Homeગુર્જર નગરીજૂનાગઢથી ચેતનભાઈ નીકળ્યા ત્યારે વીસ લાખ રૂપિયા હતા, સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પહોંચ્યા...

જૂનાગઢથી ચેતનભાઈ નીકળ્યા ત્યારે વીસ લાખ રૂપિયા હતા, સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પહોંચ્યા ને થેલો ખાલી થઈ ગયો

Team Chabuk-Gujarat Desk: લોભ એ વિનાશ બાજુ લઈ જાય છે. જેનું તાજુ ઉદાહરણ એટલે જૂનાગઢનો યુવક. કાળા નાણાને ધોળા કરવાના સોનેરી સપના બતાવી જૂનાગઢના યુવાનને બે શખ્સોએ વઢવાણ બોલાવ્યો હતો. યુવક વઢવાણમાં આવ્યો પણ તેને ખબર નહોતી કે ષડયંત્રકારીઓ કબૂતરને પકડવા જાળ પાથરીને બેઠા છે. આ બેઉંએ અગાઉથી ઘડેલા આયોજન પ્રમાણે યુવક પાસેથી 20.55 લાખની રકમ આંચકી લીધી હતી અને નો દો ગ્યારાહ થઈ ગયા હતા.

જૂનાગઢના કોટડા ગામમાં રહેતા ચેતનભાઈની પાસે કાળા પૈસા હતા. આ કાળા નાણાને એમને ધોળા કરવા હતા. કાળાનાં ધોળા કરવાની આશા આપી સાવ ધોળું કરી નાખવામાં ઉત્સાદ એવા કેટલાક શખ્સોએ એક જુલાઈના રોજ ચેતનભાઈને વઢવાણ બોલાવ્યા હતા. ચેતનભાઈ પણ નરેન્દ્ર અને કરણ નામેરી શખ્સોની વાતમાં સોઈમાં દોરો પરોવાય એમ પરોવાઈ ગયા હતા.

આ બંને શખ્સોએ અગાઉથી આયોજન ઘડી કાઢ્યું હતું. 5 ટકા કમિશન લઈ જીએસટી બીલ આપવાની પણ વાત ઉચ્ચારવામાં આવી હતી. આખરે નિયત કરેલા સમયે ચેતનભાઈ પોતાના બે નંબરના 20 લાખ રૂપિયા લઈ સાત તારીખના રોજ વઢવાણ ખાતેના લાખુપોળ પાસે પહોંચી ગયા હતા. એ પછી બંને લૂંટારુંઓ ચેતનભાઈના પૈસા લઈ હવામાં ઓગળી ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જ્યારે વઢવાણ પોલીસને જાણ થઈ તો તેઓ તાત્કાલિક કાફલા સાથે પહોંચ્યા હતા. આ ગુનામાં સાક્ષી હોય તેવા લોકોની ધરપકડ કરી હતી જોકે મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની બાકી છે. એ બંને ફરાર થઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીઓને જેલના સળિયાની પાછળ ધકેલવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. પણ સંગ્રહખોરી અને લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કહેવત ફરી એક વખત ગુનાખોરીની દુનિયામાં સાર્થક સાબિત થતી જોવા મળી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments