Team Chabuk-Gujarat Desk: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં માતા-પુત્રીના મોત બાદ પુત્રએ પણ અંતિમ શ્વાસ લીધા છે. હાલ પિતાની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. સરથાણા વિસ્તારના યોગીચોક વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીનો આ બનાવ છે. જ્યા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટલ નજીક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દવા પીધા બાદ ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ માતા-પુત્રીએ દમ તોડી દીધો હતો અને માતા-પુત્રીના મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો છે. હાલ પિતાની સારવાર ચાલી રહી છે. મૃતક પુત્રએ હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયો હતો. જો કે આર્થિક સંકડામણમાં રત્નકલાકારના પરિવારે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક મોટો દીકરો મિત્ર સાથે બહાર ગયો હોય અને એક દીકરી માસીના ઘરે ગઈ હોય તે બચી ગયા છે. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવજે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, સરથાણા વિસ્તારની વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના શિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા (ઉં.વ.55) હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સુનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બાદમાં સુનિતાનું પણ મોત થયું હતું અને આજે પુત્ર ક્રિશનું પણ મોત થયું છે. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરી રહ્યા હતા અને હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલતી હોવાથી આર્થિક ભીંસના કારણે પરિવાર સાથે ઝેરી દવા પીધી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આત્મહત્યા કરવાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઝેરી દવા પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ઘટનાસ્થળે દોડી જઈ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.
પિતરાઈ ભાઈ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, વિનુભાઈ મારા મોટા પપ્પાનો દીકરો છે. મારા ભાભી અને એક ભત્રીજીનું મૃત્યું થયું છે. જ્યારે ભાઈ અને ભત્રીજો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાઈને કોઈનું દબાણ હતું નહીં.પરંતુ તેમણે આ પગલું કેમ ભર્યું તેની કોઈ જાણ નથી. સુરતમાં ચાર-પાંચ વર્ષથી પરિવાર સાથે રહે છે. વિનુભાઈ પોતે હીરાના કારખાનામાં કામ કરી રહ્યા છે. મોટો દીકરો કોલેજ કરે છે અને બે દીકરીઓ ઘરે સંચા ચલાવીને સિલાઇ કામ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
