Team Chabuk-Gujarat Desk: હરિયાણા અને ઝારખંડ બાદ ગુજરાતમાં પણ પોલીસ કર્મીને કચડી નાખવાની દર્દનાક ઘટના સામે આવી છે. રાજ્યના બોરસદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કર્મીને ટ્રક ચાલકે કચડી નાખતા પોલીસ કર્મીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના બોરસદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીએ ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઈવરે ટ્રક ભગાવી મૂકતાં પોલીસકર્મીએ તેનો પીછો કર્યો હતો, જેમાં ટ્રકને ઓવરટેક કરીને રોકવાનો પ્રયત્ન કરતાં ડ્રાઈવરે પોલીસ કર્મી પર ટ્રક ચડાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસ જગતમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ ઘટના બાદ પોલીસ કર્મીનો સમગ્ર પરિવાર પણ શોકમય થઈ ગયો છે.
બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી હતી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવાનું કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જો કે કિરણસિંહનું સારવારમાં મોત નિપજ્યું હતું.
આ અંગે આણંદ ડીએસપી અજિત રાજ્યાણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાનની ટ્રક હાલ પોલીસ જાપ્તામાં છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક પણ ઝડપાઈ છે. પોલીસે આરોપી સામે માનવ વધની કલમ લગાવવાની તૈયારી શરૂ કરી છે.ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને હાજર થવા જણાવવામાં આવ્યું છે.

મહત્ત્વનું છે કે કિરણસિંહ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત હતા. તેમને પરિવારમાં બે સંતાન છે, જ્યારે ચાર વર્ષ અગાઉ જ તેમનાં પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ, બે સંતાનની જવાબદારી તેમના પર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાને માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ભારે શોકમય બની ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
