અગાઉના આર્ટિકલમાં આપણે લારાની અદભુત પણ સ્વાર્થી ઈનિંગ વિશે વાત કરી. હવે અન્ય ખેલાડીઓની ચર્ચા કરીએ જેમણે ટેસ્ટ મેચમાં એક ઓવરમાં 26 કે તેથી વધુ રન ફટકાર્યા છે. વન ડે અન ટી-20 ક્રિકેટમાં તો બધા ખેલાડી આક્રમક જોવા મળે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભાગ્યે જ આવું બનતું હોય કે એક ઓવરમાં કોઈ બેટ્સમેન 20 કે તેથી વધુ રન ફટકારતો જોવા મળે. પરંતુ કેટલાક બેટ્સમેનને ફર્ક નથી પડતો કે વન ડે મેચ છે, ટી-20 છે કે પછી ટેસ્ટ. તે તેની નેચરલ બેટિંગ કરે છે અને નેચરલ બેટિંગના કારણે જ ઈતિહાસ રચાય જાય છે. આજે આવા જ કેટલાક ખેલાડીઓની વાત જેમણે ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોને ટી-20નો આનંદ અપાવ્યો. રન ફટકારતા ફટકારતા.
જ્યોર્જ બૈલી : ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બૈલીએ પર્થના મેદાનમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ સિદ્ધી મેળવી છે. 2013-14માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચ હતી. મેદાન પર જ્યોર્જ બૈલી હતો, જે ટી-20માં લાંબી લાંબી હીટ મારવા માટે જાણીતો થઈ ગયો હતો. આ ટેસ્ટ મેચમાં પણ બૈલીએ ટી-20ની યાદ અપાવી દીધી. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનની બોલિંગ પર તેણે 28 રન ફટકારી દીધા. ઓવરનાં પહેલા બોલે 4, બીજા બોલે 6 રન. ત્યારબાદ અનુક્રમે 2,4,6 અને છેલ્લા બોલ પર પણ 6 ફટકારી લારાના સ્કોરની બરાબરી કરી લીધી.
શાહિદ આફ્રિદી : પાકિસ્તાન
આફ્રિદીએ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં 27 રન ફટકાર્યા છે. વાત 2005-6ની છે. ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી. બોલ હરભજનસિંહના હાથમાં હતો અને સામે આફ્રિદી હતો. આફ્રિદી આક્રમક મૂડમાં હતો. તેણે હરભજનના પ્રથમ 4 બોલ પર ચાર છગ્ગા ફટકારી દીધા. જો કે, ત્યારબાદ હરભજને કમબેક કર્યું અને છેલ્લા બે બોલ પર અનુક્રમે 2 અને 1 રન આપી આફ્રિદીને ટેસ્ટ મેચમાં 6 છગ્ગાનો રેકોર્ડ બનાવતા રોકી લીધો. ઓવરના અંતે હરભજનસિંહે 27 રન આપી દીધા હતા.
ક્રેગ મેક્સિલન : ન્યૂઝિલેન્ડ
આ રાઈડ હેન્ડ બેસ્ટમેન પણ ખતરનાક હતો. વર્ષ 2000-01માં ક્રેગે પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં એક ઓવરમાં 26 રન ફટકારી દીધા હતા. હેમિલ્ટનનું મેદાન હતું. પાકિસ્તાનનો યૂનિસ શૌકિયા બોલિંગ કરી રહ્યો હતો. ક્રેગે પહેલાં 4 બોલ પર ચાર ચોગ્ગા ફટકારી દીધા. 4 બોલ પર 16 રન આવી ચુક્યા હતા. પાંચમાં બોલ પર ક્રેગે લાંબી હિટ લગાવી છગ્ગો ફટકાર્યો. સ્કોર હતો પાંચ બોલમાં 22 રન. જેને છેલ્લા બોલે ક્રેગે ચોગ્ગો ફટકારી 26 રનમાં બદલી નખ્યો.
મિચેલ જ્હોન્સન : ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ જ્હોન્સને પણ એકવાર ટેસ્ટ મેચમાં એક જ ઓવરમાં 26 રન ફટકારી દીધા હતા. જ્હોનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયાની મેચ સાઉથ આફ્રિકા સામે હતી. 2009ની આ વાત છે જ્યારે મિચેલ જ્હોન્સને 96 રન ફટકાર્યા હતા. મેચ દરમિયાન જ્હોન્સનને આઉટ કરવા માટે બોલ હેરિસનને અપાયો પરંતુ દાવ ઉલટો પડી ગયો અને વિકેટ લેવા આવેલો હેરિસ 26 રન આપીને ગયો. પહેલાં ત્રણ બોલ પર જ્હોન્સને અનુક્રમે 4,4,6 એટલે 14 રન લઈ લીધા. ચોથો બોલ ડોટ. ફરી પાંચમાં બોલે જ્હોન્સને ચોગ્ગો અને છઠ્ઠા બોલે છગ્ગો ફટકારી તમામ ખેલાડીઓને સરપ્રાઈઝ આપી. આ મેચમાં મેન ઓફ ધી મેચ પણ જ્હોન્સન જ રહ્યો હતો. વાત ક્રિકેટની હોય અને રેકોર્ડ લીસ્ટમાં ભારતના ખેલાડીનું નામ ન હોય તેવું કેમ બને ?
હાર્દિક પંડ્યા : ભારત
આ લીસ્ટમાં ભારતીય બેટ્સમેન હાર્દિક પંડ્યાનું પણ નામ સામેલ છે. ગુડ હિટર મનાતા હાર્દિકે શ્રીલંકા સામે એક ઓવરમાં 26 રન ફટકાર્યા છે. વર્ષ 2007. શ્રીલંકાનું પેલેકલ ગ્રાઉન્ડ હતું. ગ્રાઉન્ડ પર હાર્દિક ફૂલ ફોર્મમાં રમી રહ્યો હતો. શ્રીલંકા તરફથી પુષ્પકુમારાને ઓવર અપાઈ. હાર્દિકે પુષ્પકુમારાની ઓવરના છેલ્લા બોલ સિવાય તમામ દડાને બાઉન્ડ્રીનો રસ્તો બતાવ્યો. ઓવરમાં હાર્દિકે ક્રમશઃ 4,4,6,6,6 ફટકાર્યા. છેલ્લા બોલ પર 0 રન આવ્યો. આમ ઓવરના અંતે હાર્દિકે પુષ્પકુમરાની ઓવરમાં 26 રન ફટકારી દીધા હતા.