Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લાના આટકોટમાં બનેલી શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજ રોજ રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજકોટથી વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે આટકોટ પહોંચ્યા હતા. જ્યાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ભરત બોઘરા, પ્રમુખ બાબુ અસલાલિયા સહિતના ટ્રસ્ટીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
આટકોટ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃશ્રી કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની રિબિન કાપી હતી અને ત્યારબાદ દિપ પ્રજવલ્લિત કર્યો હતો અને તકતીને ખુલ્લી મૂકીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલના દરેક વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી તમામ સુવિધાઓને નિહાળી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલની સામે આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા.
સભા સ્થળે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ ઉપરાંત સી.આર.પાટીલે મોમેન્ટો અર્પણ કર્યું હતું. ડો. ભરત બોઘરાએ વડાપ્રધાનને પાઘડી પહેરાવી હતી અને જસદણનું પ્રખ્યાત ઈલેક્ટ્રિક આરતીનું મશીન ભેટમાં આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે આનંદ છે કે, માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સ્વાસ્થ્ય વ્યવસ્થાને વધુ સારી બનાવશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 20 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે.

ભરત બોધરા અને પટેલ સેવા સમાજે જે કામ કર્યુ છે, તેના માટે તમે સૌને અભિનંદન આપું તેટલા ઓછા છે. આમાંથી પ્રેરણા લઈ અનેક લોકો સમાજ માટે કંઈને કંઈ કરવાની ઈચ્છા રાખશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું આશા રાખીશ કે મેં લોકાર્પણ કરેલી આ હોસ્પિટલમાં કોઈ પણ લોકોને આવવું ન પડે. અને જો આવવું પડે તો પહેલાં કરતાં વધુ સ્વસ્થ થઈને જાય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, રાજકોટના આટકોટમાં આજે આનંદનો અવસર છે. આટકોટમાં પ્રધાનમંત્રી આજે આવ્યા છે અને તેમની સરકારે 8 વર્ષ તાજેતરમાં જ પૂર્ણ કર્યા છે. આ હોસ્પિટલ સમગ્ર જસદણ માટે આર્શીવાદ સમાન બની રહેશે. આ એક ગરીબોના સ્વાસ્થય સેવાનો યજ્ઞ છે.
હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડો.ભરત બોઘરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પંચાલની ધરતી પર આજે સોનાનો સૂરજ ઊગયો છે. આપણે ગામડામાં નથી રહેતા પરંતુ આપડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિલમાં રહીએ છીએ. આ હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓની સારવાર કરવામાં આવશે. તેમની પાસે પૈસા હોય કે ન હોય અહી તેમની સારવાર કરવામાં આવશે. આયુષ્માન કાર્ડ ધારકોને હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળશે આ ઉપરાંત જે લોકો પાસે આયુષ્માન કાર્ડ નહીં હોય તેઓને હોસ્પિટલમાંથી જ કાર્ડ નીકળી શકે તે માટે આયુષ્માન ડેસ્ક બનાવવામાં આવ્યું છે.
આ હોસ્પિટલથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં જવું નહિ પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦ બેડની આ નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્કીન અને ડેન્ટલ ઉપરાંતના કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગ્રેસ્ટ્રોલોજી અને કેન્સર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને રાજય સરકારની મુખ્યમંત્રી અમૃતમ (માં) અને ભારત સરકારની આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
