Homeગુર્જર નગરીબાવળા: ‘એ મને બચાવો…’ ડમ્પર નીચે આવી ગયેલ 15 વર્ષીય કિશોર કણસતો...

બાવળા: ‘એ મને બચાવો…’ ડમ્પર નીચે આવી ગયેલ 15 વર્ષીય કિશોર કણસતો રહ્યો પણ આખરે…

Team Chabuk-Gujarat Desk: અકસ્માતની હવે સામે આવતી ઘટનાઓ કઠણ હ્રદયનું કાળજું ધરાવતા માણસના શરીરને પણ કંપાવી નાખતી હોય છે. અકસ્માતના લાઈવ દૃશ્યોની ભયાનકતા જોઈ ચીસ ગળાની અંદર જ ધરબાઈ જાય છે. કંઈક આવી જ દુર્ઘટના અમદાવાદના વાહનોથી ધમધમતા બાવળા સાણંદ હાઈવેની ઉપર સર્જાઈ હતી. આ ઘટનાને નજરે જોનારાઓની આંખ સામેથી તો કિશોરની એ ભયાવહ ચીસો, તેનું આક્રંદ અને કલ્પાંત ખસવાનું નામ જ નથી લેતું.

વાહનોના શંભુમેળા સમાન રહેતા બાવળા હાઈવેના પુલ પરથી એક ટુ વ્હિલ બાઈક પસાર થતી હતી ત્યારે પાછળથી માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે આઠ મિનિટના નજીવા સમયગાળામાં પૂરપાટ ઝડપે આવી ગયેલી 108 એમ્બ્યુલન્સ અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલનાં તબીબોની સારવાર પણ કિશોરના જીવને બચાવી નહોતી શકી અને તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.

બાવળામાં રામદેવપીરના મંદિર બાજુ ડરણ રોડ પર રહેતા ગણેશભાઈ બપોરના ત્રણ વાગ્યે બજારમાં કોઈ કામ હોવાથી હાર્દિકભાઈનું વાહન લઈ નીકળ્યા હતા, એ અરસામાં તેમના કૌટુંબિક કાકા શૈલેષભાઈનો પંદર વર્ષીય દીકરો અમિત પણ બાઈક પાછળ બેઠો હતો. ટુ વ્હિલ જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળથી નંબર પ્લેટ વગરના ડમ્પરે તેને અડફેટે લીધું હતું.

15 વર્ષીય કિશોર અમિત હાઈવે પર પડી ગયો હતો અને તેના બંને પગ ડમ્પરના ટાયરની નીચે આવી ગયા હતા. અકસ્માત થયાનું જાણી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમયે ત્યાં હાજર લોકો અને પોલીસે મહામહેનતે ડમ્પરને ધક્કો મારી ખસેડ્યું હતું. અને બાદમાં સારવાર માટે તાત્કાલિક 108 બોલાવી હતી. અમિતને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં અમિતનું મોત થઈ ચૂક્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments