Homeગુર્જર નગરી1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના રસીકરણ અભિયાન માટે સરકારે કરી...

1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના રસીકરણ અભિયાન માટે સરકારે કરી છે આ તૈયારી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આગામી 1લી મેથી વેક્સિનેશન અભિયાનને વધુ વેગ મળવાનો છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વેક્સિન આપવાનું સરકારે નક્કી કર્યા બાદ સરકારે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે દોઢ કરોડ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી લીધી છે. આજ રોજ મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યનાં નાગરિકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1લી મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થવાનું છે તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ  છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે એક દિવસમાં જ કુલ 1 લાખ 24 હજાર 539 લોકોનું રસીકરણ થયું છે.

મુખ્યમંત્રીએ હવે રસીકરણનું આ અભિયાન છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

આવા 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે અને તેના આધાર ઉપર તેમને રસીકરણ અંગેની જાણ થયેથી રસીકરણ કરાવવાનું રહેશે.

તેમણે કહ્યું કે, કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે તે જ રીતે હવે આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments