લેખક – જસ્ટીન લેંગર – અનુવાદ – Team Chabuk : જ્યારે મેં રાજેશ ચંદ્રશેખર (આરસી), ને પહેલી વખત જોયો ત્યારે મને થયું કે એમાં કંઈક વિશેષ છે. ચમકદાર સ્મિત, સમાંતર રીતે કાપેલા લાંબા કાળા વાળ. કાનમાં સોનાની ઈયરિંગ અને ચેપ લાગી જાય તેવી ઉર્જા, જે દિવસે ને દિવસે મને પ્રભાવિત કરી રહી હતી. મને એ કોઈ ફિલ્મનાં અભિનેતા જેવા પ્રતીત થતો હતો. પણ તેને પૂછો તો એ કહે કે હું તો કોઈ ગેંગ્સ્ટર જેવો લાગું છું!
મેં તેને પૂછ્યું કે, આઈપીએલની અમારી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સમાં તેની ભૂમિકા શું છે, ત્યારે તેણે ચહેરાના હાવભાવ ગંભીર રાખી કહ્યું કે, હું ટીમનાં મસાજ થેરેપિસ્ટમાંથી એક છું. એ પછી તે હસવા લાગ્યો અને કહ્યું, તમારે જ્યારે પણ વાળ કપાવવા હોય કહેજો, હું તમારા માટે એ કરી આપીશ. માથાના વાળ, માથાની મસાજ પણ. ફક્ત કહેજો અને હું ત્યાં હોઈશ. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે. કંઈ પણ જરૂર પડે તમારા માટે ઉપસ્થિત હોઈશ જ.
વાળ કપાવવાના આમંત્રણ વિષે મેં કશું વિચાર્યું નહીં. દિવસો અઠવાડિયામાં તબ્દિલ થવા લાગ્યા. આર.સી તો પડપૂછ કરતો હતો કે તમારે વાળ કપાવવા છે? એક દિવસ મેં તેની ઓફરનો સ્વીકાર કરી લીધો. થોડી મિનિટોમાં જ એણે મારા રૂમનું બારણું ખખડાવ્યું. કાતર અને પાણીની બોટલ લઈ તે હાજર હતો. તેનું સ્મિત ગંભીર ચહેરામાં રૂપાંતરિત થઈ ગયેલું. આર.સી પોતાના નવા કૉચને પ્રભાવિત કરવાની દિશામાં હતો કે હું કેટલો સારો હેરડ્રેસર છું. એણે વાળ કાપવાની શરુઆત કરી. વચ્ચે વાતો થતી રહી. મને પૂછવાની જિજ્ઞાસા થઈ એટલે મેં પૂછ્યું કે તું આઈપીએલ માટે મસાજ કરનારો કે હેરડ્રેસર કેવી રીતે બન્યો? એના શબ્દોએ મને ધ્રુજાવી દીધો.
આર.સી મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. એને ત્યાંની કોઈ લોકલ ફૂટબોલ ટીમે મસાજ થેરેપિસ્ટ તરીકે રોકી લીધેલો. ત્યાંથી એ આગળ વધતો રહ્યો અને અહીં પહોંચી ગયો.
“ઝૂંપડપટ્ટી?” મેં પૂછ્યું.
“હા, મારું કુટુંબ અને હું મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ.” તેણે કહ્યું, “હંમેશાંથી ત્યાં રહ્યા છીએ અને રહીશું…”
એણે પોતાના કુટુંબ કબીલાનો ઇતિહાસ કહ્યો. મેં તેને પૂછ્યું કે, “ઝૂંપડપટ્ટીમાં રહેવું કેવું લાગે છે?”
“સારું.” એણે કહ્યું, “મારું ઘર આ બાથરૂમની સાઇઝનું જ છે. હું ત્યાં મારા માતા, પિતા, ભાઈ, બહેન અને બહેનના પતિની સાથે રહું છું. મારા પિતા ઘર રંગવાનું કામ કરે છે. મમ્મી મકાનોમાં કચરા પોતા કરે છે. મારો ભાઈ ત્યાંના લોકલ સલૂનમાં વાળ કાપવાનું કામ કરે છે. જ્યારે હું આ કામ નથી કરતો હોતો ત્યારે અમે સલૂનમાં સાથે કામ કરતાં હોઈએ છીએ, અથવા તો હું ત્યાં કોઈની મસાજ કરતો હોઉં છું.”
જે હોટલમાં અમે રોકાયેલા તેનું બાથરૂમ સરસ હતું. મેં આસપાસ નજર કરી તો એ મને પર્થની લોન્ડ્રીના કદ જેટલું લાગ્યું. એ જે પ્રકારે વર્ણન કરી રહ્યો હતો તે અગમ્ય હતું. મને આઘાત લાગ્યો. મેં ઊંડું વિચાર્યું. અંગ્રેજી ઉપર તેની હથોટી નહોતી એટલે તેની વાસ્તવિકતાને હું સ્પર્શવા ઇચ્છતો હોવા છતાં પણ સ્પર્શી નહોતો શકતો.
આ ચર્ચાને આઠ અઠવાડિયાનો સમય વીતી ગયો. શુક્રવારે ભારતમાં મારો છેલ્લો દિવસ હતો. અમે મુંબઈ ઈન્ડિયન્સની સામે મુંબઈમાં જ રમી રહ્યા હતા. દિવસ પૂર્વે મેં આર.સીને પૂછ્યું કે શું એ મને તેના ઘરે લઈ જઈ શકે.
“તમે મારા ઘરની મુલાકાત લેવા ઇચ્છો છો?” એના ચહેરા પર અભિનવ અહોભાવ હતો.
“બધું બરાબર છે?” મેં પ્રત્યુતર આપ્યો, “અને તને કોઈ તકલીફ તો નથી ને કે હું મારા ભાઈને પણ મારી સાથે લઈ આવું?”
મારો ભાઈ છેલ્લી બે આઈપીએલ મેચથી ભારતમાં હતો. એ તો મારા જેટલો જ મંત્રમુગ્ધ હતો. હું એક એવું વિશ્વ જોવા ઇચ્છતો હતો જે વાસ્તવિક હતું. એ વાસ્તવિકતા પર વિશ્વાસ મૂકવા ત્યાં જવું જ પડે. બીજી સવાર…. અમે ટ્રાફિકની સામે યુદ્ધ કરી રહ્યા હતા અને 45 મિનિટ પછી ત્યાં પહોંચ્યા, એ ગાય, ભંગાર, લોકો, ઘોંઘાટ, ગંધ અને અશાંતિનો વિસ્તાર હતો. જે ખ્યાતનામ હોટલોમાં રહેવાને અમે ટેવાય ગયેલા એની બહારના આ વિસ્તારો ભારતના પર્યાય હતા. આમ છતાં હંમેશ તે આંખો ઉઘાડનારા હોય છે. અમે કારમાંથી ઉતર્યાં. આર.સીના ભાઈ અને તેના મિત્રોએ અમને આવકાર આપ્યો. એ પોતાનું ઘર બતાવવા ઉત્સુક હતા. અમને નાની-નાની ગલીઓમાંથી લઈ જવામાં આવ્યા. જેવી રીતે કૉંક્રિટના મકાનોની વચ્ચે સાંકડી શેરીઓની ભૂલભૂલામણી હોય. આ ભૂલભૂલામણી જોઈ લાગ્યું કે અહીં સંવૃત્ત રહેલા સમુદાયમાં ખોવાઈ જવું કેટલું સરળ છે.
દરેક ગલી સાંકડી હતી. બે લોકોને પસાર થવા માટે પૂરતી. ગલીમાં અંધારું હતું, કારણ કે અમારી બિલ્કુલ ઉપર ઇમારતોના છાપરા અને એકબીજામાં ઓતપ્રોત વીજળીના વાયરો હતા. પુરુષો નાના, ધૂળ ભરેલા, ખુલ્લા દરવાજાવાળા ઓરડાઓમાં પોતાની સીલાઈ મશીનો કે ઓજારોથી કામ કરી રહ્યા હતા. થોડાં થોડાં અંતરે જ મકાનનાં નાના દરવાજાઓ આવી જતાં. જેને ઓસ્ટ્રેલિયામાં અમે સિંગલ રૂમ કહીએ છીએ. અમને વિદેશીઓને જોઈ બાળકોના ચહેરા પર સ્મિત હતું. એ અમને જોઈ રોમાંચિત થઈ ગયા. એ ધૂળ અને ભેજવાળા વિસ્તારમાંથી અમારો પીછો કરી રહ્યા હતા.
અમે આર.સીના ઘરે પહોંચ્યા. પગરખા ઘરની બહાર ઉતારી દીધા. ચાર બાય પાંચ મીટરના વ્યાસમાં, ઘરમાં રહેલો પ્રથમ સામાન મેં જોયો એ ગાદલું હતું. ખૂણામા એક નાનું રસોડું, સ્ટવ, ફ્રીજ. ડુંગળી અને લસણ રસોડા નીચેની બેન્ચ પર મૂકેલા હતા. મકાનની મધ્યમાં એક નીસરણી જોડાયેલી હતી. મેં ઉપર ચડી જોયું. કપડાં વ્યવસ્થિત ગોઠવાયેલા હતા. એક જૂનું ટીવી બોક્સ જે મેં ક્યારેક જોયેલું, એ પણ હતું. આ એ જગ્યા હતી જ્યાં નવપરણિત આરસીની બહેન અને તેના જીજાજી સૂતાં. બાજુમાં એક પડદો હતો. જે ટપકતા શાવર અને ટોયલેટને ઢાંકતો હતો. એક લાકડાનો કબાટ અને પ્લાસ્ટિકની બે ખુરશીઓ, જેના પર મેં અને મારા ભાઈએ જગ્યા લીધી.
પરિવારના છ સભ્યો પાસે કપડાં માટેની એક એક શેલ્ફ હતી.
જ્યારે મેં આર.સીને પૂછ્યું કે તમે બધા ક્યાં ઊંઘો છો ત્યારે તેણે સરળતાથી ઉત્તર આપ્યો,
“પપ્પા ત્યાં ઊંઘે છે.” તેનો ઇશારો બેડ તરફ હતો. “મારી બહેન અને તેમના પતિ ઉપર અને મારો ભાઈ, મારા મમ્મી અને હું, અહીંયા, નીચે.”
મેં જોયું. વિસ્તાર ખૂબ નાનો હતો. ખભા ભટકાય એવો.
અમારા માટે આ જીવન અકલ્પ્ય હતું. આર.સીની માતાએ જીવનમાં ક્યારેય કોઈ વિદેશીને નહોતો જોયો. અંગ્રેજી ઉપર પણ પ્રભુત્વ નહીં. એમણે નાસ્તો તૈયાર કર્યો. રાઈસ કેકની સાથે કરી સોસ, પરિવારનો આ મુખ્ય નાસ્તો હતો જે અમને પ્લેટમાં પીરસવામાં આવ્યો હતો. મેં અને મારા ભાઈએ એકબીજાની સામે ડરથી જોયું. અમને લાગ્યું કે અમારું પેટ ખાલી રહેવું જોઈએ! પરંતુ અમારી સેવામાં એક પ્રકારની હૂંફ હતી અને આ બાજુ ભારતીય સ્વાદિષ્ટ વ્યંજન.
અમારા નાસ્તા દરમિયાન આર.સીએ અમારી ચર્ચાને અનુવાદિત કરી અને એનું કુંટુંબ હસવા લાગ્યું. અમે એમના ઘરમાં હતા અને એમને એ વાતનું ગૌરવ હતું. ઘરના તમામ સભ્યોએ સ્વચ્છ કપડાં પહેર્યાં હતા. જ્યારે તસવીર પાડવાનો વખત આવ્યો તો આરસીની માતા અને પિતાએ અમારા ખભ્ભા ઉપર હાથ રાખી દીધા. અમને પરિવાર જેવું લાગ્યું.
હોટલ પર જવાનો વખત આવ્યો એની થોડી ક્ષણો પહેલા આર.સી અમને એક ઈસાઈ મંદિરની મુલાકાતે લઈ ગયો. ત્યાં અમે મીણબત્તી સળગાવી અને પ્રાર્થના કરી. આ એની પરંપરા હતી અને તેને સારું લાગ્યું કે અમે તેની પરંપરાને અનુસર્યાં.
વળતા મારો ભાઈ જોનો અને હું શાંત હતા. આ શાંતિ વચ્ચે મેં મૌન તોડ્યું : “આ કેવું લાગશે એ મને નથી ખબર ભાઈ, પણ અહીં શાંતિ છે, સરળતા છે અને સ્વતંત્રતા છે.” એ ફક્ત હસ્યો.
હું વિનમ્ર થયો. મને નહોતી ખબર કે બીજા લોકો પોતાનું જીવન કેવી રીતે જીવે છે. મધર ટેરેસાએ એક વખત કહ્યું હતું કે, “આજે દુનિયા ઉલ્ટી થઈ ગઈ છે. અને પીડા સહન કરી રહી છે, કારણ કે ઘર અને પારિવારિક જીવનમાં ખૂબ ઓછો પ્રેમ રહ્યો છે.”
આર.સીના ઘર સુધીની યાત્રામાં મને એક વાત આશ્ચર્યચકિત્ત કરી ગઈ. એ વાત એવી હતી કે એમની પાસે કંઈ નહોતું, પણ એમની પાસે એ બધું હતું જે વાસ્તવમાં ખુશ રહેવા માટે પૂરતું હતું. પરિવાર અને મિત્રો – આ બધા લોકો મને સાદો માણસ કહે છે – પણ બીજી બધી વસ્તુઓની ચિંતા કર્યાં વગર, આ રીતે જીવવું એ જ ખુશ રહેવાનો ઉપાય છે.
[24 મે 2024ના રોજ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કૉચ જસ્ટિન લેંગરે લખેલા અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ.]

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત