કેટલાક લોકો પર સ્વાર્થી હોવાનો આરોપ લાગે છે. ક્રિકેટ જગતમાં આ આરોપ બ્રાયન લારા પર લાગ્યો છે. એવું કહેવામાં આવે છે કે, લારા પોતાનો રેકોર્ડ બનાવવાના ચક્કરમાં મેચના પરિણામની પણ ચિંતા કર્યા વગર ક્રિઝ પર ચોંટી રહેતો.
લારા પર આ આરોપ ટેસ્ટ મેચમાં અણનમ 400 રનની ઈનિેંગ રમવા માટે પણ લાગ્યો છે. પરંતુ આપને ખબર છે લારાએ 501 રનની અણનમ ઈનિંગ પણ રમી છે. 6 જૂન 1994ના રોજ લારાએ આ સિદ્ધી હાંસલ કરી હતી. તેણે 427 બોલમાં 501 રન ફટકારી દીધા હતા. જેમાં 62 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા.
કાઉંટી ક્રિકેટનો મુકાબલો હતો. લારા વારવિશાકર માટે રમી રહ્યો હતો. સામે ડરહમની ટીમ હતી. ઈંગ્લેન્ડનું એજબેસ્ટન ગ્રાઉન્ડ હતું. લારા 7 કલાકથી વધુ સમય સુધી મેદાન પર રહ્યો અને વિરોધી ટીમના દરેક બોલરની ખુબ ધોલાઈ કરી. મેચના અંતે સ્કોરબોર્ડ પર લારાનો સ્કોર હતો 501 રન.
આ ઈનિંગમાં રસપ્રદ વાત એે છે કે, લારા છેલ્લા દિવસે અને છેલ્લા બોલે 500 રન સુધી પહોંચ્યો હતો. છેલ્લા બોલે 500 રનમાં લારાના 3 રન બાકી હતા. છેલ્લા બોલે તેણે ચોગ્ગો ફટકાર્યો અને ઈતિહાસમાં આ દિવસ અને લારાનું નામ અમર થઈ ગયું.
લારા પહેલાં સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકોર્ડ પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ હનીફના નામે હતો. હનીફે વર્ષ 1959માં કરાંચી તરફથી 499 રન ફટકાર્યા હતા. આ સ્કોર લારાના 501 રન પહેલાં વિશ્વ ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં લારાની અનોખી સિદ્ધી
લારાની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400 રનની સિદ્ધી લોકોને યાદ જ હશે. આમ તો લારા ધીમી ગતિથી સ્કોરબોર્ડને આગળ લઈ જવા માટે જાણીતો છે, પરંતુ એક મેચમાં લારાએ એક જ ઓવરમાં 28 રન ફટકારી લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. આશ્ચર્ય એટલા માટે કે એ ટેસ્ટ મેચ હતી.
સાઉથ આફ્રિકાના યજમાન પદે સિરીઝ હતી. વેસ્ટઈન્ડિઝ જીતના લક્ષ્ય સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતી. મેચ શરૂ થઈ. આફ્રિકન ટીમે સ્કોરબોર્ડ પર 561 રનનો ઢગલો કરી દીધો. જવાબમાં વેસ્ટઈન્ડિઝ ટીમ તરફથી લારાએ મોરચો સંભાળ્યો. જ્યારે લારા 154ના સ્કોર પર રમી રહ્યો હતો ત્યારે અચાનક મેદાન પર નીરસ રીતે ચાલી રહેલી રમતમાં જાણે જીવ આવ્યો.
રોબિન પીટરસનની ઓવર હતી. સામે લારા. પહેલાં બોલ પર ચોગ્ગો, બીજા બોલ પર છગ્ગો. ઓવરમાં 10 રન. ઈનિંગનો આ પહેલો જ છગ્ગો હતો પરંતુ લારા હજુ ક્યા રોકાવાનો હતો. ત્રીજા બોલ પર લારાએ ફરી હાથ ખોલ્યા અને દડો બાઉન્ડ્રી બહાર. ફરી એક સિક્સ. એના પછીના ત્રણ બોલ પર હેટ્રીક ચોગ્ગા. આમ ઓવરમાં 6,4,6,4,4,4 એક ઓવરમાં 28 રન. લારાની આ તાબડતોબ બેટિંગથી રોબિન પિટરસન સહિત સાઉથ આફ્રિકાનો દરેક ખેલાડી તેમજ દર્શકો દંગ રહી ગયા. વેસ્ટઈન્ડિઝ આ મેચ 184 રનથી હારી ગઈ હતી પરંતુ લારાએ લોકોના દીલ જીતી લીધા હતા.
લારાએ આ મેચમાં 202 રન ફટકાર્યા હતા. આમ, લારા સાઉથ આફ્રિકા સામે સદી અને બેવડી સદી ફટકારનારો પ્રથમ વેસ્ટઈન્ડિઝ બેટ્સમેન પણ બની ગયો હતો. 2007માં પણ લારાએ આવી જ ઈનિંગ રમી હતી, પરંતુ ત્યારે ટીમ પાકિસ્તાનની હતી અને બોલર હતો દાનિશ કનેરિયા. ઓવરમાં લારાએ એક ડોટ 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 27 રન ફટકાર્યા હતા.