Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીએ પણ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોરમાઈરસિસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી.
રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઈરસિસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયો અનુસાર મ્યુકોરમાઈરસિસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે. રાજ્ય સરકારે બધી સિવિલ હોસ્પિટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઈરસિસની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઈરસિસના આવા ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈરસિસના સંક્રમિતોની સારવાર માટે ૬૦-૬૦ બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને ૧૯ જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી હતી. જવલ્લે જ જોવા મળતો મ્યુકોરમાઈરસિસ ફૂગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોરમાઈરસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોરમાઈરસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોરમાઈરસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઈ રહ્યા હોય, કુપોષિત, અવિકસિત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોરમાઈરસિસ રોગ થવાની સંભાવના વધુ છે.
મ્યુકોરમાઈરસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.
આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે
- એક બાજુનો ચહેરો સોજી જવો
- માથાનો દુઃખાવો
- નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
- મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
- આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી
- તાવ, કફ, છાતીમાં દુઃખાવો
- શ્વાસ રૂંધાવો, પેટનો દુઃખાવો
- ઉબકા આવવા કે ઉલટી થવી
- આંતરડામાં રક્તસ્ત્રાવ થવો, જેવા લક્ષણો જોવા મળે છે.
મ્યુકોરમાઈરસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે.
મ્યુકોરમાઈરસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકોરમાઈરસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે.
મુખ્યમંત્રીએ આ મ્યુકોરમાઈરસિસ રોગની અસર તેમજ સારવાર માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગને સૂચવ્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ.કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત