Team Chabuk-Gujarat Desk: લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ઠેર ઠેર લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યા છે. ત્યારે સમાજમાં નવો દાખલો બેસે તે માટે સુરતના એક પરિવારે દીકરીને કરિયાવરમાં અનોખી ભેટ આપી છે. સુરતના એક પરિવારે દીકરીને કરિયાવરમાં સોલાર રૂફટોપ પ્લાન્ટની ભેટ આપીને સૌર ઉર્જા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે.
સુરતમાં વસતા સૌરાષ્ટ્રના પટેલ પરિવારો લગ્ન સહિતના પ્રસંગો અનોખી વિચારધારા સાથે ઉજવીને સમાજમાં નવા નવા દાખલા બેસાડી રહ્યા છે. લગ્ન પ્રસંગોમાં વૃક્ષારોપણ, પુસ્તક વિતરણ, રક્તદાન શિબિર, તુલસી છોડનું વિતરણ જેવી અનોખી પ્રવૃત્તિ કરીને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ચારણ સમઢિયાળા ગામના વતની અને સુરતના નનસાડ રોડ પર આવેલા સ્વપ્ન વિલા રેસિડેન્સીમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા કનુભાઈ હીરાણીની દીકરી પ્રિયંકાના લગ્ન રાધે ફાર્મ સરોવર ખાતે યોજાયા હતા. જેમાં કનુભાઈ હીરાણી અને તેમના પરિવારે પોતાની દીકરીને કરિયાવરમાં 3.3 કિલો વોટનો સોલાર રૂફટોપ પ્લાન્ટ ભેટમાં આપ્યો છે.
દીકરીને સોલાર રૂફટોપ પ્લાન્ટ ભેટમાં આપીને પરિવારે સૌર ઉર્જા પ્રત્યે લોકોને જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. સાથે જ આ સોલાર રૂફટોપ પ્લાન્ટથી તેમની દીકરીના ઘરમાં કાયમ માટે મફત વીજળી મળી રહેશે અને વાર્ષિક 40 હજારથી વધુની બચત પણ થશે. આ ઉપરાંત સોલાર રૂફટોપ પેનલથી 1200 KG CO2 ઉત્સર્જન પણ અટકશે અને વાતાવરણનાં પ્રદૂષણને અટકાવવામાં પણ મદદરૂપ થશે.
કનુભાઈ હીરાણીએ જણાવ્યું હતું કે, કરિયાવરમાં ઘરવખરીનો સામાન અપાય છે, જોકે તેની કિંમત ઘટતી હોય છે, પરંતુ આ એવી ભેટ છે, જે મારી દીકરીના પરિવારને કાયમ લાઈટ બિલ ભરવામાં રાહત આપશે. ઉપરાંત વાતાવરણ પણ પ્રદૂષણમુક્ત બનશે, જેથી પર્યાવરણ જાગૃતિ અને દીકરીને કાયમી ઉપયોગી થાય એવી વસ્તુઓ અમે ભેટમાં આપી છે. સમાજના અન્ય લોકોમાં પણ આ પ્રકારની જાગૃતિ આવે એ માટે પહેલ કરી છે. આવનારા દિવસોમાં અન્ય પરિવારો પણ પોતાની દીકરીને આવી ભેટ આપતા થઈ જાય તો તેમનો પ્રયાસ સફળ ગણાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
