ધ જીતવામાં મદદ કરી રહ્યો હતો અને આજે એને જ્યારે સરકારી મદદની સૌથી વધુ જરૂર હતી ત્યારે બ્રિટન સરકારે એની સાથે પલ્લું જાડી લીધું.

સામાન્ય માણસો ન હતા જાણતા કે એલને યુદ્ધમાં શું યોગદાન આપ્યું હતું, પણ બ્રિટન સરકાર જાણતી હતી. એ જાણવા છતાં કે આ માણસે તેમના માટે અને દેશ માટે શું કર્યું છે તેમણે એલનની કોઈ મદદ ન કરી. ઉલ્ટાનું, દોષી પૂરવાર થયા બાદ એલનને બ્રિટન સરકાર માટે કોઈ પણ કામ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેનું સિક્યુરિટી ક્લિયરન્સ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું.

આ બધું થયા છતાં એલને બધું સ્વીકારી લીધું અને ફરીથી યુનિવર્સિટીમાં અધ્યાપનનું કાર્ય કરવા લાગ્યો. પણ તેને દેવામાં આવતી હોર્મોનલ થેરાપીની આડઅસરો ધીમી ધીમે સામે આવી રહી હતી. જેની માણસના મન અને શરીર પર ખુબ ખરાબ અસર થતી હતી. બ્રિટનનો વોર હીરો હવે પ્રજાની નજરમાં એ કે ગુનેગાર હતો. હોમોસેક્સ્યુઅલ હોવાને કારણે તેની સાથે હવે એક અછૂત જેવું વર્તન થતું હતું. જે દેશ માટે એને આટલું બધું કર્યું એ દેશ અને તેની સરકારે અંતે તેને તેની સેવાનું આ ફળ આપ્યું હતું.

એલન લડતો રહ્યો લોકો સાથે, પોતાની જાત સાથે અને પોતાનું કામ કરતો રહ્યો. એલન પૂરા એક વર્ષ સુધી આ બધી પરિસ્થિતિ સામે લડતો રહ્યો. પણ અંતે તે હારી ગયો. દોષી પૂરવાર થયાના એક વર્ષની અંદર તે પૂરેપૂરો ભાંગી ગયો હતો. અંતે એક દિવસ તેણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી અને આ રીતે બ્રિટનના સૌથી તેજસ્વી મૅથેમૅટિશ્યનનું ૪૧ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. મૃત્યુ બાદ તેના રિસર્ચ પેપર અને તેણે કરેલું કામ વધુ ને વધુ પોપ્યુલર થતું ગયું અને લોકોને એલન અને તેની સાથે અન્યાય વિષે ખબર પડતી ગઈ.

૧૯૬૭માં બ્રિટને કાયદો પસાર કરીને હોમોસેક્સુઆલિટીને લીગલ કરી દીધી. ૧૯૮૫માં યુદ્ધ પૂરું થયાના ૫૦ વર્ષ બાદ બ્રિટન સરકારે એલન ટ્યુરિંગ અને તેની ટીમે યુદ્ધમાં કરેલી કામગીરીને જનતા સમક્ષ જાહેર કરી. ત્યારે લોકોને જાણ થઈ કે એલને બ્રિટન માટે ખરેખર શું કર્યું હતું. પણ આ બધું જોવા માટે એલન જીવિત ન હતો. એ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એક સામાન્ય અને ગુમાનામી ભર્યું જીવન જ જીવ્યો.

૨૦૦૯માં બ્રિટનના તત્કાલિનન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને બ્રિટન સરકાર વતી એલનની સાથે થયેલા અન્યાય બદલ માફી માંગી. ૨૦૧૨માં એલન ટ્યુરિંગને બ્રિટનના રાજ પરિવાર તરફથી રોયલ પારડોન આપવામાં આવ્યું. એલન ટ્યુરિંગના મૃત્યુના ૭૦ વર્ષ બાદ ૨૦૧૯માં બ્રિટન સરકારે જાહેરાત કરી કે એલનને સન્માનિત કરવા માટે હવેથી બ્રિટનની ૫૦ પાઉન્ડની નોટ પર એલન ટ્યુરિંગનો ફોટો આવશે. 

આજે એલન ટ્યુરિંગ બ્રિટનમાં અને સમગ્ર વિશ્વમાં ઘણું જાણીતું નામ છે. તેમની ગણના બ્રિટનના શ્રેષ્ઠ મૅથેમૅટિશ્યનમાં કરવામાં આવે છે. પણ જ્યારે તે જીવિત હતા ત્યારે તેમને આત્મહત્યા કરવી પડી એ હદ સુધી હેરાન કરાયા હતા અને આ બધું એટલા માટે કારણ કે એ લોકોથી થોડાક અલગ હતા.

આ પણ એક કરુણાંતિકા છે જ્યારે તે જીવિત હતા ત્યારે જે સમ્માનના હકદાર હતા તે તેમને ક્યારેય ન મળ્યું, અને હવે જ્યારે આજે તેમને આટલું માન સમ્માન મળે છે ત્યારે તે જોવા માટે તે આ દુનિયામાં નથી. કદાચ બ્રિટન સરકારે તે સમયે હસ્તક્ષેપ કર્યું હોત અને એલનને બચાવ્યા હોત તો કોને ખબર એ બ્રિટન અને માનવજાત માટે બીજી કેટલીય શોધ કરેત. પણ એ કદાચ એલન અને માનવજાત બંનેના નસીબમાં ન હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments