Homeસિનેમાવાદધમાકા: એન્કર એ અંતે અભિનેતા છે

ધમાકા: એન્કર એ અંતે અભિનેતા છે

ઝાલાવાડી જલજીરા: ભારતીય પત્રકારત્વની થયેલી દુર્દશા અને સત્ય વૃતાંતનું ચિત્રણ કરવાની જગ્યાએ ચક્ષુરંજન અહેવાલ પ્રદર્શિત કરી અવ્વલ આવવાની દોડનું નામ ‘ધમાકા’ છે. ઈન્ટરનેટના આઇન્સ્ટાઈન યુગ અને માહિતીના પણ ધમાકાના કારણે એ સમાચાર કાને કાન પહોંચી ચૂક્યા છે કે ધમાકા એ દક્ષિણ કોરિયાની ફિલ્મ ધ ટેટર લાઈવની પુન: સંવર્ધિત આવૃત્તિ છે. જેને કિમ-બ્યૂંગ-વૂએ બનાવી હતી. ફિલ્મનું શીર્ષક બે રીતે સાર્થક થાય છે; એક સમાચારનો ધમાકો અને બીજું સાચા અર્થનો ધમાકો. ચેનલનું નામ ભરોસા છે! જેમાં હરખાવા જેવું કંઈ નથી, પણ એક પ્રતીકાત્મક કટાક્ષ છે.

પત્રકારત્વનું કથાનક હોવાથી ભારતીય આવૃત્તિમાં દિગ્દર્શકને વધારે જહેમત નથી ઉઠાવવી પડી. આપણે ત્યાં પહેલાથી જ મીડિયાને જનતા અદાલતની વચ્ચે દરરોજ હાજરી પૂરાવવી પડે છે. સોશિયલ મીડિયા પર અપશબ્દો સાંભળવા પડે છે. પહેલા આ બધો નાટકિયો અહેવાલ ચાલતો હતો, હવે ચાલતો નથી.

અખબાર ટકી ગયું તેની પાછળનું કારણ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાએ વર્ષોથી ટીવી મીડિયાની છાકલા બની ફરતી ઈમેજને ઉઘાડી પાડી દીધી. નાચતો મોર પાછળથી નાગો દેખાવા લાગ્યો ત્યારે તેની વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. ઉપરથી 2014 બાદ તેને ‘ગોદી મીડિયા’ શબ્દનું બહુમાન પણ મળ્યું. જે તેના માથે લેબલ બની લાગી ગયું છે અને હવે કોઈ દિવસ નીકળવાનું નથી. જ્યારે જ્યારે ભારતીય મીડિયાનો ઈતિહાસ ફરી ફરીને લખાશે ત્યારે ત્યારે ગોદી મીડિયા શબ્દની ઉત્પતિ વિશે પણ પાનાં ભરી ભરીને લખવામાં આવશે.

આ ફિલ્મ મીડિયાની અંદર ચાલતા રાજકીય અખાડાને ઉઘાડો પાડે છે. કોર્પોરેટ વર્લ્ડમાં કોઈ એક જગ્યાએ સૌથી વધારે પોલિટિક્સનું દૂષણ ચાલતું હોય તો તે મીડિયા છે. ગુજરાતી મીડિયા પણ તેમાંથી બાકાત નથી રહી શક્યું. ફિલ્મમાં જે બોમ્બ અને માફીમાગીનું નાટક છે તે બીજી કેટલીય ફિલ્મોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. જ્યાં એક સામાન્ય માનવી તંત્રનું નાક દબાવી તેને વાસ્તવિકતાનો પરચો કરાવે છે. ઈરફાન ખાનની મદારી અને નસીરુદ્દીન-અનુપમની અ વેડનસડે એ ક્ષેત્રમાં થયેલું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.

ધમાકાની અસર વિપરિત છે. એણે બંને છેડા સાચવ્યાં છે. ઈમારતની બહાર બે વર્ષ પૂર્વે થયેલા અકસ્માતનું રાજકારણ અને ઈમારતની અંદર એ રાજકારણનું રક્ષણ કરવા હેતુ ચાલી રહેલું રાજકારણ. આપણે ત્યાં મહાભારત, ગીતા, પંચતંત્ર, ઈસપની કથાઓ, વિક્રમ વેતાળની કથાઓ, જાતકકથાઓ શા માટે વાંચવાનું કહેવામાં આવે છે? કારણ કે આગળ જતા જે તે વ્યક્તિએ નિમ્ન કે અધમ સ્તરે રાજકારણનો સામનો કરવાનો જ છે.

ધમાકા આપણી સમક્ષ સવાલ ઉભો કરે છે કે ફિલ્મમાં રમવામાં આવેલું કયું રાજકારણ ઉત્તમ અને અવ્વલ છે. એક રાજકારણને બીજું રાજકારણ ટેકો આપી રહ્યું છે. ટેકો પણ ગુનો જ છે. એન્કર વાસ્તવિકતાને સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ ક્યારે? જ્યારે તેની માથે યમરાજ ઘુમે છે ત્યારે!

એન્કર એ વધારે બુદ્ધિ નથી લગાવી શકતો, કારણ કે એન્કર એ અંતે અભિનેતા છે. આ વાત આ લેખ લખનાર નહીં, પણ ફિલ્મમાં અભિનેત્રી અમૃતા સુભાષ કહે છે. એ જ્યારે આ વાતની ચર્ચા એન્કર અર્જુન પાઠક બનતા કાર્તિક આર્યન સમક્ષ કરે છે ત્યારે રેડિયોના રૂમમાં શણગાર સજી ટેમ્પરરી બનાવેલો પીસીઆર રૂમ શાંત થઈ જાય છે. એ શાંતિમાં દિગ્દર્શક રામ માધવાની એક કાંકરો આપણી સામે ફેંકી સભાન બનાવતા કહે છે કે, આ કંઈ મનોરંજન માટેની ફિલ્મ નથી, પણ આજના સમયની જીવતી જાગતી વાસ્તવિકતા છે.

advertisement-1

ફિલ્મ જોતા જોતા કેટલાય ખોટી જગ્યાએ તર્ક લગાવી બેસશે. ખાસ તો ફિલ્મ જોવાની મેચ્યોરિટીનો અભાવ હશે ત્યારે. પ્રશ્ન ઉઠશે કે વિલન દોષિત પ્રશાસનને દંડિત કરવા ટેકનિકલી આ બધું કેવી રીતે કરી શક્યો? દર્શક અને અભિનેતાઓ બધાને ખબર છે કે દોષિ મંત્રીજી છે, પણ મંત્રીજી આવે છે… આવે છે… આવે છે… એ વેઈટિંગ ફોર ગોદોની જેમ અંતે અર્થહીન વિષય બનવા તરફ છે. એ સ્પષ્ટ વાત છે કે સાહેબ આવવાના નથી. એ શું કામે માફી માગે? વિચારો કે એ મંત્રી ગાંધી જયંતિ દરમ્યાન ગાંધીજીને વરમાળા ચડાવતો હશે ત્યારે કેવો લાગતો હશે? આ તો ફિલ્મ છે પણ વાસ્તવિકતા તો ફિલ્મથી પણ ઘણી આગળ નીકળી ચૂકી છે. અગ્નિપથ ફિલ્મનો કાદર ખાન દ્વારા લખાયેલો સંવાદ ધમાકાના પાત્રો માટે જ બન્યો લાગે છે. कहने को यह शहर है, सिर्फ कहने को.. पर इधर जंगल का कानून चलता है

વર્ષો પહેલા લોકો માનતા કે છાપામાં છપાયું એ સાચું, પછી આવ્યું કે એન્કર બોલે એ સાચું. આવી આંધળો વિશ્વાસ કરતી સિત્તેર ટકા જનતા ગુજરાતમાં આજે પણ વસવાટ કરે છે. લખનાર અને બોલનારે જનતાની કાળજી લેવાની હોય છે. જો મીડિયાનો કોઈ અભ્યાસુ આલોચક હોય તો એ સતર્ક રહે અને કાળજી લે, પણ હવે તો આલોચના કરવાથી પણ કંઈ વળતું નથી. કેમ કે ભારતમાં ટમેટાના ભાવ વધી જવા પર તમારી સામે પાકિસ્તાનના ટમેટા રાખવામાં આવશે અને બંનેના ભાવની તુલના કરી તમને સવાર-સાંજ-બપોર રાષ્ટ્રવાદની ગોળી પાવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments