Homeગુર્જર નગરીખેલાડીઓને ચુસ્ત અને ઉર્જાવાન રાખવાની મહત્વની જવાબદારી વડોદરાની આઠ મહિલા કોચ ઉપર,...

ખેલાડીઓને ચુસ્ત અને ઉર્જાવાન રાખવાની મહત્વની જવાબદારી વડોદરાની આઠ મહિલા કોચ ઉપર, જેમાં ફક્ત બે જ ગુજરાતી મહિલાઓ છે

Team Chabuk-Gujarat Desk: જે કર ઝુલાવે પારણું એ જગત પર શાશન કરે… માતા જીજાબાઇ અને દુધમલ શિશુને પીઠ પર બાંધીને યુદ્ધમાં ઉતરેલા મહારાણી લક્ષ્મીબાઈ સહિતની વીર નારીઓએ માતૃ શક્તિની મહિમા કરતું આ સૂત્ર સાર્થક કર્યું છે. જો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત વડોદરાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં આ સૂત્ર થોડુંક જુદી રીતે સાકાર થયેલું જોવા મળે છે. અહીં વિવિધ રમતોના ૨૦ જેટલા કાયમી કે કરાર આધારિત કવોલીફાઇડ કોચ રાજ્ય અને દેશ માટે શ્રેષ્ઠ રમતવીરોનું ઘડતર કરવા પરિશ્રમ કરી રહ્યાં છે. આ પૈકી આઠ કોચિસ મહિલા છે. એટલે અહીંના સંદર્ભમાં કહી શકાય કે જે કર ઝુલાવે પારણું એ ઉત્તમ ખેલાડીઓ નું ઘડતર કરે.

એથી પણ આગળ વધીએ તો અહીં ચાર જેટલી દીકરીઓ કરાર આધારિત ફિઝિયો અને ન્યુટ્રી કોચ તરીકે ખેલાડીઓ ને ચુસ્ત અને ઉર્જાવાન રાખવાની મહત્વની જવાબદારી સંભાળી રહી છે. મંગળવારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થવાની છે ત્યારે નારી શક્તિ સાથે સંકળાયેલી આ ઘટના ગૌરવ લેવા જેવી છે. મહિલા સશક્તિકરણ નો જીવતો જાગતો દાખલો અહીં વિદ્યમાન છે. રમતની તાલીમ એ અત્યાર સુધી બહુધા પુરુષોના આધિપત્યનું ક્ષેત્ર રહ્યું છે.ત્યારે આ જમીની હકીકત દર્શાવે છે કે આ ક્ષેત્રમાં પણ હવે પ્રવાહ પલટાઈ રહ્યો છે. એક બીજી વાત અહીં નોંધવી જરૂરી છે. આ ૮ પૈકી લગભગ ૬ મહિલા કોચ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ જેવા રાજ્યોમાં એમના મૂળ ધરાવે છે. જ્યારે માત્ર બે કોચ ગરવી ગુજરાતણ છે. એટલે આ ક્ષેત્રમાં ગુજરાતની દીકરીઓ ને પ્રોત્સાહિત કરવાની જરૂર વર્તાય છે.

વિશ્વા ધિમાં

વિશ્વા ધિમાં બાસ્કેટબોલના જિલ્લા કોચ છે. એમના પિતાને ક્રિકેટર બનવું હતું પણ દાદા ની ધાકને લીધે ના બની શક્યા એટલે એમણે દીકરા દીકરીઓ ને સ્પોર્ટ્સ કેરિયર બનાવવા પ્રોત્સાહિત કર્યાં. ઉત્તર પ્રદેશના સહારનપુર ના વિશ્વા રમત સ્નાતક, અનુસ્નાતક અને ભારતીય રમત પ્રશિક્ષણ સંસ્થા (એન.આઇ.એસ.) નો રમત પ્રશિક્ષણ ડિપ્લોમા જેવી લાયકાતો ધરાવે છે. બચપણ થી બાસ્કેટબોલ નું આકર્ષણ હતું. જો કે હું આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન સાકાર ન કરી શકી એટલે હવે ગુજરાત – ભારતનું નામ રોશન કરે એવા બાસ્કેટબોલ પ્લેયર મારે ઘડવા છે એવી વિશ્વાની લાગણી છે.તેમની પાસેથી કોચિંગ મેળવી ૧ છોકરો અને ૪ છોકરીઓ ઇન્ડિયા કેમ્પ માટે પસંદ થયાં અને એક ખેલાડી ઇન્ટરનેશનલ સુધી પહોંચ્યો એનું એમને ગૌરવ છે.

સલોની રત્નેશ પ્રસાદ

એથલેટિક કોચ સલોની રત્નેશ પ્રસાદના પિતા જમીનદાર એટલે કે મોટા ખેડૂત હતા. એમની શાળાના શિક્ષકને સલોનીમાં ખેલાડી બનવાની ક્ષમતા જણાઈ અને ૧૦ હજાર મીટરની દોડમાં ભાગ લેવડાવ્યો. એમાં વિજેતા બનતા તેઓ એથલેટિકની દિશામાં વળ્યા. તેઓ કહે છે કે મને એસ.એ.જી.ની પી.ટી.ઉષા એકેડમીમાં આદર્શ એથલીટ પી.ટી. ઉષાની સાથે કોચિંગ આપવાની તક મળી અને મેં રાજ્યના દીકરા દીકરીઓને ઉમદા કોચિંગ દ્વારા જિલ્લા રમત સ્કૂલ અને એકેડેમી માં પ્રવેશને પાત્ર બનાવવાનો સંકલ્પ કર્યો. છેલ્લા બે વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધા જીતતો લલિત નિષાદ એમનો તાલીમાર્થી છે. તેમણે તૈયાર કરેલા ચાર થી પાંચ રમતવીરો નેશનલ રમે છે. એક તાલીમાર્થી દીકરીને રમત ક્વોટામાં પોસ્ટ વિભાગમાં તો અન્ય એક દીકરાને રમત નિપુણતા ને લીધે સેનામાં નોકરી મળી છે.

પ્રિયંકા રાજ્યગુરૂ

ટેબલ ટેનિસના કોચ પ્રિયંકા રાજ્યગુરૂ ના માતા રાજ્ય સ્તરના ટી.ટી.ખેલાડી હતા. તેઓ ભાવનગરના વતની છે અને આ શહેર ટી.ટી.ખેલાડીઓની ખાણ જેવું છે. પ્રિયંકાને બચપણથી જ ભાવનગરના કૃષ્ણ નગર સંસ્કાર મંડળ સંચાલિત સ્પોર્ટ્સ એકેડમીમાં આ રમતનું ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ મળ્યું એમણે રમતવીર માતાનો વારસો આગળ ધપાવ્યો. ખેલ મહાકુંભમાં અને નેશનલમાં સારા દેખાવને પગલે એમને કોચિંગ ની તક મળી. એમના પતિ  અને શ્વસુર, બંને જાણીતા ચેસ કોચ છે. તેમના દ્વારા પ્રશિક્ષિત ૫થી વધુ છોકરા છોકરીઓ નેશનલ સુધી પહોંચ્યા છે.

વંદના પટેલ

ટેનિસ કોચ વંદના પટેલને માંડ કોલેજ શિક્ષણ લેવાની છૂટ મળી. એમના ઘરમાં ખૂબ પાબંદી હતી અને રમવાની તો છૂટ જ ન હતી. ત્યારે ટેનિસ કોચ બનવાની એમની સિદ્ધિ વિરલ ગણાય. યુનિવર્સિટીમાં અન્ય રમતો રમવાની શરૂઆત કરી પણ એમનું મન બાજુના કોર્ટ પર રમાતી ટેનિસની રમતમાં લાગ્યું. પૈસા બચાવી રેકેટ ખરીદ્યું અને ટેનિસ રમવાની શરૂઆત કરી. ટેનિસ કોચિંગમાં અનુસ્નાતકની પદવી ધરાવતા ગુજરાતના પ્રથમ મહિલા ટેનિસ કોચ છે વંદના. તેઓ કહે છે કે આ મોંઘી રમત છે એટલે તેના પર ભદ્ર સમાજની રમત નો સિક્કો વાગી ગયો છે. એટલે મારું ઘ્યેય જેને રસ પડતો હોય તેવા તમામ બાળકોને ટેનિસ રમતાં કરવાનો છે. તેમની માંડ ૫ વર્ષની દીકરી દેવાંશિકા પીઢ ખેલાડીની જેમ કોર્ટમાં મૂવમેન્ટ કરે છે અને દીકરીના લક્ષણ પારણામાંથી ની અનુભૂતિ કરાવે છે. વંદના કહે છે કે રમત હોય કે જીવનનું કોઈપણ ક્ષેત્ર,જાતે નિર્ણય લેવાની ક્ષમતા કેળવો તો જ લક્ષ્ય સિદ્ધ થાય.તેમની પાસે ૫૭ જેટલા દીકરા દીકરીઓ તાલીમ લઈ રહ્યાં છે.

ક્રિષ્ણા પંડ્યા

સ્વિમિંગ કોચ ક્રિષ્ણા પંડ્યાના ઘરમાં આમ તો રમતનું કોઈ વાતાવરણ ન હતું. તેમના પિતાને નદીમાં તરવાનો શોખ હતો. એટલે નવસારીમાં પહેલો સ્વિમિંગ પુલ બન્યો ત્યારે તેમણે ક્રિષ્ણાને ત્યાં તરણની તાલીમ અપાવી. તેઓ લાઇફ ગાર્ડ કે કોચ વગર જ તરતા શીખ્યા અને આ રમતમાં નેશનલ સુધી પહોંચ્યા. આજે તેઓ સ્વિમિંગ ઉપરાંત ટ્રાયથ્લોન અને સાયકલિંગ ની તાલીમ આપી રહ્યાં છે. રમત વિજ્ઞાનમાં અનુસ્નાતક ક્રિષ્ણા એ એન.આઇ.એસ. પટિયાલાથી ખેલ પ્રશિક્ષણનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે રાજ્યકક્ષાના ૭૦થી વધુ મેડલિસ્ટ સ્વિમર તૈયાર કર્યા છે. તેમની તાલીમાર્થી રિદ્ધિ કદમ હાલમાં ટ્રાયથ્લોનમાં ઇન્ટરનેશનલ માટેના કેમ્પમાં તાલીમ માટે પસંદ થઈ છે તો તેમની તાલીમ હેઠળના ૩ દીકરીઓ અને ૨ દીકરા સ્વિમિંગ માં નેશનલ સુધી પહોંચ્યા છે.

પ્રમિલા જેકબ

મૂળ કેરળના પ્રમિલા જેકબનો પરિવાર મધ્ય પ્રદેશમાં સ્થાયી થયો અને આજે તેઓ હોકી કોચ તરીકે ગુજરાતમાં પ્રશિક્ષણ આપી રહ્યાં છે. તેઓ કહે છે કે ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૧ હજારથી વધુ બાળકોને હોકી રમતાં શીખવ્યું છે. એન આઇ.એસ.નો ખેલ પ્રશિક્ષણ ડિપ્લોમા ધરાવતા પ્રમિલાના પિતા અને ભાઈ ફૂટબોલ તો માતા એથલેટિકના ખેલાડી હતા અને પરિવારનો આ રમત વારસો તેઓ હોકી કોચ તરીકે આગળ ધપાવી રહ્યાં છે. પ્રમિલા ઉપરાંત ઉષા નાયર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હેઠળની મોટા ફોફ્લિયા જિલ્લા કક્ષાની રમત સ્કૂલ ખાતે હોકીનું પ્રશિક્ષણ આપી રહ્યાં છે, તો પુષ્પા માલવિયા પીસ્ટલ અને રાયફલ શૂટિંગ એટલે કે નિશાનેબાજીની તાલીમ આપી રહ્યાં છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલા કહે છે કે આ મહિલા રમત પ્રશિક્ષકો તેમના સાથી પુરુષ ખેલ પ્રશિક્ષકો જેટલા જ જોમ અને જુસ્સા થી તાલીમ આપે છે. સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં પણ તેમનું યોગદાન ઉલ્લેખને પાત્ર છે. આ મહિલા કોચિસનું કહેવું છે કે માતા પિતા અને પરિવારનું પીઠબળ રમતવીર બનવામાં ખૂબ મદદ કરે છે.ખેલ જગતમાં આજે ઉજ્જવળ કારકિર્દીની તકો ઉપલબ્ધ છે.રમતની શ્રેષ્ઠ સંસ્થાઓ ની સાથે ઉમદા કોચિંગ મેડલ વિજેતાઓ નું ઘડતર કરી શકે છે.

પોષણ માર્ગદર્શક

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના છત્ર હેઠળ ૮ યુવતીઓ તો વિવિધ રમતોના કવોલિફાઇડ કોચ તરીકે કાર્યરત છે જ અને તેની સાથે ચાર યુવા પ્રોફેશનલ દીકરીઓ યોગ, ફિઝિઓ અને ન્યુટ્રી કોચ તરીકે સેવાઓ આપી રહી છે. આ પૈકી જીલ ઠાકોર યોગ પ્રશિક્ષક છે તો યેશા પાઠક ન્યુટ્રી કોચ એટલે કે પોષણ માર્ગદર્શક છે તો વિધિ ત્રિવેદી અને શિલ્પીન ખૈરે ફિઝીઓથેરાપિસ્ટ છે. ખેલાડીને માત્ર રમતાં આવડે એટલું પૂરતું નથી. એને રમતો અને જીતતો રાખવા ચુસ્ત, ઉર્જાવાન અને સ્થિર મનનો રાખવો જરૂરી છે અને આ ચારેય દીકરીઓ રમતવીરો/વીરાંગનાઓ ને ચુસ્ત,સ્ફૂર્તિલા, ઉર્જાવાન અને દ્રઢ મનોબળ વાળા રાખવાનું ખૂબ અગત્યનું કામ કરે છે. તેમના લીધે વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ નું પણ કેન્દ્ર બન્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments