Team Chabuk-Gujarat Desk: ‘નારી તું નારાયણી’ અન્નપૂર્ણા, લક્ષ્મી, સરસ્વતી આ બધા જ નારીઓના અલગ-અલગ સ્વરૂપ છે. આ સંદર્ભમાં આજનો દિવસ એટલે નારીના અનેક બલીદાનો, કાર્યો, શૌર્યગાથાઓને યાદ કરી તેમનું સન્માન કરવાનો દિવસ. આવા જ એક મહિલા ડિમ્પલબેન ભૂતને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યાદ કરીએ…. જે અભૂતપૂર્વ કાર્ય કરીને ‘મે કંઈ જ નથી કર્યું ’ તેવું માની, પોતાની ફરજ સ્વરૂપે દરેક ઉત્તરદાયિત્વ પૂરા ખંતથી નિભાવે છે. સમાજ સમક્ષ તેમની કામગીરીની યાદોને વાગોળીએ.
છેલ્લા ૨૩ વર્ષથી વિદ્યાસહાયક તરીકે કાર્ય કરનારા ડિમ્પલબેન ‘સામાન્ય કાર્ય કરું છું’ એમ કહી ઘણા અસામાન્ય અને બિરદાવવા લાયક કામ કરે છે. ગ્રામીણ વિસ્તાર કે જ્યાં અશિક્ષિત માનસિકતાવાળા વર્ગને શિક્ષણ અને વિજ્ઞાનનું મહત્વ સમજાવી, શાળા તરફ વાળ્યા. માત્ર એટલું જ નહીં તેમની પાસે વિજ્ઞાનમેળો પણ કરાવડાવ્યો. પ્રાચીન છે, તેમનામાં જ પડેલું છે, છતાં જેની શક્તિથી તેઓ પેાતે જ અજાણ છે. તેવા અનેક વર્ગને વૈજ્ઞાનિક દ્રષ્ટિ અર્પી, જ્યાં શાળાએ જવાને માત્ર સમયનો બગાડ ગણાતો, ત્યાં પ્રાયોગિક જ્ઞાન આપી, લોકોની વિચારશક્તિ બદલાવી, ગામડાની બહાર ન જતા વિદ્યાર્થીઓને ગાંધીનગર પહોંચાડી ૧૫૦ દિવસનો સમરકેમ્પ કરાવડાવ્યો. આ બધી ડિમ્પલેબન ભૂતની યશગાથાઓ છે.
પરીક્ષાના નામથી ડરનારા વિદ્યાર્થીઓને ડિમ્પલબેને દર શનિવારે પરીક્ષા દેવા માટે ઉત્સાહિત કરી, પ્રોત્સાહન પણ આપ્યું. શ્રેષ્ઠ ગુણ લાવનારા વિદ્યાર્થીઓ માટે પોતાની જાતે તેમના માટે અલગ-અલગ ઈનામ રૂપી શાળાનાં લોગોવાળા સ્ટીકર્સનું પણ ક્રીએશન કર્યું. જ્યાં શાળાની વિદ્યાર્થીનિઓની સંખ્યા માત્ર વેઢે ગણાવી શકાય તેટલી હતી, ત્યાં હવે વર્ગમાં ખાલી જગ્યા ન દેખાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
દૂરથી આવતાં વિદ્યાર્થીઓ માટે પરિવહનની સુવિધા કરાવડાવી, જે વિદ્યાર્થીઓ ફી ન ભરી શકે તેમને નિ:શુલ્ક ટ્યુશન ક્લાસીસ આપ્યા. ઝુપડપટ્ટીમાં જઈને અપશબ્દો સાંભળીને પણ, તેમના બાળકોને જ્ઞાન અર્પણ કર્યું. જેને માટે માત્ર વિદ્યાર્થીઓને જ નહિં પણ શિક્ષકોને પણ પ્રોત્સાહિત કર્યા. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ કે પ્રચાર વગર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની જરૂરીયાત પૂરી કરી.
એક સ્વસ્થ પરીક્ષાત્મક અને સાતત્યપૂર્ણ જ્ઞાન અર્પવા ગુણની જગ્યાએ ગ્રેડ આપી સૌથી વધારે વખત ગ્રેડ મેળવનારને પ્રોત્સાહિત કરાયા. જયાં તેમની બદલી થાય, ત્યાં સર્વે કરીને દરેક જગ્યાએ કોઈ ને કોઈ બદલાવ કરતા ડિમ્પલબેન હાલ ભૂણાવા ગામ ખાતે શિક્ષક તરીકેની ફરજો બજાવે છે. જે ત્યાં અભ્યાસ કરતાં દરેક બાળકના આઈકોન છે. જેમને હાલ પી.એન.આર. સોસાયટી દ્વારા આઈ.સી.ટી.(ઇન્ફર્મેશન કમ્પ્યુટર ટેકનોલોજી) વર્ક માટે પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
બાળકોને અક્ષરજ્ઞાન સાથે શારીરિક સ્વાસ્થ્યનું જ્ઞાન આપવાના હેતુથી મ્યુઝિક સાથે દરરોજ ૧૦ મિનિટ યોગાસન કરાવતા અને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ ચિત્ર સાથે પ્રવૃત્તિ કરાવતા ડિમ્પલબેન ખરેખર દરેક નાગરિક માટે આત્મવિશ્વાસનું એક ઉદાહરણ છે.
સરકારી નોકરી મેળવ્યા બાદ માત્ર પોતાનાં કાર્યકાળમાં જેટલું કાર્ય થાય, તેટલું કરશું તેવું વિચારવાને બદલે તેમણે ખુદ ગામડામાં ફરી-ફરીને લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું. જ્યાં રસ્તા ખરાબ હતા, વિદ્યાર્થીઓ દૂર રહેતા હતા, ત્યાં વાહનોની સુવિધા કરાવડાવી, ખરેખર બાળકોને સાક્ષર બનાવડાવ્યા, જે બદલ અન્નપૂર્ણા ફાઉન્ડેશને નારીરત્ન એવોર્ડથી તેમને નવાજયા. ડિમ્પલબેનનું માનવું હતું કે, કામને માત્ર કામ ગણી પુરું કરવાને બદલે એક જવાબદારી સમજી કોઈ પણ ભાર વગર કરવામાં આવે ત્યારે ખુદ ભગવાન પણ આપણી સાથે રહેતો હોય છે.
આપણી પાસે રસોડાની બધી વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા પુરતો જ કરવો કે પછી અમુક વખત દાઝયા ઉપર કે અન્ય કોઇ રોગોમાં ઔષધિ તરીકે પણ કરવો તે વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. અને આપણા સમાજને આવા જ વિચાર ધરાવનાર માણસોની જરૂરીયાત છે.
તાજતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત