રાજકારણીઓને ધનપતિઓની જરૂર છે અને ધનપતિઓને રાજકારણીઓની. એમ કહો કે, બન્નેને એકબીજાની જરૂર ડગલે પગલે પડે. ચૂંટણીઓ આવે ત્યારે પાર્ટી ફંડ આપી ધનપતિઓ રાજકારણીઓનો પ્રસંગ સાચવી લેતા હોય છે, સામે બદલામાં પોતાનો ફાયદો પણ ગોઠવી લેતા હોય છે.
કેટલાક ઉદ્યોગપતિઓ પર રાજકારણીઓના ચાર હાથ હોય છે. રૂપિયાના બદલામાં ઘણી વખત ચૂંટણી ટિકિટની પણ ઓફરો થતી હોય છે. રૂપિયા માટે પાર્ટીઓ કુછ ભી કરને કે લીયે તૈયાર હોય છે. આવું અત્યારે જ બની રહ્યું છે એવું નથી. દેશ આઝાદ થયો તે પહેલાં પણ આવી ઓફરો અને લેવડ-દેવડના પ્રસંગો બનતા પરંતુ તે વખતના સરદાર પટેલ અને ગાંધીજી જેવા નેતાઓની તાસિર જરા અલગ હતી.
વર્ષ 1934માં મહારાષ્ટ્રની ધારાસભાની ચૂંટણી હતી. સરદાર પટેલે એક બેઠક પર વી.એન.ગાડગીલને પસંદ કરેલા. પરંતુ આ બેઠક પર સરદારના એક મિત્ર શેઠ વાલચંદ હીરાચંદને ઉભા રહેવું હતું. ગાડગીલ સરદાર પટેલના વિશ્વાસુ હતા જ્યારે વાલચંદ શેઠને અમીર લોકોનો ટેકો હતો. જેથી ઉદ્યોગપતિઓ વાલચંદ શેઠને ટિકિટ આપવાની માગ લઈને સરદાર પટેલને મળવા આવ્યા અને સરદાર પટેલને કહ્યું કે, ‘જો આ બેઠક પર વાલચંદ શેઠને ઉતારવામાં આવે તો ચૂંટણી ભંડોળમાં લાખો રૂપિયા આપીશું.’ સરદાર પટેલે આ ઓફરને ઠુકરાવી દીધી અને સોદાબાજી કરવા આવેલા ઉદ્યોગપતિઓને સાનમાં સમજાવી દીધા કે, ચૂંટણી તો ગાડગીલ જ લડશે અને જો વાલચંદ શેઠ અન્ય પક્ષ તરફથી કે અપક્ષમાંથી ઉભા રહેશે તો પરાજિત થશે તે લખી રાખજો. સરદારની વાતને અવગણીને વાલચંદ શેઠ ગાડગીલ સામે ચૂંટણી લડ્યા અને હારી ગયા. સરદારે સાબિત કરી બતાવ્યું કે પૈસાના જોરે ચૂંટણીઓ નથી જીતાતી.
એક વખત એવું બન્યું કે દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદાર પટેલના સેક્રેટરી શાંતિલાલ શાહને મળવા આવ્યા ને કહ્યું કે, ‘દાલમિયા શેઠ ચૂંટણી ફંડમાં બે લાખ રૂપિયા આપવા માગે છે અને દાલમિયા શેઠની ઇચ્છા છે કે સરદાર પટેલ શેઠ સાથે ચા પીવા આવે અને તે સમયે આ બે લાખ રૂપિયા તેમને આપી દેવામાં આવશે.’
આ વાતની જાણ શાંતિલાલ શાહે સરદારને કરી. વાત સાંભળતા જ સરદાર ગુસ્સે ભરાયા અને શાંતિલાલને કહી દીધું કે, ‘એમને કહી દો કે ચેક મોકલવો હોય તો મોકલે, નહીં તો એમની મરજી, બાકી હું એમને ત્યાં ચા પીવા જવાનો નથી.’ શાંતિલાલે આ સંદેશો ધર્મદેવને આપ્યો અને સરદાર પટેલની આ વાત સાંભળીને દાલમિયા શેઠે બે લાખ મોકલવાની જગ્યાએ તેમાં પચ્ચીસ હજાર ઉમેરીને સવા બે લાખનો ચેક સરદાર પટેલને મોકલી આપ્યો.
વાત છે વર્ષ 1935ની, દેશ હજુ આઝાદ પણ નહોતો થયો. પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી યોજાઈ રહી હતી. ઉદ્યોગપતિઓ નેતાઓ સાથે નાણાકીય સોદાબાજી કરવાનું ગણિત માંડી રહ્યા હતા. તેવામાં રાજેન્દ્ર પ્રસાદે સરદાર વલ્લભભાઈ પટેલના કાને વાત નાખી કે, જે.આર.ડી તાતા સોદાબાજી કરવા માગે છે.
સરદારે તાતાને મળવા બોલાવ્યા. જે.આર.ડી.તાતાએ સરદાર પટેલ સામે માગણી મૂકતા કહ્યું કે, ‘ઉમેદવારો નક્કી કરવાની સમિતિમાં મારો એક માણસ મૂકો તો રૂપિયા આપું.’
તાતાએ મૂકેલી માગણી સરદારના સિદ્ધાંતોની વિરુદ્ધ હતી. તુરંત જ સરદારે વાતને ફગાવી અને તાતાને સામે પૂછ્યું કે, ‘તમે તમારી કંપનીમાં અમારા કોઈ માણસને મેનેજમેન્ટ કમિટીમાં મૂકશો ખરા ?’ સરદાર જે કહેવા માગતા હતા એ તાતા આટલી વાતમાં સમજી ગયા અને સહી કરેલો કોરો ચેક સરદારના હાથમાં આપી હસતાં હસતાં વિદાયમાન થયા.
ઉપરના ત્રણ કિસ્સા પરથી સરદારની રાજકીય સૂઝબૂઝ અને તેમની ખુમારીનો અંદાજો લગાવી શકાય. ગમે તેવો ધનપતિ કેમ ન હોય, પરંતુ પૈસાના જોરે દબાવી-ધમકાવીને કામ કઢાવવાની યુક્તિ સરદાર પટેલ પાસે ન ચાલતી. કેમ કે સરદાર પટેલ રાજકીય જીવનમાં પણ પ્રામાણિકપણે કામ કરતાં. સામે ગમે તેવી સ્થિતિ હોય પોતાના સિદ્ધાંતો અને નિયમોને ક્યારેય સરદાર પટેલ છોડતા નહીં.
સરદાર પટેલ જ્યારે ચૂંટણીના ખર્ચા માટે કે લોકોના ઉપયોગી કામ માટે નાણા એકઠાં કરવા નિકળતા તો પ્રજા સામે ચાલીને ઉદાર હાથે દાન આપતી. કેમ કે લોકોને વિશ્વાસ હતો કે સરદાર પટેલને આપેલા રૂપિયામાંથી એક પાવલીયે ખોટા કામમાં નહીં વપરાય. જનતામાં આ પ્રકારનો વિશ્વાસ ઊભો કરવામાં સરદાર પટેલની પ્રામાણિકતા, પ્રતિષ્ઠા અને સાચી નીતિથી કામ કરવાની ભાવના કામ કરતી.
આજના રાજકારણીઓએ સરદાર પટેલ પાસેથી આ વાત શિખવા જેવી છે. આજે આપણે જોઈએ છીએ કે ચૂંટણીઓ જીતવા માટે કેટલી નીચલી કક્ષાનું રાજકારણ આપણી નજર સામે રમાઈ રહ્યું હોય છે. રૂપિયા આપીને અમારા ધારાસભ્યો ખરીદી લીધા કે પછી ફલાણાં-ફલાણાંએ આટલા રૂપિયા પાર્ટીને આપ્યા એટલે તેને ટિકિટ આપવામાં આવી જેવા આરોપો રાજકીય પાર્ટીઓ એકબીજા પર લગાવતી હોય છે.
રાજકારણનું સ્તર નીચું જઈ રહ્યું છે. ચૂંટણી ટાણે સામ-સામે વેણના બાણ એવા છૂટે કે સાંભળીને પ્રજાને પણ શરમ આવે કે મારે આવા નેતાઓને મત આપવા લાઈન ઉભા રહેવાનું ?.
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે, આજના દિવસે તેઓની પ્રતિમાને ફૂલની માળા પહેરાવી વંદન કરવાની સાથે જો તેમના જીવનમૂલ્યોની આવી વાત જીવનમાં ઉતારીશું તો સરદાર પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી ગણાશે.