Team Chabuk-Gujarat Desk: ગીર-સોમનાથ જિલ્લાની ગીર અભયારણ્ય, સોમનાથ મહાદેવ, અરબ સાગરનો ઘૂઘવતો સમુદ્ર, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા દેહોત્સર્ગ ધામ અને ભાલકા તીર્થ ઉપરાંત એક સીદી સમાજ પણ એક આગવી ઓળખ છે. આશરે ૧૦-૧૨ હજારની વસ્તી ધરાવતા સીદી સમાજના લોકોને કદાચ તેમના મોજીલા-બેફિકરા સ્વભાવના કારણે જ સીદી ‘બાદશાહ’ના નામે ઓળખવામાં આવે છે.

એક સમયે દક્ષિણ આફ્રિકાથી આવીને સૌરાષ્ટ્ર-ગુજરાતને પોતાનુ ઘર બનાવનાર સીદી સમાજના લોકો તેમના ધમાલ નૃ્ત્ય, વાંકડિયા વાળ, ખડતલ શરીર અને આકરા પરિશ્રમ કરવા માટે જાણીતા છે. આમ, તેમની ભાતીગળ સંસ્કૃતિથી સૌ કોઈ પરિચિત છે, પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, રમતના મેદાનમાં ભલભલાને પાછળ છોડી દે તેવુ હીર સીદી સમાજના યુવક-યુવતીઓમાં પડેલું છે. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખાસ કરીને સીદી સમાજના યુવક-યુવતીઓ રમત-ગમતમાં કાઠું કાઢે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો પરચમ લહેરાવે તે માટે વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.

આ સીદી સમાજના પ્રતિભાશાળી યુવક-યુવાતીઓની શોધ માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ચીફ કોચ શ્રી એલ.પી. બારીયા, ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ શ્રી કાનજી ભાલીયા, પોરબંદર જિલ્લાના સિનિયર કોચ શ્રી મનીષ જીલડીયા સહિતના કોચ-ટ્રેનર સીદી લોકોના વસવાટ ધરાવતા તાલાલા તાલુકાના જાંબુર, સીરવાણ, રસુલપુરા, માધુપુર, ચિત્રાવડ, મોરૂકા, જશાપુર, જાવંત્રી સહિતના ૨૦ ગામો ખૂંદી વળ્યા હતા. જેના પરિણામે ૪૮ યુવાનો અને ૩૮ યુવતીઓને ટ્રાયલ બાદ ભાવનગર સ્થિત એકેડમીમાં નિ:શુલ્ક તાલીમ આપવામાં માટે પસંદ કરવામાં આવ્યાં છે. સાથે જ આ યુવાનો રમતગમતની સાથે શિક્ષણમાં પણ પાછળ ન રહે તે માટે વિનામૂલ્યે શિક્ષણ પણ આપવામાં આવશે.

સીદી સમાજના યુવાનોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવાના મૂળ વિચારની વાત કરતા શ્રી ભાલીયા કહે છે કે, અમારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલ શ્રી સી.વી. સોમએ ઓલમ્પિક રમતો નિહાળતા દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે, નીગ્રો જાતિના લોકોમાં અપાર શક્તિઓ રહેલી છે. જેથી તેઓને વિચાર આવ્યો કે, ગુજરાતમાં પણ સીદી સમાજના લોકો વસવાટ કરે છે. આમ, તેમનામાં રહેલી શારીરિક શક્તિઓને રમતગમત ક્ષેત્રે વિકસાવી ખુબ જ સારા ખેલાડીઓ ગુજરાતને પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ બાબતને ધ્યાને લઇ તાત્કાલિક એક કમિટી બનાવી હતી.

સીદી સમાજના યુવાઓને રમત-ગમત ક્ષેત્રે જોડવા અને તેમના રહેલી ક્ષમતાને બહાર લાવવા માટે કરેલા પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં સીનીયર કોચ શ્રી ભાલીયા કહે છે કે, પ્રતિભાશાળી અને ઉર્જાવાન યુવાઓની શોધ-પસંદગી માટે એક ટ્રાયલ યોજવાનું નક્કી કર્યું. આ માટે પ્રેસ અને સોશિયલ મીડિયના માધ્યમથી પ્રસિદ્ધિ કરીને સીદી સમાજના યુવાનોને ટ્રાયલ માટે આમંત્રિત કર્યા. પણ તેને જોઈએ તેટલો પ્રતિસાદ સાપડ્યો નહી. પરંતુ અમે થાક્યાં વગર કોચ-ટ્રેનર વગેરેથી બનેલી ૩૦ લોકોની કમિટિએ સીદી સમાજ વસવાટ કરતા ગામોમાં ઘરે-ઘરે જવાનુ નક્કી કર્યું.

આ કમિટિના સભ્યોએ ૨૫ દિવસ સુધી સ્થાનિક આગેવાનો, શિક્ષિતો, સીદી સમાજના જ ખેલાડીઓ સાથે રાખીને સીદી સમાજના યુવક-યુવતીઓ અને તેમના વાલીઓને રાજ્ય સરાકારની યોજનાઓ અને રમત-ગમતના ક્ષેત્રમાં કારકિર્દીની રહેલી તકોની વિગતવાર જાણકારી આપી સમજૂત કર્યાં. આ અભિયાનમાં સીદી સમાજના જ રાષ્ટ્રીય કક્ષાએ ૧૦૦ મીટર દોડમાં ચેમ્પિયન રહેલા એથલિટ શ્રી યુનુસ રાયકા, હનીફાબેન મજગુલ સહિતના રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલા ખેલાડીઓ પણ સાથે રહ્યા હતા. ઉપરાંત સીદી સમાજના યુવોઓ આગળ આવે તે માટે યુવાન અને તરવરિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેએ પણ અંગત રસ દાખવીને જરૂરી સુવિધાઓની સાથે પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

સીદી લોકોમાં ગજબનુ શારીરિક કૌવત છે… ઓલમ્પિક-૨૦૨૪માં મેડલ મેળવવાનો લક્ષ્યાંક
સીદી લોકોમાં ગજબનુ શારીરિક કૌવત છે તેઓ એથ્લેટિક્સની જુદી-જુદી રમતોમાં એકદમ ફીટ બેસે તેવી તેમની શારીરિક ક્ષમતા છે. સાથે જ ગીરના જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં હોવાથી પડકારજનક પરિસ્થિતમાં રહેવા કેળવાયેલા હોય છે. આમ, તેઓ મજબૂત શારીરિક સૌષ્ઠવ ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, એથ્લેટિક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નીગ્રો લોકોનુ વર્ચસ્વ રહેલું છે. કેન્યા, યુ.એસ. એ. જમૈકા, ઈથોપીયા, સાઉથ આફ્રિકા વગેરે દેશો તેના ઉદાહરણો છે. ત્યારે તેમની આ ક્ષમતાને લક્ષ્યમાં રાખીને પરિણામ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૪માં ફ્રાંસના પેરિસમાં યોજાનાર ઓલમ્પિકમાં મેડલ લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ પ્રકલ્પો માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ સીનીયર કોચ શ્રી ભાલીયાએ ઉમેર્યું હતું.

એથલીટ્સને ડાઈટમાં ડ્રાયફ્રૂટ પણ અપાશે…. ભોજન પાછળ પ્રતિદિન રૂ.૩૬૦નો ખર્ચ કરાશે
એક એથલીટને સફળતા મેળવવામાં ડાઈટ-ભોજનનુ એટલુ જ મહત્વનું હોય છે. આ માટે ન્યુટ્રીશિયન દ્વારા તૈયાર કરાયેલ ડાઈટ પ્લાન મુજબ તાલીમરત ખેલાડીઓને પ્રોટીનયુક્ત અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં પ્રતિદિન ૬૦ ગ્રામ જેટલા કાજુ, બદામ જેવા ડ્રાયફ્રૂટનો પણ સમાવેશ થાય છે. આ ભોજન પાછળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન રૂ. ૩૬૦ ખર્ચવામાં આવે છે. જેનો લાભ ભાવનગર સ્થિત એકેડમીમાં સીદી સમાજના યુવાન-યુવતીઓને પણ મળશે. તેમ સીનીયર કોચ શ્રી ભાલીયાએ જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત