Homeદે ઘુમા કેકયા બોલરે સૌરવ ગાંગુલીને કહેલું કે,‘એક વખત સહેવાગને ઓપનર બનાવો પછી જૂઓ’

કયા બોલરે સૌરવ ગાંગુલીને કહેલું કે,‘એક વખત સહેવાગને ઓપનર બનાવો પછી જૂઓ’

વિરેન્દ્ર સહેવાગનો ગઈ કાલે જન્મદિવસ હતો. માણસે મેળવેલી સિદ્ધીઓ કંઈ એક દિવસ પૂરતી સિમિત થોડી હોય છે. એટલે જ વિરેન્દ્ર દિવસની આજે આપણે ઉજવણી કરીશું. આમેય તમારા મિત્રો કહેતા જ હશે ને બિલેટેડ હેપ્પી બર્થડે. તો બસ આ બિલેટેડ હેપ્પીવાલા બર્થડે વિરેન્દ્રજી.

ઉંમર હતી 12 વર્ષની. હરિયાણાના જાટ પરિવારમાં જન્મેલા અને ત્રીજા દીકરા તરીકે ઉછરી રહેલા વિરેન્દ્રમાં દાનવ ઘુસી ગયો હતો. ક્રિકેટ રમવાનો ખૂબ શોખ. આ શોખે તેનો દાંત તોડાવી નાખ્યો. પિતાજી નાહકના ગુસ્સે થઈ ગયા. હોય શકે કે દાંત ભાંગલા છોકરાને છોકરી કોણ આપે ? પણ માતાજીએ હસ્તક્ષેપ કર્યો. મારા લાડલાને ક્રિકેટ રમવા જવા દો. પત્ની સામે કોનું ચાલે ? વિરેન્દ્રના પિતા માની ગયા.

1999ની સાલ હતી. પાકિસ્તાન સામે વિરેન્દ્ર સહેવાગનો પ્રથમ મેચ હતો. વિરેન્દ્રને કંઈક કરી બતાવવું હતું. પાકિસ્તાનના બોલરો સામે વિરેન્દ્રની એક ન ચાલી. 1 રનમાં વિરેન્દ્ર પવેલિયન પરત ફર્યો. જ્યારે બોલિંગ આપવામાં આવી તો 35 રન દિલ ખોલીને આપી દીધા. આ વાત વિરેન્દ્રના મગજમાં ઘુમરાતી રહી અને ત્રણસો રન પણ વિરેન્દ્રએ પાકિસ્તાન સામે જ ઠોકી દીધા. પાકિસ્તાનની ટીમ જ્યારે જ્યારે આવતી વિરેન્દ્ર ઠોક હી દેતે થે.

એમણે તો 300 રન પણ સકલીન મુસ્તાકની ઓવરમાં સિકસ ફટકારી પૂર્ણ કર્યા હતા. મુસ્તાકના જન્મદિવસ પર વિરૂએ ગજબની ખેંચાઈ કરી હતી. એ સિક્સનો વીડિયો ટ્વીટર પર અપલોડ કરી મુસ્તાકને ટેગ કર્યો અને મજા લીધી.

આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરેન્દ્રનું જ્યારે આગમન થયું તો લોકો અચંબામાં પડી ગયા હતા, કારણ કે હુબહુ સચિન તેડુલકરના જ દર્શન થતા હતા. રમવાની પોઝીશન જુઓ, તેઓ ક્રિઝમાં ઊભે, દોડે કે પછી કોઈ હરકત કરતાં હોય, એમાંય જો વિરેન્દ્ર સહેવાગની સામે સચિન સ્ટ્રાઈકમાં હોય તો લોકો ભૂલી જતાં કે કોણ સચિન અને કોણ સહેવાગ. સચિન બેસ્ટ અરે નહીં સહેવાગ બેસ્ટ આ રીતના ઝઘડા થતા. આ ઝઘડામાંથી એક એડ પણ બનેલી. જો 90માં જન્મ્યા હોય તો યાદ કરો. બાદમાં તો સહેવાગ એક અલગ રીતે ઉભર્યા. કેવી રીતે ?

વિરેન્દ્ર સહેવાગ સહે‘વાઘ’ કઈ રીતે બન્યો ? 2001નો સમય હતો. ખાસ્સા સમય પછી વિરૂ મેદાનમાં. સામે ટીમ ન્યૂઝીલેન્ડની હતી. ન્યૂઝીલેન્ડ સિવાય બીજી ટીમ શ્રીલંકા હતી. છેલ્લા કેટલાય સમયથી ત્રિકોણીય વનડે તો રમાતી દેખાતી જ નથી. ભારતીય ટીમ ત્રિકોણીય શ્રેણી રમી રહી હતી.

ન્યૂઝીલેન્ડની નબળી બોલિંગનો વિરેન્દ્રએ અટેકિંગથી ફાયદો ઉઠાવ્યો. મેદાનમાં આતીશબાજી થઈ. 69 બોલમાં સેન્ચુરી લાગી. આ પહેલી વખત હતું જ્યારે ક્રિકેટ વિવેચકોને લાગ્યું કે વિરેન્દ્ર સહેવાગ સચિન તો બિલકુલ નથી, કારણ કે સચિનની આટલી ઝડપથી બુલડોઝર બની ખુરદો બોલાવી દેવાની તાકાત જ નથી. આ મટીરીયલ કોઈ બીજી ફેક્ટરીનું છે. જે માત્ર એટલું જ જાણે છે કે સામેવાળાની દહા કેવી રીતે બેસાડી દેવી.

તેની આટલી ઘાતક ઈનિંગના કારણે જ વી.વી.એન.રિચર્ડ્સે સહેવાગની પ્રશંસામાં કહેલું કે, ‘વિરેન્દ્ર સહેવાગ એવો બેટ્સમેન છે જેનાથી સમગ્ર દુનિયાના બોલરો ખોફ ખાય છે.’ આ કહેનારા રિચર્ડ્સથી પણ એક સમયે બોલરો આવો જ ખોફ ખાતા હતા. યુસુફ પઠાણે સહેવાગને અનુલક્ષીને કહ્યું છે કે, ‘વિરેન્દ્ર સહેવાગ ઓપનિંગ બેટીંગમાં સૌના આદર્શ છે.’

એ વાતો ખૂબ થાય છે કે વિરૂપાજીને ઓપનિંગમાં કોણ લાવ્યું. દર વખતે પ્રશંસા સૌરવ ગાંગુલી ખાઈ જાય છે. તમે ખોટા છો. ગાંગુલી નહોતો. શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ થઈ ચૂક્યો હતો. સૌરવ ગાંગુલી નિરાશ હતો. ટીમના એક બાદ એક એમ અનેક ખેલાડીઓને ઓપનિંગમાં ટ્રાય કરવામાં આવ્યા, પણ કોઈ સચિનની સામે ટકી નહોતો શકતો. ઝહીર ખાન દાદા પાસે આવી બોલ્યો, ‘મારી માનો તો એક છેલ્લી ટ્રાય કરીએ.’

ગાંગુલીએ પૂછ્યું, ‘કોણ છે?’

ઝહીરે કહ્યું, ‘વિરેન્દ્ર’

‘અરે યાર તું પાગલ છો. એ મિડલ ઓર્ડરનો બેટ્સમેન છે.’

‘દાદા જે લોકો ઓપનિંગ ઓર્ડરના છે એમણે શું કરી લીધું ? મારી માનો તો એક વખત પ્રયત્ન કરો. વાત એક મેચની જ છે ને!’

જ્હોન રાઈટને આ વાત કહેવામાં આવી અને વિરેન્દ્ર સહેવાગની કારકિર્દી ઓપનર તરીકે શરૂ થઈ. પૂર્ણ પણ ઓપનર તરીકે જ થઈ. તો ખબર પડી એ ઝહીર ખાન હતો.

2009ની સાલ હતી. શ્રીલંકા સામેની ટેસ્ટશ્રેણી. સહેવાગ 270 પર નોટઆઉટ હતો. બીજા દિવસની રમત શરૂ થતાં પહેલા ગેરી ક્રસ્ટર્ને સહેવાગને કહ્યું, ‘તારે વોર્મ અપ કરવાની જરૂર છે.’

સહેવાગે કહ્યું, ‘હું વોર્મ અપ કરીશ તો ટ્રીપલ સેન્ચુરી નહીં ફટકારી શકીશ.’

સહેવાગ સચિન પાસે ગયો અને કહ્યું, ‘આજે હું ટ્રીપલ સેન્ચુરી ફટકારી દઉં તો તમારે મારી એક ઈચ્છા પૂર્ણ કરવાની છે.’

સચિને થોડી ક્ષણો સુધી વિચાર્યું અને પછી કહ્યું, ‘ઓકે ડન છે.’

વિરેન્દ્ર થોડી મિનિટોમાં જ મેદાનમાં 270માંથી 290 સુધી પહોંચી ગયો. સામે બોલર મુરલીધરન. તેણે બોલ ફેંક્યો. વીરૂ પુશ કરવા જતો હતો. ત્યાં બોલ બેટમાં લાગી ઉછડી ગયો અને સીધો મુરલીના હાથમાં. વિરેન્દ્રની આંખ સામે અંધારુ થઈ ગયું. આઉટ થતાની સાથે જ વિરેન્દ્રએ નવો કિર્તીમાન રચી દીધો. 90, 190 પ્લસ અને 290 રન પર આઉટ થનારો બેટ્સમેન.  

તો સચિન પાસે વિરેન્દ્ર એ શરત શું રાખેલી ?

એ શરત વિરેન્દ્રએ 300 રન ન કરી શકવાના કારણે સચિને કોઈ દિવસ કહી જ નહીં. 2011ના વિશ્વકપ બાદ વિરેન્દ્ર એક સ્કૂલ ખોલવા માગતા હતા. જેનું ઉદ્ધાટન સચિન કરે તેવી તેમની ઈચ્છા હતી. એ સમયે બિલ્ડીંગનું અંડરકન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું. 2017ની સાલમાં સચિન ત્યાં ગયા. વિરેન્દ્રએ કોઈ ક્રિકેટર માટે આટલી તાળી નહોતી પાડી જેટલી સચિન માટે પાડી હતી.

બે રનની કિંમત સમજો. વિરેન્દ્ર સહેવાગ તેના દીકરા આર્યવીરને મોબાઈલ નહોતા લઈ દેતા. દીકરાની ખૂબ ઈચ્છા હતી. આવું શા માટે ? વિરેન્દ્રએ કહેલું કે, સેન્ચુરી ફટકારીશ એ દિવસે મોબાઈલ લઈ દઈશ. આર્યવીર બે વખત નર્વસ 90 પર આઉટ થયો હતો. આ વાત પર કોમેન્ટ કરતાં રાજુ શ્રીવાસ્તવે કહ્યું, ‘સર મોબાઈલ લઈ દો બસ સીમ કાર્ડ ન લઈ દેતા.‘

સામેથી વિરેન્દ્રએ કહ્યું, ‘અરે યાર સીમ કાર્ડનું શું કામ ? વાઈફાઈનો જમાનો છે.’

વાત અહીં મોબાઈલની નથી. જો તમે બે રન નથી કરતાં કે કરી શકતાં તો તમારી થનાર સેન્ચુરી હાફ સેન્ચુરીમાં બદલી જાય છે. આ વાત સહેવાગથી વધારે કોણ જાણી શકે. જે 300 કરવાનો હોય અને 290 પર આઉટ થઈ જાય. લવ યુ વિરૂબાબા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments