Team Chabuk-Gujarat Desk: કહેવાય છે કે ‘શિક્ષક ક્યારેય નિવૃત નથી થતો’, આ વાતને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે અમદાવાદના એક એવા પરિવારે, જેણે પોતાના સ્વજનના મૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી નાખ્યો છે.
આ વાત છે એક એવા ગુરુની, જેમણે આખું જીવન મેડિકલના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને અંતે પોતાનો દેહ પણ એ જ વિદ્યાર્થીઓના સંશોધન માટે અર્પણ કરી દીધો. ડૉ. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ પટેલ (ડૉ. વી.કે. પટેલ) માત્ર એક નામ નહોતું, પણ મેડિકલ શિક્ષણ જગતની એક સંસ્થા હતા.
32 વર્ષ સુધી અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં ફાર્માકોલોજી વિભાગના વડા તરીકે ડૉ. વી. કે. પટેલે હજારો ડોક્ટરો તૈયાર કર્યા. તેમણે લખેલું ફાર્માકોલોજીનું પુસ્તક આજે પણ મેડિકલ વિદ્યાર્થીઓ માટે ગીતા સમાન ગણાય છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે શિક્ષણમાં સુધારા લાવનાર આ વિદ્વાને મૃત્યુ બાદ પણ સમાજને એક મોટી પ્રેરણા આપી, ‘દેહદાન કરવાની પ્રેરણા’.

આ આખી ઘટનામાં સૌથી પ્રોત્સાહક પાસું એ છે કે આ પરિવારમાં દેહદાનની પરંપરા જાણે લોહીમાં છે. એબીપી અસ્મિતાના જાણીતા પત્રકાર રોનકભાઈ પટેલના પિતા નારણભાઈ પટેલ, જે પોતે એક નિવૃત્ત શિક્ષક હતા, તેમનું અવસાન જાન્યુઆરી 2023માં થયું ત્યારે પરિવારે સુરત સિવિલમાં તેમનું દેહદાન કર્યું હતું. આજે જ્યારે નારણભાઈના નાના ભાઈ ડૉ. વી.કે. પટેલનું નિધન થયું, ત્યારે પરિવારે જરા પણ ખચકાયા વગર અમદાવાદ સિવિલમાં તેમનું પણ દેહદાન કરવાનો નિર્ણય લીધો.
ડૉ. વી. કે. પટેલના નિધન બાદ તેમના સંતાનો અને પરિવારે વડીલની અંતિમ ઈચ્છાને માન આપીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડૉ. વી. કે. પટેલના પુત્ર ડૉ. સ્નેહલ પટેલ તથા પરિવારના અન્ય સભ્યો ડૉ. મેઘા પટેલ, ડૉ. રૂપલ પટેલ અને ડૉ. નલિન પટેલ સહિત સમગ્ર પરિવારે ગૌરવપૂર્ણ રીતે દેહદાન કરી માનવતાની જ્યોત પ્રગટાવી છે.
એક પત્રકાર તરીકે રોનકભાઈ પટેલ રોજ સમાજની અનેક ઘટનાઓ લોકો સુધી પહોંચાડે છે, પરંતુ જ્યારે પોતાના પરિવાર પર દુઃખની ઘડી આવી, ત્યારે તેમણે માત્ર શબ્દોથી નહીં પણ કર્મથી સમાજને દિશા બતાવી. પોતાના પિતા અને કાકા બંને વડીલોને દેહદાનના માધ્યમથી અમર બનાવીને તેમણે સાબિત કર્યું કે એક જાગૃત નાગરિક તરીકે સમાજ પ્રત્યેની જવાબદારી કેવી રીતે નિભાવી શકાય.
સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, જ્યારે કોઈ ડૉક્ટર પોતે દેહદાન કરે છે, ત્યારે તે આવનારી પેઢીના ડૉક્ટરો માટે સૌથી મોટું પ્રોત્સાહન હોય છે. ડૉ. વી. કે. પટેલના આ દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના સમજવામાં અને નવી દવાઓના સંશોધનમાં મોટી મદદ મળશે.
જીવતા રહ્યા ત્યાં સુધી હજારો દર્દીઓની સેવા કરી અને સેંકડો વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું, અને હવે મૃત્યુ બાદ પણ તેમનો દેહ કોઈના જીવન બચાવવાનું સાધન બનશે. આ ઘટના સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. સાચે જ, આ પરિવારનું સમર્પણ માનવતાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત