મંગળવારે બિહાર વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન યોજાયું. 94 બેઠક માટે યોજાયેલા આ મતદાનમાં 54 ટકા જેટલું મતદાન થયું. પણ એક ઘટના એવી બની જેના પર ચાબુકનું ધ્યાન ગયું અને લાગ્યું કે આ વિષય પર લખવું જ જોઈએ. વાત જાણે એમ છે કે મંગળવારે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં એક પદ્મશ્રી વિજેતા મતદાન ન કરી શક્યા. મતદાન કરવાની તેમની અનહદ ઇચ્છા હતી પરંતુ તંત્રના વાંકે તેઓ મતદાનથી વંચિત રહી ગયા.
પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ગોદાવરી દત્તા જેઓને મતદાન કરવું હતું પરંતુ તંત્ર હમણાં આવે હમણાં આવેની રાહ જોતાં રહ્યા અને રાત પડી ગઈ.
ઘટના એવી બની કે મધુબની જિલ્લાના પદ્મશ્રી એવોર્ડ મેળવનાર 93 વર્ષીય ગોદાવરી દત્તા મતદાનના દિવસે પોતાના પસંદગીના ઉમેરવાને મતદાન કરવાની ઇચ્છા રાખીને બેઠાં હતા. તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની રાહ જોઈ રહ્યા હતા. સવારે મતદાન શરૂ થયું ત્યારથી ગોદાવરી દત્તા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સાંજના 4-30 વાગ્યા છતાં કોઈ અધિકારી તેમના ઘર સુધી આવ્યો નહીં.

મનમાં મતદાન કરવાની અદમ્ય ઇચ્છા હતી તેથી રાહ જોઈને તેમની ધીરજ ખૂટી ગઈ અને કરી દીધું ટ્વિટ. તેમણે લખ્યું કે 4-30 વાગ્યા છે છતાં કોઈ પહોંચ્યું નથી. ટ્વિટ કરીને તેમણે મધુબનીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને બિહારના સીઈઓને ટેગ પણ કર્યાં. તેમ છતાં કોઈ યોગ્ય જવાબ ન મળ્યો.
ગોદાવરી દત્તાના પૌત્ર સંતોષ આનંદે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં ચૂંટણી આયોગની ટીમ આવી હતી અને તેઓએ આશ્વાસન આપ્યું હતું કે ગોદાવરી દત્તા માટે તેઓ પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવશે. તંત્રના આ આશ્વાસન પર વિશ્વાસ મૂકીને ગોદાવરી દત્તા સાંજ સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની રાહ જોતા રહ્યા પરંતુ તંત્ર તરફથી કોઈ અધિકારી તેમના સુધી પહોંચ્યો નહીં.

અંતે તેમનાથી ન રહેવાયું તો ટ્વિટ કર્યું, આમ છતાં કોઈ હલચલ જોવા મળી નહીં અને મતદાન પૂર્ણ થઈ ગયું. સમગ્ર ઘટનામાં ચૂંટણી કમિશનની બેદરકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મતદાનથી વંચિત રહેનાર ગોદાવરી દત્તાને 2019માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. તેઓના પેઈન્ટિંગ જગ વિખ્યાત છે. ગોદાવરી દત્તાના ચિત્રો સમુદ્ર મંથન, ત્રિશુલ, કોહબર, વાસુકીનાગ વગેર ખૂબ જ જાણીતા છે. તેઓ 1964થી ચિત્રકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. બિહારના મ્યૂઝિયમમાં એક વિશાળ મિથિલા પેઈન્ટિંગ બનાવવા ઉપરાંત તેઓના પેઈન્ટિંગે જાપાનના મિથિલા મ્યૂઝિયમમાં પણ સ્થાન મેળવ્યું છે. ગોદાવરી દત્તા મિથિલા પેઈન્ટિંગના ગુરુ માનવામાં આવે છે.
પદ્મશ્રી ગોદાવરી દત્તાની એક પેઈન્ટિંગ તમિલનાડુ સરકારે 1 લાખ 20 હજારમાં ખરીદી કરી હતી. થોડા વર્ષો પહેલાં તેઓએ બિહાર મ્યૂઝિયમ પટનામાં કોહવર પેઈન્ટિંગ બનાવ્યું હતું જેના તેઓને સાત લાખથી વધુ રૂપિયા મળ્યા હતા. ગોદાવરી દત્તા મધુબની જિલ્લાના રાંટી ગામમાં રહે છે. મતદાનને લઈને ગોદાવરી દત્તા સાથે બનેલી ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ ગણી શકાય.