1971માં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. મન્સુર અલી ખાન પટૌડીનું ફોર્મ નબળું પડી રહ્યું હતું એટલે ટીમની જવાબદારી મુંબઈકર અજિત વાડેકરને સોંપવામાં આવી હતી. વાડેકરની આગેવાનીમાં ટીમ વેસ્ટઈન્ડિઝ સામે સિરીઝ 1-0થી જીતી ગઈ હતી. હવે ઈંગ્લેન્ડ સામે ટક્કર થવાની હતી.
એ ઈંગ્લેન્ડ જે તે સમયે દુનિયાની નંબર વન ટીમ હતી. સિરીઝ શરૂ થઈ. પહેલી બંને ટેસ્ટ બહુ રસાકસીવાળી રહી. સ્થિતિ એવી હતી કે આ બંને મેચ ગમે તેના ખાતામાં જતી રહી હોત પરંતુ બંને મેચ ડ્રો થઈ. મેચ ડ્રો થતાં સિરીઝ પણ જીવંત રહી.
ત્રીજી ટેસ્ટમાં કરો યા મરોની સ્થિતિ હતી. ઓવલના મેદાન પર આ મેચ રમાવાની હતી. મેચ શરૂ થઈ. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી 355 રન બનાવ્યા. ભારતે દિલીપ સરદેસાઈ અને ફારૂખ એન્જિનિયરના અર્ધશતકથી જવાબ આપ્યો. મેચના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. ભારતની પહેલી ઈનિંગ હજુ પણ યથાવત હતી. એવું લાગી રહ્યું હતું કે આ મેચ પણ બંને મેચની જેમ ડ્રો થશે.
ચોથા દિવસની રમત શરૂ થઈ. ખેલાડીઓ વૉર્મઅપ કરી રહ્યા હતા. અચાનક મહિલા સાથે એક હાથણી મેદાન પર આવી ગઈ. હાથણી નજીકમાં રશિયન સર્કસ ચાલતું હતું ત્યાંની હતી. હાથણીનું નામ હતું બેલા. બેલા મેદાનમાં આંટાફેરા મારવા લાગી. કેપ્ટન વાડેકરનું ધ્યાન તેના તરફ નથી. આ જોઈ ટીમના મેનેજર વાડેકર પાસે આવ્યા અને હાથણી તરફ ઈશારો કરીને કહ્યું, ‘અજિત આ સારો દિવસ છે. ગણેશચતુર્થીનો દિવસ છે અને ગણેશજી અહી આવી ગયા છે. આપણે હાથી જોવા મળ્યો છે આજે આપણે તેના આશીર્વાદથી મેચ જીતી જઈશુ.’
આ વાતથી અજિત વાડેકરને મોટિવેશન મળ્યું કે, પછી શું થયું એ તો ખબર નથી. પરંતુ આ દિવસે 71 રનથી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર વાપસી કરી. ભગવત ચંદ્રશેખરે આ મેચમાં અવિશ્વસનીય પ્રદર્શન કર્યુ.
ચંદ્રશેખરે ઈનિંગમાં એક-બે નહીં પૂરી છ વિકેટ ઝડપી. જેની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હવે ભારત પાસે જીતવાની તક હતી. જીત માટે ભારતે માત્ર 173 રન જ કરવાના હતા. આ પહેલાં ભારત 284 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ઈંગ્લેન્ડ પાસે 71 રનની લીડ હતી.
જીતના લક્ષ્ય સાથે ભારતીય ટીમ મેદાને ઉતરી. દિલીપ સરદેસાઈ સાથે મળીને અજિત વાડેકરે એ જ દિવસે ટીમને જીતના પાટા પર લાવી દીધી. જો કે, 45 રન પર વાડેકર રન આઉટ થઈ ગયા. રન આઉટ થતા જ વાડેકર ડ્રેસિંગરૂમમાં ગયા અને ઉંઘી ગયા. આઉટ થવાના કારણે વાડેકર થોડા નિરાશ હતા.
એ ઉંઘી રહ્યા હતા ત્યારે ગુડપ્પા વિશ્વનાથને 33 રન જોડી-ફારૂક એન્જિનિયર સાથે મળી ટીમને મેચ જીતાવી દીધી હતી. ટીમના બધા જ સભ્યોએ ઉજવણી શરૂ કરી દીધી હતી પરંતુ વાડેકર હજુ ઉંઘી રહ્યા હતા.
ભારતની જીતથી ઈંગ્લેન્ડના મેનેજર પણ ખુશ હતા. તેઓ એટલા ઉત્સાહી હતા કે ખુદ વાડેકર પાસે ગયા. વાડેકરને ઉઠાડ્યા અને કહ્યું, ‘અજિત, ગેટ અપ, યૂ હેવ વૉન ફોર ધી ફર્સ્ટ ટાઈમ.’
વિશ્વની નંબર વન ટીમને હરાવીને જ્યારે ટીમ ઈન્ડિયા પરત ફરી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. સેંટાક્રૂઝ એરપોર્ટ પરથી વાનખેડે સ્ટેડિયમ સુધીનો રસ્તો ફેન્સથી ખીચોખીચ હતો. એવી જ રીતે જેવી રીતે 1983, 2007 અને 2011નો વર્લ્ડકપ જીત્યા બાદ હતો.