હાર્દિક પટેલ ચૂંટણી નહોતા લડી શક્યો. પત્રકારોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ વિશે પૂછ્યું. વિજયભાઈએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘અમે તો ઈચ્છતા હતાં કે તે ચૂંટણી લડે એને પણ ખબર પડે કે કેટલા વીઘે સો થાય.’
આજે ફરી એકવાર કોંગ્રેસને હાર ખમવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ પ્રચારમાં કંઈ બાકી નહોતું રાખ્યું. સોમા ગાંડાનું સ્ટીંગ પણ કરી આવ્યા હતા. જે વાઈરલ થયું હતું. કેટ કેટલા મુદ્દાઓ એમની સામે હતા. બેરોજગારીથી લઈને ખેડૂતો સુધીના. સૌથી મોટો મુદ્દો હતો પક્ષપલ્ટુ ઉમેદવારોનો જેમની રાજ્યસભાની ચૂંટણી પહેલા ટપોટપ વિકેટ પડવા માંડી હતી.
આ વિકેટો પડી એ સમયે હાર્દિક પટેલ મીડિયા જગતથી દૂર હતો. તેને કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો. યુવા અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ. તેની પાસે ભીડ ભેગી કરવાની તાકાત હતી. પાટીદાર આંદોલન વખતે તેણે ભીડ ભેગી કરી એ વાતનો પરચો આપી જ દીધેલો અને હવે ચૂંટણીના રણમેદાનમાં ભીડ એકઠી થાય તો એ તમને મત ન આપે તે સિદ્ધ પણ થયું.
સી.આર.પાટીલની જેમ આઠે આઠ બેઠકોના ગામડા તે ખૂંદી વળ્યો. લાવ-લશ્કર સાથે મત માગવા જતા હાર્દિક પટેલને જોઈ ચિક્કાર ભીડ ઉમટતી, પણ લાગે છે, કે ભીડનો ફાયદો આજે તેમને નથી મળ્યો. કેન્દ્રમાં યુવા અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની જે સ્થિતિ હતી એવી જ અહીં યુવા અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની સ્થિતિ થઈ ગઈ.
પરિણામ આવતાં આવતાં લાગી રહ્યું હતું કે એકાદ બે સીટો તો જીતી જશે. પણ એમાં પણ કંઈ વળ્યું નહીં. આઠે આઠ સીટો પર કોંગ્રેસનો રકાસ થયો. રીતસરના સુપડા સાફ થઈ ગયા.
કોંગ્રેસની પાર્ટી જીતે છે. કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. જનતાએ પક્ષપલ્ટુઓને જાકારો આપ્યો છે. આવો એક પણ શબ્દ મીડિયા ન બોલી શકી. તમામ અંક ગણિતો ખોટા પૂરવાર થયા. એક્ઝિટ પોલમાં તો સ્પષ્ટ હતું કે ભાજપને સાત બેઠકો મળે છે અને એક કોંગ્રેસના ખાતામાં જાય છે. એવું પણ ન થયું.
હાર્દિક પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આઠમાંથી એક હારીશું સાત તો જીતીશું જ. અર્જુન મોઢવાડિયા સી.આર.પાટીલની સામે મેદાને પડ્યા હતા. ચર્ચાનો દોર લાંબો ચાલ્યો હતો. જીભાજોડીની રમતમાં મીડિયાને બુલેટીન અને બ્રેકિંગ મળી ગયા હતા. અર્જુનભાઈએ જૂની યાદોનો પટારો ખોલતા કહેલું કે, ‘અમારા બે લઈ ગયેલા આજે બંને ઘેર બેઠા છે. આ વખતે આઠ લઈ ગયા બધા ઘેર બેસવાના છે.’
પક્ષપલ્ટુઓનો જે મુદ્દો હતો તે સપાટી પર લાવવાની નેતાઓએ ખૂબ કોશિશ કરી. પરેશ ધાનાણી ટ્વીટર પર લખતા હતા અને ટીકાઓ કરતા હતા. ‘‘પોતાનાને રાખ્યા અંદર અને પારકાને પંદર પંદર.’’ આવું તેઓ પહેલા કહી ચૂક્યા હતા. ટ્વીટર પર તેઓનું સક્રિયપણું દેખાતું હતું.
અમિત ચાવડાએ પણ જીત મેળવવામાં ખૂબ ભાગાદોડી કરી. અમે જીતીશું તેવો વિશ્વાસ તેઓ દરેક વખતે વ્યક્ત કરતાં હતા જેની આજે હાર થયેલી જોવા મળે છે.
કોઈ નેતા નક્કી ન હતું કરી શકતું કે પક્ષપલ્ટુઓને કેટલા રૂપિયા મળ્યા છે. કોઈ 15, કોઈ 16, કોઈ 25 જેવી વાતો થતી હતી. છેલ્લે સ્ટીંગ કરવામાં આવ્યું. ખેડૂતો અને બેરોજગારોનો એક મોટો પ્રશ્ન હતો. જેના પર ચાલીને કોંગ્રેસ પાર્ટી લડી હોત તો ચૂંટણીનું પરિણામ અલગ આવવાની શક્યતા દેખાતી હતી. તેની જગ્યાએ પક્ષપલ્ટુઓની આંતરીક ખટપટમાં પાર્ટી રહી. કોઈ નેતા 16 કરોડની નોટ મૂકે છે. સોશિયલ મીડિયામાં એ વાઈરલ થાય છે. હસી મજાક થાય છે.
સોમા પટેલના સ્ટીંગથી લાગતું હતું કે હવે ખરેખર કોંગ્રેસ કેટલીક બેઠકો તો આંચકી જશે પણ એવુંય કંઈ ન થયું. એ સ્ટીંગ તો ન થયું હોત તો સારું હતું.
ગુજરાતના પ્રભારી તરીકે રાજીવ સાતવ છે પણ કંઈ થયું નહીં. અમિત ચાવડા છે પણ કંઈ થયું નહીં. પાટીદારોના મતો અંકે કરવા અને લોકપ્રિયતાના કારણે હાર્દિક પટેલ પણ છે કંઈ થયું નહીં.
કોંગ્રેસ પાર્ટીમાં હવે ધરમૂળથી ફેરફાર કરવામાં આવે તો પણ કશું થવાની શક્યતા હાલ તો દેખાય નથી રહી, તેની પાછળનું મોટું કારણ એ છે કે લોકપ્રિયતાના માપદંડમાં બેસતા અને જેમને અત્યારે જનતા ઓળખે છે તેવા નેતાઓ આ જ છે. તેમના પછી કોઈ મોટો ચહેરો હાલ પૂરતો તો કોંગ્રેસમાં દેખાય નથી રહ્યો. પાર્ટીને નવસર્જન કરતાં ચિંતન બેઠકોની વધારે જરૂર છે.
હાર અને કોંગ્રેસ પાર્ટી એકબીજાની પર્યાય થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીને જીત અપાવવા માટે કેન્દ્રના નેતૃત્વમાં પણ નિરસતા વ્યાપી ગઈ હતી. આ પાછળનું કારણ એ પણ હોવું જોઈએ કે સામે બિહારની ચૂંટણી હતી. બિહારની ચૂંટણીના કારણે કહેવાતા મોટા નેતાઓ ત્યાં તંબુ તાણીને બેઠા હતા. ભાજપ અને કોંગ્રેસ આ બંનેના સ્થાનિક નેતાઓએ જ યુદ્ધના ધોરણે જીત મેળવવાની કામગીરી આદરી હતી. આજે આ કામગીરી ઉણી ઉતરતી દેખાય રહી છે.
કેન્દ્રમાં તો પાર્ટી બે ટર્મથી સત્તામાંથી બહાર છે પણ ગુજરાતમાં પચ્ચીસ વર્ષના વહાણાં વીતી ગયા છે. આ ત્રીજી વખત બન્યું છે. પ્રથમ વખત કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા ગયા, અલ્પેશ અને ધવલસિંહ ગયા અને હવે આઠ આઠ સીટો ચાલી ગઈ.
સમગ્ર ભારતમાં કોંગ્રેસ નબળી છે પણ ગુજરાતમાં સૌથી વધુ કહેવાય. રાજસ્થાનમાં ભાજપની ટર્મ પૂર્ણ થયા પછી ફરી સત્તામાં આવી. મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર અને ઝારખંડમાં હેમંત સોરેન સાથે સરકાર બનાવી. મધ્યપ્રદેશમાં પણ સત્તામાં રહી અને પછી ખદેડાઈ ગઈ, કર્ણાટકમાં ગઠબંધન તૂટ્યું, જોકે સત્તામાં થોડો સમય તો રહી. ગુજરાતમાં કોંગ્રેસ કલ્પનામાં સરકાર બનાવી શકે. એવી કલ્પના પણ થશે ?