Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે હાહાકાર મચેલો છે. દરરોજ હજારોની સંખ્યમાં સંક્રમિતો સામે આવી રહ્યા છે. ત્યારે જનતા અને વિપક્ષ તરફથી ખોટા આંકડાઓ દર્શાવાતા હોવાના આરોપ ઘણા સમયથી લાગતાં આવ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાણી સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં હાલ સર્જાયેલી પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર પર પ્રહારો કરીને રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2 લાખથી વધુ લોકોના મોત થયા હોવાનો આરોપ કર્યો છે.
સરકારે મોતના આંકડા છુપાવ્યા
અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કોરોના મહામારીને 13 મહિના જેટલો સમય થઈ ચુક્યો છે ત્યારે હાલ રાજ્યમાં ભય, અંધાધૂધી અને અરાજકતાનો માહોલ છે. આજે લોકો બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઇન્જેક્શન માટે ભટકી રહ્યા છે અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ માટે કોરોના મહામારીની સાથે સાથે રાજ્ય સરકારને અણઘડ વહીવટ અને સંકલનનો અભાવ જવાબદાર છે. હાલની પરિસ્થિતિ સરકાર દ્વારા નિર્મિત છે. 13 મહિનામાં કોરોના મહામારીના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાનું અમિત ચાવડાએ કહીને તમામને ડિઝાસ્ટર મેનેમેન્ટ એક્ટ હેઠળ ચાર-ચાર લાખની સહાય કરવાની પણ સરકાર સમક્ષ માગણી કરી છે.
કોંગ્રેસ મેળવશે મૃતકોની માહિતી
અમિત ચાવડાએ આગળ કહ્યું કે, આંકડાની રમતમાં સરકાર ખૂબ પારંગત છે. મૃત્યુના આંકડા છુપાવ્યા હોવાના અનેક દાખલા છે. નામદાર હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડા છુપાવે છે. આ સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તમામ મૃતકોના પરિવારને આ સહાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આંકડા એકઠાં કરવામાં આવશે, આ માહિતી એકઠી કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. આ માહિતી મેળવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
આંકડા છુપાવવાના ખેલનો પર્દાફાશ
અમિત ચાવડાએ આંકડાઓને લઈને કહ્યું કે, સરકાર દ્વારા વારંવાર આંકડા છુપાવવામાં આવી રહ્યા છે, પછી તે મૃતકોના આંકડા હોય કે ટેસ્ટિંગના આંકડા હોય. પરંતુ જમીની હકીકત તદ્દન વિપરિત છે. આ અંગે કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લાના બે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાએ જમીની હકીકત તપાસીને આંકડા કઈ રીતે છુપાવવામાં આવે છે તેની સમગ્ર રમતનો પર્દાફાશ કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં આંકડા છુપાવવાની રાજ રમત અંગે ખુલાસો કરતાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાની વાત રજૂ કરી હતી. નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત માર્ચથી જ્યારે કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી લઈને મે-2021 સુધી સરકારની અધિકૃત વેબસાઈટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 125 લોકોના જ મોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. તેથી અમે સમગ્ર મામલે ગત વર્ષ અને આ વર્ષની સરખામણી કરીને તપાસ કરી તો આ આંકડા ડરાવનારા અને ચોંકાવનારા સામે આવ્યા છે. જો સુરેન્દ્રનગર જેવા જિલ્લાની આ પરિસ્થિતિ હોય તો મોટા જિલ્લાની શું પરિસ્થિતિ હોય તે જોવાનું રહ્યું.
નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લાના આંકડા સામે રાખતા કહ્યું હતું કે, ગત માર્ચ-2020માં સુરેન્દ્રનગર આખા જિલ્લામાં 814 લોકોના મોત થયા અને માર્ચ-2021માં આ આંકડાઓ 957 થયા. એપ્રિલ-2020ની અંદર 784 લોકોના જિલ્લામાં મૃત્યુ થયા હતા. જ્યારે આ એપ્રિલ-2021માં આંકડો વધીને 3140 થઈ ગયો છે. ગત મે-2020માં 756 લોકોના મોત થયા હતા અને આ વર્ષે મે મહિનાના માત્ર સાત દિવસની અંદર 1400 લોકોના મોત થઈ ગયા છે. બન્ને વર્ષના આંકડાનો તફાવત કાઢીએ તો 3200 જેટલો તફાવત સામે આવ્યો છે.
નૌશાદ સોલંકીએ તાલુકા પ્રમાણે આંકડાની વાત કરતાં જણાવ્યું હતું કે, વઢવાણ તાલુકાનો દર મહિનાનો મૃત્યુદર સરેરાશ 268 મોતનો છે. જેની સામે 1900 લોકોના મોત થયા છે. ધ્રાંગધ્રામાં સરેરાશ 115ના મોત થાય છે જેની સામે 811ના મોત થયા છે. દસાડા તાલુકામાં મોતની સરેરાશ 102ની છે જેની સામે 591 લોકોના મોત થયા છે. આમ જો સુરેન્દ્રનગર જિલ્લાના સરેરાશ મોત જોઈએ તો 3580 લોકોના મોત માત્ર 65 દિવસમાં થયા છે. નૌશાદ સોલંકીએ કહ્યું હતું કે આ સરકારમાં નોંધાયેલા આંકડા છે આને કોઈ ખોટા સાબિત કરી શકે નહીં. હાલ જે સરકાર આંકડા દેખાડી રહી છે તેના કરતાં 25 ગણા વધારે મોત રાજ્યમાં થયા છે.
નૌશાદ સોલંકીએ કહ્યું હતું કે, જો હાલના સરકારના અધિકૃત મોતના આંકડા 8 હજારની આસપાસ છે ત્યારે તેને જો 25 ગણા કરવામાં આવે તો મોતનો આંકડો 2 લાખ સુધી પહોંચી જાય છે. સરકારે આ આંકડા છુપાવીને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત