Team Chabuk-Gujarat Desk: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહે. આ કહેવને સાર્થક કરતો એક કિસ્સો ઉત્તર ગુજરાતમાં બન્યો છે. આરોપીઓએ એક નહીં પરંતુ બે-બે શખ્સોને છેતર્યા છે. લોકોને નિર્વસ્ત્ર જોવાની અને જમીનની 10 ફૂટ અંદર જોવાની લાલચે ફરિયાદીઓએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. જો કે, મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે બે કેસમાં કુલ 5 આરોપીને ઝડપી લીધા છે જ્યારે કુલ 15 શખ્સો વિરુદ્દ ગુનો નોંધ્યા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, હિંમતનગરના મોતીપુરામાં સહયોગનગર સોસાયટીમાં રહેતા અને કૈલાસ ભેળ પકોડીનો મોતીપુરા બસ સ્ટેશનમાં તથા જામનગરમાં ચુલા ઢોસાનો વ્યવસાય કરતાં કાળુ રામલાલ તૈલી બે વર્ષ અગાઉ સાબરડેરી નજીકના તેમના મિત્રના ગેરજ પર નરેન્દ્રસિંહ હઠીસિંહ પરમાર (રહે. પોલાજપુર) અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણો પરમાર (રહે. મહુડી તા. વિજાપુર) નામના શખ્સોને મળ્યા હતા.

આ બંને આરોપીઓએ માણસને કપડા વગરનો જોઇ શકાય તેવા ચશ્મા વરતોલના ભમરસિંહ ચૌહાણ અને બડોલીનો રફીક ઉર્ફે રાજુ મનસુરી લઇ આપતા હોવાની વાત કરી હતી. ચશ્માની વિશેષતાઓ જણાવતાં કહ્યું હતું કે, “આ ચશ્માથી માણસને કપડા વગરનો અને જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય છે. ગુપ્ત ખજાનો હોય તો પણ મળી શકે છે” એટલું જ નહીં આરોપીઓએ આ ચશ્મા ખરીદવાની ઓફર આપી કહ્યું હતું કે, “તમારે આવા ચશ્મા લેવા હોય તો 50 લાખ ખર્ચવા પડશે”
એટલું જ નહીં આરોપીએ કાળુ તૈલીને ચશ્મા બતાવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. અઠવાડિયા પછી એક પાર્ટી ચશ્મા જોવા આવવાની છે તમારે જોવા હોય તો આવી જજો. અઠવાડિયા બાદ પ્લાન મુજબ આરોપીઓના જ માણસો ચશ્મા જોવા આવ્યા. અને ચશ્મા ખરીદી લેવાય તેવી સલાહ આપી.

કાળુ તૈલીએ ચશ્મા પહેરીને જોવાનો આગ્રહ કરતાં આરોપીઓએ પૈસાની વાત કરી હતી અને ચશ્માની (ચેકર)- ચકાસણી કરનારાને લાવવાનું કહ્યુ હતું. કાળુભાઇને ચશ્માનો મોહ એટલો લાગ્યો કે તા.02-11-20 ના રોજ સાડા ત્રણ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા અને તા.05-11-20 ના રોજ રૂ.1 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ ચેકર તરીકે કૌશિકભાઇ સુરત વાળાને લઇ ગલીયાકોટ ગયા હતા. પૈસા આપ્યા વગર ચશ્મા જોવા ન મળે પહેલા રોકડા આપવા પડશે કહેતા બધા છૂટા પડ્યા હતા.
કાળુ તૈલીએ 17-02-21 ના રોજ ફરીથી રૂ.70 હજાર ભમરસિંહ અને રફીકને આપ્યા હતા ચશ્માની ડિલિવરી કે જોવા ન મળતા પૈસા પરત માંગતા એકબીજા પર ઢોળતા હતા. આમ પકોડીવાળાને ચશ્માની લાલચ કુલ 5.20 લાખ રૂપિયામાં પડી હતી.5 આરોપીઓ પૈકી નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી (ડામોર) ની વિરુદ્વ વર્ષ 2014 માં લુણાવાડા પેટ્રોલપંપ પર થયેલ મારા મારીના ગુનામાં બાકોર પોલીસે લૂંટ વિથ મર્ડરના ગુનામાં પકડ્યો હતો.

આ ઉપરાંત બીજા કેસમાં ઊંઝાના મહેરવાડાના અને જમીન દલાલી કરતા અરવિંદ માધવલાલ પટેલને છેતર્યા હોવાનો આરોપ છે. તેઓ ચારેક વર્ષ અગાઉ ફર્નિચરને લગતું કામ હોઇ ઇડરમાં ચાંદની પીવીસી ફર્નિચર નામની દુકાન ચલાવતા સલીમભાઇ સત્તારભાઇ મનસુરી (રહે. અમનપાર્ક ઇડર) ના પરિચયમાં આવ્યા હતા. ગત તા. 08-04-22 ના રોજ સાંજે વાગ્યે સલીમ મનસુરીએ ફોન કરીને કહ્યું કે, “કોઇ પણ માણસને નગ્ન જોઇ શકાય તેવા ચશ્માવાળી પાર્ટીની મને લાઇન મળી છે. આ ચશ્માથી જેનાથી જમીનથી નીચે 10 ફૂટ સુધી દાટેલ મેટલ પણ જોઇ શકાય છે.”
અરવિંદ પટેલે ઇરેડીયમ નામની મેટલ સર્ચ કરતા કિંમત લાખો ડોલરમાં હોવાથી વાત સાચી લાગી. તા.09-04-22 ના રોજ અરવિંદભાઇ ઇડર આવી સલીમભાઇએ રફીક ઉર્ફે રાજુ હસનભાઇ મનસુરી અને સીકંદર મિયા સયદુમિયા મકરાણી સાથે મુલાકાત કરાવી હતી. બંનેએ રાજસ્થાનના નરવરસિંહ માંગુસિંહ સોલંકી પાસે આ ચશ્મા હોવાનું કહ્યું હતું. આરોપીઓએ પૈસા ખર્ચનારા કોઇ હોય તો તેને આ ચશ્મા અપાવવાનો ભરોસો આપ્યો હતો. સાથે જ આરોપીઓએ અરવિંદ પટેલને પણ ચેકરની વાત કરી હતી. જેથી અરવિંદ પટેલે જનક કલ્યાણી નામના શખ્સનો સંપર્ક કર્યો હતો અને તેની ફી નક્કી કરી હતા.તા.16-04-22 ના રોજ આ ટોળકી સાથે ડુંગરપુર પહોંચી ગયા હતા.

હોટલમાં રોકાણ દરમિયાન નરવરસિંહ સોલંકી તરફથી આવેલ નીધરાજ ધનરાજ મીણા નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી. જ્યાં તેની સાથે નરેશ મીણા નામનો શખ્સ પણ હતો. તેમણે ચશ્મા લઇને આવ્યાનું અને ચેકર સિવાય ચશ્મા જોવા નહી મળે તેવું કહ્યું હતુ. અરવિંદભાઇએ જનક કલ્યાણીને ફોન કરતાં પોતે ડુંગરપુર આવી શકે તેમ ન હોવાનું અને વડોદરાનો ફેનીલ શાહ નામનો ચેકર અત્યારે ત્યાંજ હોવાનું જણાવતા ફેનીલને બોલાવ્યો હતો. ફેનિલે ચશ્મા પહેર્યા બાદ, “રેડીયેશન પાવરફૂલ છે આંખોમાં બળતરા થાય છે કહી ગમે તે ભાવે ખરીદી લેવા જણાવ્યું હતું”

ચશ્મા ચેક થયાના નાટક બાદ અરવિંદ પટેલ વિશ્વાસમાં આવી ગયા હતા અને તેમણે ચશ્મા ખરીદવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે અરવિંદ પટેલે આરોપીને દોઢ લાખ રૂપયા પણ આપી દીધા હતા. જો કે, બીજી તરફ ચશ્માના નામે છેતરપિંડી થવાની હોવાની બાતમી પોલીસને મળી ગઈ હતી. જેને લઈને પોલીસે ઈડર રોડ પર ધાણધા ફાટક પર વોચ રાખી હતી અને ચશ્મા વેચવા આવનારા પાંચ શખ્સોને એન્ટીક જેવા દેખાતા ચશ્મા સહિત ઝડપી લીધા હતા. સાથે જ 1.50 લાખ રોકડ, 1 કાર અને 6 મોબાઇલ જપ્ત કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત