Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે ગરીબી પણ વધી રહી છે. ગતિશીલ ગુજરાતની વાતો તો થઈ રહી છે પણ ગરીબીના આંકડા પણ ચોંકાવનારા છે. રાજ્યની ભાજપ સરકાર જે ગુજરાત મોડેલની ચર્ચા દેશભરમાં છાતી પહોળી કરીને કરી રહી છે તે ગુજરાત રાજ્યની ગરીબી વધી રહી છે. ખુદ રાજ્ય સરકારે જ વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યમાં ગરીબ પરિવારો વધી રહ્યા છે.
હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોતરી દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી છે. વિકાસના ક્ષેત્રોમાં હરણફાળ ભરવાની સરકારની વાતો વચ્ચે રાજ્યનું એક જૂદું જ દ્રશ્ય સામે આવ્યું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ગરીબ પરિવારની સંખ્યા વધતી હોવાનું સામે આવ્યું છે. જેથી વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે શું આવો વિકાસ હોઈ શકે ખરો ?
વિપક્ષનો આરોપ છે કે, ગુજરાતમાં ત્રીજા ભાગની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે. વિધાનસભામાં ખુદ સરકારે જ એવી ચોંકાવનારી વિગતો આપી છે કે, છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારોનો વધારો થયો છે. એક તરફ સરકાર ગુજરાતમાં વિકાસની મોટી મોટી ગુલબાંગો ફૂંકી રહી છે.
રાજ્ય સરકાર એક તરફ કહી રહી છે કે રાજ્યમાં વિકાસની નવી નવી યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. ગરીબોની આવક વધે તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. રાજ્યમાં સમૃદ્ધિ વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ વાસ્તવિકતા જાણે અલગ જ હોય તેમ વર્તાઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપતા કહ્યું કે, ગુજરાતમાં 0 થી 16 ગુણાંકવાળા 16,19,226 પરિવારો છે જ્યારે 17 થી 20 ગુણાંકવાળા 15,22,005 પરિવારો છે. આમ કુલ 31,41,231 પરિવારો છે. રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, છેલ્લા બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. આ બે વર્ષમાં સૌથી વધુ ગરીબ પરિવારો 2411 અમરેલી જિલ્લામાં વધ્યા છે. રાજકોટ જિલ્લામાં 1509 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે, વાયબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે ગરીબોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ગત 8 માર્ચના રોજ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આ આંકડા રજૂ કર્યા હતા. રાજ્ય સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ગરીબી રેખા નીચે પરિવારોની સંખ્યા 30,94,580 છે જ્યારે ડિસેમ્બર, 2020ની પરિસ્થિતિએ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,231 થઈ છે.
રાજ્યની ભાજપ સરકારની ટીકા કરતાં વિપક્ષે આરોપ મૂક્યો છે કે, 21,41,231 ગરીબ પરીવારોમાં સરેરાશ એક કુટુંબ દીઠ 6 સભ્ય ગણવામાં આવે તો, 1.88 કરોડ ગરીબોની સંખ્યા થાય. એટલે કે વિકાસ મોડેલ ગણાતા ગુજરાતની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત