Team Chabuk-Gujarat Desk: : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ એક જ પરિવારના બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોત નિપજ્યા છે. જ્યારે માતા-પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે ચાંદખેડામાં રહેતા વિમલ ગૌરીશંકર પ્રજાપતિ (ઉં.વ. 36) અને તેમના પત્ની ભાવનાબેન (ઉં.વ. 30) એ રાત્રિના ભોજન માટે બહારથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. ઘરે ઢોસા બનાવીને જમ્યા બાદ ટૂંક સમયમાં જ આખા પરિવારની તબિયત લથડી હતી. ઝેરી અસર એટલી જીવલેણ હતી કે સાડા ત્રણ વર્ષની બાળકી મિષ્ટી અને માત્ર અઢી મહિનાની માસૂમ રાહાએ જીવ ગુમાવ્યો હતો. જે બાળકોના કિલકિલાટથી ઘર ગુંજતું હતું, ત્યાં અત્યારે માતમ છવાઈ ગયો છે. બીજી તરફ, ગંભીર હાલતમાં વિમલભાઈ અને ભાવનાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બંને બાળકીઓના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. આ કેસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા સેવાઈ રહી હોવાથી પોલીસે FSLની મદદ લીધી છે. ઘરમાં રહેલા ખીરાના નમૂના અને અન્ય ખાદ્ય સામગ્રીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે.

શું આ ખીરું વાસી હતું કે તેમાં કોઈ ઝેરી તત્વ ભળેલું હતું? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જે દુકાનેથી ખીરું ખરીદવામાં આવ્યું હતું તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ ખીરું ઘનશ્યામ ડેરીમાંથી ખરીદવામાં આવ્યું હતું. આ અંગે ઘનશ્યામ ડેરીના સંચાલકે કહ્યું છે કે, તેઓ દરરોજ 125 કિલો ખીરું વેચે છે. પરંતુ ખીરું વાસી હોવા અંગે કોઈપણ ગ્રાહકની ફરિયાદ આવી નથી. આમ ડેરી સંચાલકો ફૂડ પોઈઝનિંગનો દાવો નકારી કાઢ્યો છે.
પરિવારનો આક્ષેપ છે કે, બજારમાંથી લાવેલું ખીરું ખાધા બાદ જ આ ઘટના બની છે. જોકે, બીજી તરફ ડોક્ટરોની પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ ન હોવાનું પણ પરિવારના નિવેદનમાં સામે આવ્યું છે, જેણે આ કેસને વધુ ગૂંચવ્યો છે. હાલ ચાંદખેડા પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. બાળકીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત