નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને કોઇપણ જાતની હાલાકી ભોગવવી ન પડે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ સઘન પ્રયાસોના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા અન્ય દર્દીઓ કરતા ઓછી રહી છે. રાજ્ય સરકાર કોરોનાના વધતા જતા સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહી છે.
તેમણે કોર કમિટીની વાત ટાંકતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનું આયોજન કરવામાં આવે છે. આ કોર કમિટીમાં સમગ્ર રાજ્યની કોરોના કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. રાજ્યમાં કોરોના સામેની લડતમાં જરૂરી તમામ વસ્તુઓ દવાઓ, કીટ, સ્ટાફ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 1200 બેડ
તહેવારો બાદ કોરોના વકરતા તેની સ્થિતિ અંગે નીતિન પટેલે કહ્યુ કે, તહેવારોના સમયગાળા બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી હતી. કોરોનાગ્રસ્ત વધતી સંખ્યાને ધ્યાને રાખીને મેડિસિટીમાં આવેલ કેન્સર, કિડની અને યુ.એન.મહેતા હોસ્પિટલને પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં પરિણમવામાં આવી હતી.
6 દિવસમાં કામગીરી કરી પૂર્ણ
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોનાની અણધારી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેની સામેની લડતના અગમચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસિટીની નજીક આવેલ મંજુશ્રી કંપાઉન્ડમાં નિર્માણાધીન કિડની હોસ્પિટલને પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં કાર્યરત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ફક્ત ૬ દિવસના ટૂંકા સમયગાળામાં ૪૧૮ પથારીની વ્યવસ્થા ધરાવતી કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેના આજે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ હોસ્પિટલના કાર્યરત થયા બાદ સિવિલ મેડિસિટી અને તેની નજીકની મંજુશ્રી હોસ્પિટલના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની વ્યવસ્થામાં વધારો થશે.
નીતિન પટેલે પ્રત્યક્ષ મુલાકાત લીધી
મંજુશ્રી સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલનો શુભારંભ કરાવતી વેળાએ દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પ્રાર્થના કરી હતી. આ હોસ્પિટલમાં કાર્યરત ડોનિંગ, ડોફિંગ રૂમ, ત્રીજા તથા ચોથા માળે કાર્યરત કોરોના વોર્ડ તેમજ સાતમાં માળે કાર્યરત આઇ.સી.યુ. વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઇ તેની સમીક્ષા પણ તેમણે કરી હતી.
336 ઓક્સિજન પાઈપલાઈન સાથે
આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતન પટેલે જણાવ્યુ કે મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં કૂલ ૪૧૮ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ૩૩૬ પથારીને ઓક્સિજન પાઇપલાઇન સાથે જોડવામાં આવે છે. તેમજ ૮૨ પથારી ને આઇ.સી.યુ. વેન્ટીલેટરની સુવિધા સાથે કાર્યરત કરવામાં આવી છે.
મંજુશ્રી હોસ્પિટલમાં 56 વેન્ટીલેટર
ભારત સરકાર દ્વારા તાજેતરમાં પી.એમ. કેરમાંથી ગુજરાત રાજ્યને ૮૦ વેન્ટીલેટર ભેટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૬ વેન્ટીલેટરને મંજુશ્રી સ્થિત કોરોના હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેમ નિતિન પટેલે ઉમેર્યુ હતુ. રાજ્ય સરકારના અધિકારીઓ અને અમ.મ્યુ.કોર્પો દ્વારા સંકલન કરી ફાયરની એન.ઓ.સી. અને બી.યુ. પરમીશન પણ મેળવવામાં આવી છે.
600 જગ્યાઓ ઉપલબ્ધ
અમદાવાદ સિવિલ મેડિસિટીની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ હોસ્પિટલમાં હાલ ૬૬૧ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. વધુ ૫૧૦ દર્દીઓ સારવાર મેળવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. મેડિસિટી સંકુલમાં આવેલ કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલના ૧૪૫ બેડ માંથી ૨૩ પથારી હાલ કોરોના દર્દીઓ માટે ખાલી છે.જ્યારે કોરોના ડેડીકેટેડ કિડની હોસ્પિટલની ૧૩૫ માંથી ૬૨ અને યુ.એન. મહેતા હોસ્પિટલની ૧૭૯માંથી ૫ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે. આમ સિવિલ મેડિસિટીમાં જ કૂલ ૧૭૨૦ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થામાંથી ૬૦૦ જેટલી પથારી હાલની તારીખે ઉપલબ્ધ છે.
ટૂંકા સમયગાળામાં કરાઈ ઉપલબ્ધ
તહેવારોના કારણે રાજ્યભરમાં વધેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાના કારણે સારવારને લગતી ઉભી થયેલી જરૂરિયાતને રાજ્ય સરકાર દ્વારા ખુબ જ ટૂંકા સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના કોઇપણ નાગરિકને સારવાર મેળવવામાં તકલીફ ન પડે , કોઇપણ નાગરિકને રાજ્ય બહાર સારવાર અર્થે જવુ ન પડે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
કોણ કોણ રહ્યું હાજર ?
હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મહેસૂલ વિભાગના અગ્રસચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાર શિવહરે, નાણા વિભાગના સતિવ મિલિંદ તોરવણે, સિવિલ મેડિસિટીના તમામ ડાયરેક્ટર અને નિષ્ણાંત તબીબોની ઉપસ્થિતિ રહી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત