Team Chabuk-Gujarat Desk: ખેડૂતો આવ રે વરસાદ… આવ રે વરસાદ કરી રહ્યા હતા. જેથી રોપેલો પાક એળે ન જાય, પણ ઉપલેટાના ડુમિયાણીમાં હવે ખમ્મૈયા કરો મહારાજ જેવા વિનંતી કરતા જગતના તાત કહી રહ્યા હોય તો નવાઈ નથી. અહીં બે કલાકમાં નવ ઈંચ પડેલા સાંબેલાધાર વરસાદે સમગ્ર વિસ્તારને ટાપુમાં ફેરવી દીધો છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ છે. મેઘરાજાએ જેટલું દક્ષિણ ગુજરાતને નહોતું ધમરોળ્યું તેનાથી વધારે સૌરાષ્ટ્રના ઉપલેટાના ડુમિયાણી સામે લાલ આંખ કરી છે.
ભારે વરસાદના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત વરસાદમાં બરબાદ થઈ ગઈ છે. અહીં આવેલી આશરે 1400થી 1500 વીઘા જમીનમાં પૂરનું પાણી ફરી વળતા 400થી 500 વીઘાના પાકનો સોથ બોલી ગયો છે. આ ગામમાં મગફળી, એરંડા અને કપાસનો મુખ્ય પાક લેવામાં આવ્યો હતો. અહીં સ્થાનિકો એક જ વાત જણાવી રહ્યા છે કે, નદી જો ઉંડી હોત તો આવી સ્થિતિ ન સર્જાત. નદી ઉંડી ન હોવાના કારણે ખેડૂતો માટે લીલા દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. અતિવૃષ્ટીના કારણે ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે. ખેડૂતો જે પણ ખેતરમાં જાય ત્યાં પાણી સિવાય કંઈ દેખાતું નથી. જેથી આ વર્ષની તેમની આખી મહેનત પાણીમાં બેસી ગઈ છે.
ગઈકાલનું પુનરાવર્તન
ગઈકાલે રાજકોટ જિલ્લાના મોરબી રોડ ઉપર આવેલા કાગદડી ગામમાં પણ માત્ર બે કલાકમાં 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે આખું ગામ ટાપુમાં તબ્દિલ થઈ ગયું હતું. અહીંના ગ્રામજનોના જણાવ્યા અનુસાર 100થી 150 જેટલા પશુઓ તણાયા હતા. જેમાંથી 25 જેટલા મૃતદેહો મળી આવ્યા છે જ્યારે અન્યની કોઈ ભાળ નથી. કાગદડી ગામના લોકોના ખેતરમાં પાણી ઘરી ગયું છે, તો ઘરનો સામાન પણ પાણીથી લથબથ થઈ ગયો હતો. ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી હતી.
ઉલ્લેખની છે કે રાજકોટના કાગદડીની જે સ્થિતિ ગઈકાલે હતી તેવી ઉપલેટાના ડુમિયાણીની આજે છે. એકમાં ક્રમશ 2 કલાકમાં નવ તો બીજામાં 2 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. જેથી મોટાપાયે નુકસાની થઈ છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં શ્રીકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ક્યાંક ઝરમર, ક્યાંક શ્રીકાર તો ક્યાંક સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જ્યાં નથી ત્યાં નથી જ અને જ્યાં છે ત્યાં અનરાધાર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત