Homeગુર્જર નગરીઆખરે મેઘરાજા પધાર્યાઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

આખરે મેઘરાજા પધાર્યાઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આખરે વરસાદનું આગમન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં જાણે મેઘરાજાએ વિદાય લઈ લીધી હોય તેમ લાગી રહ્યું હતું. વરસાદ ખેંચાતા ખાસ કરીને ખેડૂતોના લલાટે ચિંતાની રેખાઓ ખેંચાઈ હતી. આખરે રાજ્યમાં વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખેડૂતો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અનેક જિલ્લામાં વરસાદ પડતાં ખેતી પાકને પણ નવજીવન મળ્યું છે.

રાજ્યમાં આશરે 25 દિવસ બાદ સારો વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. મોડી રાત્રે અમદાવાદ શહેરના કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના અનેક પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. ગઇકાલે મોડી રાત્રે પડેલા વરસાદના પગલે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું હતું. શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા આનંદ નગર રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ તરફ વડોદરા શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. લોકો છેલ્લા 20 દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોની આશાનો અંત આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ નોંધાયો. ક્યાંક ભારે ઝાપટા તો કયાંક હળવો વરસાદ જોવા મળ્યો. જિલ્લામાં સૌથી વધુ પોણા બે ઈંચ (૪૩મીમી) વરસાદ જાંબુઘોડામાં નોંધાયો. તો ગોધરામાં 10  મીમી, હાલોલમાં 10 મીમી, કાલોલમાં 6 મીમી, શહેરામાં 2 મીમી, મોરવા હડફમાં 13 મીમી અને ઘોઘંબામાં 7 મીમી વરસાદ નોંધાયો. જિલ્લામાં હાલ પણ વરસાદના આગમનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડા નડિયાદમાં મેઘરાજાનું આગમન થયું. નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પવન અને વીજળી સાથે ધીમીધારે વરસાદ નોધાયો. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું

ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.

રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ

વરસાદ ખેંચાતાં 1લી જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સ્કાઇમેટનું કહેવું છે. ગુજરાત સાથે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં પણ મોન્સૂન સક્રિય થવાની સંભાવના સ્કાઇમેટે દર્શાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments