Homeગુર્જર નગરીગુજરાત સરકારને હાઈકોર્ટે ખખડાવી નાખી

ગુજરાત સરકારને હાઈકોર્ટે ખખડાવી નાખી

ગુજરાતમાં કોરોના બેફામ બન્યો છે. દિવાળી બાદ સ્થિતિ વધુ વણસતાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 1500થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કારણે વણસી રહેલી સ્થિતિને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને ગંભીર બનીને કડક પગલાં લેવા આદેશ કર્યો છે. આજે કોરોનાની હાલની સ્થિતિને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારને ખખડાવી નાખી છે.

ગુજરાતમાં માસ્ક ન પહેરવા મુદ્દે દંડનીય કાર્યવાહી ચાલુ હોવા છતાં ઘણા લોકો નિયમોને નેવે મૂકીને માસ્ક પહેરવાનું સમજતાં નથી ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરીને સરકારને આદેશ આપ્યો હતો કે જે લોકો માસ્ક નથી પહેરતાં તેઓને દંડ તો કરવામાં આવે જ સાથે સાથે આવા લોકોને કોવિડ સેન્ટરમાં કામ કરાવવામાં આવે. હાઈકોર્ટે સરકારને આ આદેશ કર્યો હતો. પરંતુ સરકાર માસ્ક નહીં પહેરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કામ કેવી રીતે કરાવવું તેવી અવઢવમાં છે.

હાઈકોર્ટે કરેલા આ આદેશ બાદ આજે આ મુદ્દે ગુજરાત સરકારને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનો હતો. આ મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, ‘સરકાર માસ્ક નહીં પહેરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કામ કરાવવા માટે અક્ષમ છે.’ આમ કોવિડ સેન્ટરમાં કામ કરાવવા અંગે સરકારે હાઈકોર્ટ સમક્ષ અસમર્થતા દર્શાવી હતી. સરકારના આ જવાબથી હાઈકોર્ટ નાખુશ થઈ અને સરકારને આ મુદ્દે ખખડાવી નાખી.

માસ્ક નહીં પહેરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કામ કરાવવા અંગે ગુજરાત સરકારે અસમર્થતા દર્શાવતા ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘સરકાર અક્ષમ છે તેવો જવાબ વ્યાજબી નથી. નિયમોનું કડક પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે.’

ગુજરાત સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ‘હાલનો સમય ખૂબ જ ગંભીર છે. જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ બગડશે. તેથી આ સમય કડક પગલાં લેવાનો છે.’ હાઈકોર્ટે સરકારને આદેશ આપતાં જણાવ્યું કે, ‘તુરંત કાર્યવાહી કરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ કાબુમાં આવશે. તેથી લોકોને નિયમોનું પાલન કરાવવામાં આવે.’

દિવાળીના તહેવાર બાદ ગુજરાત સરકારે કડક નિયમો જાહેર કર્યા હતા. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ પણ જાહેર કરી દીધો છે. લગ્ન કે અન્ય કાર્યક્રમોમાં પણ 200 લોકોની સંખ્યા ઘટાડીને 100 લોકોની કરી દેવામાં આવી છે. તેમ છતાં દિવસે દિવસે કોરોનાના કેસના આંક વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી દરરોજ 1500 ઉપર પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસમાં વધારો થતાં હોસ્પિટલોમાં પણ જગ્યા ભરાઈ રહી છે. ત્યારે હાઈકોર્ટે રાજ્યમાં વધુ સ્થિતિ વણસે નહીં તે માટે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી છે.

હાઈકોર્ટે ગુજરાત સરકારને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, ગમે તે ભોગે નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને જો આમને આમ ચાલતું રહેશે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ બગડશે તેવી ચિંતા પણ હાઈકોર્ટે વ્યક્ત કરી છે. ત્યારે હવે હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકાર નિયમોના પાલન માટે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે. સાથે જ લોકોએ પણ નિયમોનું જાતે જ પાલન કરવાનું ભૂલવું ન જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments