Homeસિનેમાવાદએક્ટિંગનો શોખ હોય તો આ અભિનેતાની દરેક ફિલ્મ દસ-દસ વખત જોઈ લો

એક્ટિંગનો શોખ હોય તો આ અભિનેતાની દરેક ફિલ્મ દસ-દસ વખત જોઈ લો

એક ઊંડા કૂવામાં ખોદકામ ચાલી રહ્યું છે. એક જ માણસ કામ કરે છે. કૂવો ખોદતા ખોદતા અંદરથી ઓઈલ નીકળે છે. એ પોતાના વતન જાય છે અને લોકોને આ વાત કહે છે. થોડા પાર્ટનર બનાવે છે. પાર્ટનર બનાવ્યા પછી એ પાંચ લોકોને લઈ કૂવો ખોદી ક્રૂડ કાઢવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યાં જ કૂવાની ઉપર રહેલ લાકડાનો ઢાંચો પડે છે અને એક વ્યક્તિની મોત થઈ જાય છે. જેની મોત થઈ તેનો એક નાનો છોકરો પણ હતો. એને સાચવવાની જવાબદારી આ વ્યક્તિ પર આવે છે.

પછી તો આ ભાઈ ખૂબ અમીર બને છે. તેની પાસે કોઈ બીજા શહેરમાંથી એક છોકરો આવે છે. એ છોકરો તેના કાકાની જમીનમાં ઓઈલ જેવું નીકળતું હોવાની વાત કરે છે. આ વ્યક્તિ ત્યાં જાય છે. બદલામાં તેને ગામનાં લોકોને ચર્ચ બનાવી આપવાનું હોય છે. હવે આ ભાઈ રહ્યાં નાસ્તિક. એ રૂપિયા આપી દે પણ ચર્ચ કેવી રીતે ? વાત ઓઈલની હોવાથી માની લે છે. અને પછી એ ગામમાં શરૂ થાય છે ડ્રામા અને છાતીમાં ધરબાયેલો સેલાબ ઉઠે ત્યારે શું થાય એ દર્શાવતો ક્લાઈમેક્સ.

ફિલ્મ છે ડેનિયલ ડે લુઈસની ધેર વિલ બી અ બ્લડ. 2007માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર ડેનિયલ લઈ ગયો હતો. બીજી વખત લઈ ગયો હતો. આ પહેલા માય લેફ્ટ ફૂટમાં બહેતરીન અભિનય બદલ તેને પ્રથમ વખત ઓસ્કરથી નવાજવામાં આવેલ. 2012માં સ્ટીવન સ્પીલબર્ગની બાર નોમિનેશનવાળી ફિલ્મ લિંકન માટે ત્રીજી વખત અભિનયનો ઓસ્કર ખેંચી ગયેલો. 2017માં ફેન્ટમ થ્રેડ ફિલ્મ આવી પછી તેણે અભિનયમાંથી નિવૃતિ લઈ લીધી. માણસને ક્યાં અટકવું એ ખબર હોય તો એ સુખી થઈ જાય. ડેનિયલ આ સમજી ગયા.

lewis 2

અભિનય કેવી રીતે કરવો એ ડેનિયલની ફિલ્મો જોઈ શીખ્યા જેવું છે. તેના દિગ્દર્શકો તેના વિશે કહે છે કે, તમે ડેનિયલ સાથે કામ કરો છો, તો તમે તમારી પટકથાના પાત્ર સાથે કામ કરો છો. નહીં કે કોઈ સુપરસ્ટાર કે અભિનેતા સાથે કામ કરો છો. તેની સામે અભિનય કરનારો પણ બે ઘડી ચિત્ત થઈ જાય છે.

1982માં આવેલી રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મમાં ગાંધી બનેલા બેન કિંગ્સલે જ્યારે આફ્રિકા જાય છે ત્યારે તેમને હેરાન કરનારા ત્રણ યુવાનો હોય છે. આ ત્રણ યુવાનોમાં એક યુવાન એ ડેનિયલ ડે લુઈસ હતો. એણે નાનકડાં એવા રોલથી શરૂઆત કરી અને અત્યારે ક્યાં છે ? ખૂદ ગાંધી બનેલા બેન કિંગ્સલે એક ઓસ્કર લઈ શક્યા પણ એ જ ફિલ્મમાં નાનો રોલ કરનારો ડેનિયલ ત્રણ ઓસ્કર લઈ ગયો.

lewis 7

ડેનિયલ ડે લુઈસનો જન્મ બ્રિટનમાં થયો હતો. બ્રિટન કરતાં તેને આયર્લેન્ડ ખૂબ વ્હાલું હતું. ફિલ્મોમાં તેને સફળતા મળી એટલે તુરંત ગાભા પોટલા બાંધી એણે ઉચાળા ભર્યા અને 1993ની અંદર આર્યલેન્ડની નાગરિકતા લઈ લીધી.

જેવા તેવા ડાયરેક્ટરો ડેનિયલ સાથે કામ નથી કરી શકતા. ડેનિયલ તો સારી ફિલ્મો પણ પાટુ મારીને છોડી દે છે. લોર્ડ ઓફ ધ રિંગ્સના આર્ગોનનો રોલ તેને ઓફર થયેલો હતો. દિગ્દર્શકની ખૂબ ઈચ્છા હતી કે રોલ તો ડેનિયલ જ કરે, પણ ડેનિયલે રોલ કર્યો જ નહીં. એક વખત કોઈ દિગ્દર્શકને ડેનિયલ ના પાડી દે તો પછી પૂરુ થઈ ગયું. તેનો દરવાજો ખટખટાવવાનો હોતો જ નથી.

lewis 3

તેના પિતા સેસિલ ડે લુઈસ એક અચ્છા કવિ અને વાર્તાકાર હતા. 1968માં તેઓ કવિ બન્યા અને 1972માં તેમનું નિધન થયું. ડેનિયલ સાહિત્યકારોની ફેમિલીમાંથી આવે છે એટલે થોડી ઘણી પટકથાની વારસાગત સમજ તેમનામાં રહેલી છે.

ડેનિયલના પિતાની જેમ તેના દાદા પણ ફિલ્મ સાથે સંકળાયેલા હતા. એક કિસ્સો કહું તો તમને મજા આવશે. ડેનિયલના દાદા માઈકલ બેલ્કોનની પાસે એક છોકરો આવ્યો કે મારે ફિલ્મ ડાયરેક્ટ કરવી છે. માઈકલે તેને તક આપી. 1925માં ધ પ્લેઝર ગાર્ડન નામની ફિલ્મ તેણે ડાયરેક્ટ કરી. ફિલ્મ ઉંઘે માથ પછડાઈ, પણ માઈકલે પેલા છોકરાને કંઈ ન કહ્યું. માઈકલને ખ્યાલ હતો કે છોકરો આગળ જતા કાઠુ કાઢી જશે. એ છોકરાને આજે લોકો આલ્ફ્રેડ હિચકોક તરીકે ઓળખે છે.

ડેનિયલના દાદા માઈકલને જ્યારે ખબર પડી કે તેમના દીકરાએ લગ્ન કરી લીધા છે તો તેમણે દીકરા સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા. ડેનિયલના પિતા સેસિલે જે છોકરી સાથે લગ્ન કરેલા તે સેસિલથી વીસ વર્ષ નાની હતી.

તો એક એક્ટર તરીકે 1988ની સાલમાં ડેનિયલ સફળ જાય છે. મિલન કુંદેરાની નવલકથા The Unbearable Lightness of Being પરથી ફિલ્મ બને છે. જેમાં ડેનિયલ થોમસનો રોલ પ્લે કરે છે. આ વર્ષે ડેનિયલનું ફેમિલી આપણે ધારીએ તેવું નથી રહ્યું. એ હજુ લેખક ખાનદાન સાથે જોડાયેલો છે. એ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે ડેનિયલ ડે લુઈસનું ખાનદાન હવે લેખકોના ખાનદાનમાં બેજોડ છે. તેણે રિબેકા મિલર સાથે લગ્ન કર્યા છે. જે 20મી સદીના સૌથી ખ્યાતનામ લેખક આર્થર મિલરની દીકરી છે.

lewis 4

આ બેઉની મુલાકાત પણ આર્થર મિલરના કારણે જ થઈ હતી. The Crucible નાટક જે આર્થર મિલરનું છે, તેના પરથી બની રહેલી ફિલ્મમાં ડેનિયલ શૂટિંગ કરી રહ્યો હતો. સાથે રિબેકા પણ હતી. લુઈસ અને રિબેકાની મુલાકાત પણ આર્થરે ખૂદ કરાવી હતી અને પછી બંને જનમ જનમ ના બંધનમાં બંધાઈ ગયા.

હવે ડેનિયલનું એવું છે કે એ જે પણ ફિલ્મ સાઈન કરે તેના પાત્ર જેવો થઈ જાય. ડેનિયલ યુવા અવસ્થામાં કોઈ પણ સ્ત્રીનું હ્રદય જીતી લેવાની ક્ષમતા ધરાવતો હોવા છતાં The Crucibleના શૂટિંગ દરમિયાન તે પૂરેપૂરો જ્હોન પ્રોક્ટરના પાત્રમાં હતો. જ્હોન સ્નાન નથી કરતો તો ડેનિયલ પણ સ્નાન નહોતો કરતો. દિવસો ના દિવસો ડેનિયલના આ રીતે નીકળી જતા હતા. રિબેકાએ તેની કામ પ્રત્યે ધગશ જોઈ અને તેની થઈ ગઈ.

The Crucible ફિલ્મમાં એક મકાન દેખાય છે. એ મકાન ખૂદ ડેનિયલ ડે લુઈસે પોતાના હાથેથી બનાવ્યું હતું અને તેમાં જ રહેતો હતો. એક પાત્ર ભજવવા માટે આટલો પાગલ અભિનેતા કોણ હોઈ શકે. એટલે જ અમેરિકામાં અભિનયની પાઠશાળાઓ ચાલે ત્યારે કહેવામાં આવે છે કે ડેનિયલની જેમ એક્ટિંગ કરો. ડેનિયલની ફિલ્મો જુઓ.

માય લેફ્ટ ફૂટમાં ક્રિસ્ટ્રી બ્રાઊનનો રોલ પ્લે કરવા માટે જ્યાં સુધી ફિલ્મનું પ્રોડક્શન પૂર્ણ ન થયું ત્યાં સુધી તે વ્હિલચેરમાંથી ઊભો નહોતો થયો. પ્રથમ ઓસ્કર આ ફિલ્મ માટે જ મળેલો. ન જોઈ હોય તો જોઈ લેવી. જેમને ભવિષ્યમાં અભિનેતા બનવું છે તેમણે તો ખાસ.

તેણે સેટમાં પોતાની આજુબાજુના લોકોને કહીને રાખ્યું હતું કે જમવાનો સમય થઈ જાય ત્યારે મને ચમચીથી ભોજન કરાવજો. તેણે પોતાના શરીરની બે પાંસડીઓ તોડી નાખી, જેથી ચહેરા પરના એક્સપ્રેશન યોગ્ય આવે અને વ્હિલચેર પર એ રીતે જ બેસી શકે.

લાસ્ટ ઓફ ધ મોહિન્કન્સ માટે તેણે સ્પેશિયલ આર્મીની ટ્રેનિંગ લીધી હતી. તલવારબાજી અને યુદ્ધના તમામ દાવપેચ શીખ્યા હતા. જ્યાં મોહિન્કન્સનું લોકેશન છે ત્યાં વસવાટ પણ કર્યો હતો. એકધારી મેથડ એક્ટિંગ કરવાના કારણે તેને Claustrophobiaની બીમારી થઈ ગઈ હતી. જેમાં શ્વાસ લેવામાં તકલીફ રહેતી, હ્રદયના ધબકારા વધી જતા હતા. એકલા રહેવાના કારણે અગણિત વિચારો તેને ઘેરી વળતા હતા.

પણ ડેનિયલને તેની એક્ટિંગ પદ્ધતિથી કોઈ દિવસ છૂટકારો ન મળ્યો. 1993ની વાત છે. માર્ટિન સ્કોર્સિસની ફિલ્મ ધ એજ ઓફ ઈનોસેન્સ બિગીનનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં હતું. ડેનિયલ હોટલમાં જતો અને ચેક ઈન ચેક આઊટ દરમિયાન નામ લખતો, ‘‘ન્યૂલેન્ડ આર્ચર’’ જે ફિલ્મમાં તેનું નામ હતું. એ ન્યૂયોર્કમાં ટહેલ્યા રાખતો અને જૂનવાણી કપડાં પહેરતો હતો.

પલ્પ ફિક્શનમાં જ્હોન ટ્રાવેલ્ટોએ વિન્સેટ વેગાનો રોલ પ્લે કર્યો છે. આ રોલ માટે ડેનિયલ ટેરેન્ટીનો સામે લડ્યો હતો, પણ ટેરેન્ટીનોએ આ રોલ જ્હોન ટ્રાવેલ્ટોને ધ્યાનમાં રાખીને લખ્યો હતો. તેણે ડેનિયલને ન આપ્યો. આજે પણ લોકો માનતા નથી કે ડેનિયલને ટેરેન્ટીનોએ ના પાડી દીધી હતી.

ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક ફિલ્મમાં તેણે ભજવેલું બિલ ધ બચરનું પાત્ર મોટાભાગના લોકોને યાદ હશે. આ રોલ પ્લે કરતાં કરતાં ડેનિયલ પાગલ જેવો થઈ ગયો હતો. તેણે 19મી સદી સુધીનાં એક પણ કપડાં પહેરવાની ના પાડી દીધી હતી. તેને ન્યુમોનિયા થઈ ગયો છતાં તેણે પાત્રમાં રહી અભિનય કરવાનું ચાલુ રાખ્યું. આ માટે તેણે સર્કસમાં છરી ફેંકવાની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી. મટન કાપતા પણ શીખ્યું. એ રિયલ લાઈફમાં વિલન બની ગયો હતો.

1989માં છેલ્લી વખત ડેનિયલ ડે લુઈસે થીએટરમાં કામ કર્યું. વાત જાણે એમ બનેલી કે હેમ્લેટ ડ્રામા ચાલી રહ્યો હતો. ડેનિયલ હેમ્લેટ બન્યો હતો. તેના પિતાનું ભૂત સ્ટેજ પર આવે છે એ સીન હતો. એ મુર્છિત થઈ ગયો. પછી સાચેક તેના પિતાનું ભૂત આવ્યું અને તેને જગાડ્યો. તેણે પોતાના મૃત પામેલા પિતાને સાચેક જોયા હતા. પણ કોણ માને ? એ પછી તેણે નાટકોમાં કામ કરવાનું માંડી વાળ્યું.

1997માં આવેલી ફિલ્મ બોક્સર માટે તેણે 18 મહિનાની ટ્રેનિંગ લીધી હતી. તેને તાલીમ આપનારા કહેતા હતા કે, હવે લુઈસ જો રિંગમાં ઉતરવાનું નક્કી કરી લે તો નક્કી છે કે હેવિવેઈટ ચેમ્પિયન તે જ બને.

એ નિવૃત શું કામે થયો ? કારણ કે તે નવા પાત્રને જન્મ આપી શકે તેટલી મહેનત નહોતો કરી શકતો. વેલ સેઈડ લુઈસ. જો તમે તમારા કામને યોગ્ય ન્યાય નથી આપી શકતા, તો તમારે નિવૃતિ લઈ લેવી જોઈએ.

(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments