Team Chabuk-Gujarat Desk: જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ સામે યૌન શોષણની ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે. જામનગરની સરકારી જીજી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી અટેન્ડેન્ટે હોસ્પિટલના સુપરવાઈઝરો સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અટેન્ડેન્ટનો આરોપ છે કે જે યુવતીઓ સુપરવાઈઝરોના તાબે ન થાય તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીઓએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. મહિલા અટેન્ડેન્ટનો આરોપ છે કે, સુપરવાઈઝરો અમને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે અને જો શારીરિક સંબંધ બાંધવાની જે અટેન્ડેન્ટ ના પાડે તેઓને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે. અટેન્ડેન્ટે આરોપ લગાવ્યો છે કે સુપરવાઈઝરો ચેકિંગ કરવાના બહાને તેઓની છેડતી કરે છે. અટેન્ડેન્ટ યુવતીઓના મોબાઈલ પણ ચેક કરવામાં આવતા હોવાનો આરોપ લગાવાયો છે.
જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં જાતિય સતામણી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાર્યવાહીની ખાતરી આપી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુદ્દે કહ્યું હતું કે, SDM, અને મેડિકલ ડીન તપાસ કરી રહ્યાં છે. તપાસના આધારે કાર્યવાહી કરાશે.
જામનગર કલેક્ટર રવિશંકરે કહ્યું છે કે, અમે કમિટી બનાવી તપાસ કરી રહ્યાં છીએ. જી.જી. હોસ્પિટલમાં અનેક એજન્સીઓ કામ કરી રહી છે. કમિટીને સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. તપાસ કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે . બહેનો વચ્ચેની વાતચીત અને ફોટો ગુપ્ત રખાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ માટે આદેશ કરવામાં આવ્યા છે. કોમ્યુનિકેશન અંગેના પુરાવા પણ એકત્ર કરાશે. જરૂર પડશે તો સ્ટાફના નિવેદન પણ લેવાશે.
યુવતીઓ દ્વારા આરોપ લગાવાયો હતો કે, સુપરવાઈઝરો યુવતીઓ પર કેમેરા ઝુમ કરીને મોબાઈલ રેકોર્ડિંગ કરી લે છે અને આ રેકોર્ડિંગ યુવતીઓને મોકલીને સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. સુપરવાઈઝરોના આવા દબાણના કારણે કેટલીક યુવતીઓ મજબૂરીમાં સુપરવાઈઝરોના તાબે પણ થઈ ગઈ છે. જે યુવતીઓ તાબે ન થઈ તેઓને પગાર આપ્યા વિના જ નોકરીમાંથી છૂટા કરી દેવાયા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
સમગ્ર મામલે યુવતીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ અંગે રજૂઆત કરી છે. રજૂઆત કરવા પહોંચેલી યુવતીએ જણાવ્યું હતું કે, જે છોકરીઓ રિસ્પોન્સ નથી આપતી તેઓને કાઢી મૂકવામાં આવે છે, એ લોકો કહે છે કે અમારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહો, જો છોકરીઓ ના પાડે તો કહે છે કે, તો જતા રહો તમારું કંઈ કામ નથી.
એવો પણ આરોપ કરાયો છે કે જે યુવતીઓ સુપરવાઈઝરોના તાબે થઈ જતી હતી તેઓને વિવિધ પ્રકારની છૂટછાટ અપાતી હતી અને જે યુવતીઓ તાબે ન થાય તેઓને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપવા સહિત અન્ય કનડગત કરવામાં આવતી હતી.
આ અંગે જામનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર ધર્મેશ વસાવડાએ કહ્યું હતું કે, અટેન્ડેન્ટ તરફથી તેઓને કોઈ આવી લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી. હોસ્પિટલમાં ફરજ પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હોય છે તેઓને પણ આવી ફરિયાદ મળી નથી.
જામનગરની આ ઘટનાના પડઘા પડતા રાજ્યના મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય મહિલા આયોગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી રિપોર્ટ માગ્યો છે. હાલ મહિલા અટેન્ડેન્ટ દ્વારા આ પ્રકારની ફરિયાદ કલેક્ટરને કરાતાં મામલો ગરમાયો છે. જીજી હોસ્પિટલ તંત્ર સામે અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત