Homeગુર્જર નગરીAAP અને કોંગ્રેસ એ જ કરી રહી છે જે મોદીજી ગુજરાતમાં ઘણા...

AAP અને કોંગ્રેસ એ જ કરી રહી છે જે મોદીજી ગુજરાતમાં ઘણા સમય પહેલા કરી ચૂક્યા છે

હવે ગુજરાતમાં ફરી 2012 જેવો ત્રિપાંખીયો જંગ થવાનો છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના 2 સીટમાં તંબુ તણાઈ ગયેલા. તેમને મળેલી  ભવ્ય નિષ્ફળતા બાદ કોઈ પણ પાર્ટી ગુજરાતમાં પગ નહોતી મુકતી. હવે છેક 2020માં ધુમ્મસ આડેથી રસ્તો દેખાતા આમ આદમી પાર્ટીએ હિંમત કરી છે. પાર્ટી તો ઘણા સમયથી હતી પણ તેણે દેખા દેવાનું હવે શરુ કર્યું છે.

2020ની શરૂઆતમાં દિલ્હીની ચૂંટણી બાદ કેજરીવાલના નામે મત મળે છે તેવું લાગતા અહીં પણ નિરસ રહેલી પાર્ટીમાં સક્રિયતા આવી હતી. ઉપરથી તેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ધબધબી રહ્યું છે. બીજે ક્યાંય દેખાય કે ન દેખાય પણ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી પ્રત્યે જનતાનો પ્રેમ કોમેન્ટ અને લાઈક થકી દેખાય રહ્યો છે. જેને હવે પાર્ટીએ મતના નામે કન્વર્ટ કરી, સફળતાનો ઘૂંટડો પીવો પડશે. 

આમ આદમી પાર્ટીને કોરોના ફળ્યો એમ કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી. એક લોકોની મદદ પણ કરે છે. બે લોકોની નજરે પણ ચડે છે. પાર્ટીએ આફતને અવસરમાં બદલવાનું કામ કર્યું છે. કોંગ્રેસની નિષ્ક્રિયતા વચ્ચે પાર્ટી હવે બીજા નંબર પર ઉભરી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી ટાણે જ વેચાય જતા હોવાથી જનતાનો પણ પાર્ટી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેથી પાર્ટીનો જીર્ણોદ્ધાર કરવા અને જૂની વાતોને ભૂલાવી નવી શરુઆત કરવા માટે હાર્દિક પટેલ મેદાનમાં છે. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિકના રાજકારણનો આ મોટો પડાવ ગણી શકાય. પ્રચારમાં તે કોઈ કસર નથી રાખી રહ્યો. ઉપરથી કોરોના સમયે ભીડ એકઠી કરીને તે વિરોધીઓની આંખે પણ ચડ્યો. જો કે ભીડ તો ભાજપે પણ ક્યાં એકઠી નહોતી કરી. સી.આર.પાટીલની જમ્બો રેલીથી અકળાય ઉઠેલા લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા જ હતા ને ?

જીતુભાઈ વાઘાણીની વિદાય પછી સૌરાષ્ટ્ર અને જ્ઞાતિનો છેદ ઉડાવતા આ વખતે મહારાષ્ટ્રના ભાવ પર મોટી જવાબદારી આવી ગઈ છે. સત્તામાં હોવું અને સત્તા ટકાવવી એ મુશ્કેલ છે. એક પ્રેશર આવી જાય છે. તેની જગ્યાએ સત્તામાં ન હોય અને મહેનત કરે તો જીતે કે હારે તેને કંઈ વધારે ફર્ક નથી પડતો. ક્લાસમાં ચિંતા પ્રથમ નંબર વાળાને, ફરી પ્રથમ આવશે કે નહીં તેની હોય, પાંચમાં કે છઠ્ઠા નંબરવાળાને નહીં. સામે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા અને કોંગ્રેસના હાર્દિકભાઈ પટેલ પણ પ્રમુખ તરીકે નવા સવા જ છે. જેથી ત્રણે નવ્યાધ્યક્ષોમાંથી કોણ પોતાની પાર્ટીને બાહુબલી બનાવે છે તે જોવા સૌ કોઈ તલપાપડ થયા છે.

આ લખાય છે ત્યારે તારીખ છે 3-9-2020. ચાબુક ભાઈ કહે છે, પબજી બેન થયા પછી જ દેશનું મોટાભાગનું બેરોજગાર યુવાધન સામે આવશે. આવું વિચારીને દરેક પાર્ટીઓ યુવાઓને જ આકર્ષી રહી છે ?

મોબાઈલ ખોલીને ચાબુકભાઈ જુએ છે તો હાર્દિકભાઈ પટેલ રાજકોટ પહોંચ્યા છે. ફિલીંગ વન્ડરફૂલ લખીને હળવાશના મૂળમાં તેઓ પોસ્ટ કરે છે, ‘રાજકોટ શહેરના યુવાનોને મળ્યો અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના સંકલ્પ લીધા.’

તેમના ફેસબુક પેજને અમારા ચાબુકભાઈ સ્ક્રોલ કરતાં જ રાડ પાડી ઉઠે છે ‘આ શું ?’

હાર્દિક ભાઈએ લખ્યું છે, ‘‘ગુજરાતમાં ભાજપ સરકારે સરસ્વતીના શિક્ષણને મોંઘુ કરવાનું કામ કર્યું છે. સાથે જ શિક્ષિત યુવાનોને બેરોજગાર બનાવ્યા છે. જેના વિરોધમાં આજે રાજકોટ એબીવીપીના અનેક કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. અમે યુવાનો ગુજરાત અને ભારતનું ભવિષ્ય છીએ, અમારી સાથે અન્યાય થશે તો જવાબ પણ મળશે. અમે યુવાનો સરકારથી ડરવાના નથી.’’

અતુલભાઈ કમાણી કોંગ્રેસમાં આવ્યા એ ચાબુકભાઈ માટે મોટી વાત નથી. મોટી વાત એ છે કે હાર્દિક ભાઈ બે જગ્યાઓએ યુવાઓને મળ્યા. એક તો એબીવીપીવાળા છે ! હજુ સમજાણું ન હોય તો ચાલો આમ આદમી પાર્ટીના પેજ પર લટાર મારી આવીએ. જેને જોઈને તો ચાબુકભાઈ ચારે ખાનો ચિત્ત થઈ ગયા.

આમ આદમી પાર્ટીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. રાહુલ ભુવા નામનો યુવા કાર્યકર્તા આમ આદમી પાર્ટીના પેજ પરથી પોતાની બેરોજગારીની વ્યથા વર્ણવે છે. પછી ચાબુકભાઈ પેજ નીચે સ્ક્રોલ કરે છે, તો અમરેલી આવે છે. જેણે ઈરાન સામે યુદ્ધ છેડેલું !! તેમાં પણ પાર્ટીનું ફેસબુક પેજ લખે છે, અમરેલી યુવાનોનો અભુતપુર્વ સહકાર મળી રહ્યો છે. પછી આ રીતે જ જૂનાગઢનો વીડિયો છે. ત્યાં તો પાર્ટી રોડ બનાવી આપીશું એ નામ પર ચૂંટણી લડે તોપણ આરામથી જીતી જશે. પછી યુવા જોડો અભિયાન કેશોદમાં જાય છે.

ચાબુકભાઈ મોબાઈલ જોતા જોતા કહે છે, ‘કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હાથમાં જય વસાવડાની ચોપડી યુવા હવા તો નથી આવી ગઈને ?’ પણ ના… 2019ની લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં 8 લાખ મતદારો એવા હતા, જેમણે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દર વર્ષે હેપ્પીબર્થ ડે આવે. છોકરો છોકરી 18નાં થાય અને યુવાઓને આકર્ષવા રાજકારણીઓને મહેનત કરવી પડે. આ લખું છું ત્યારે પણ બાજુમાં બેઠેલા ચાબુકભાઈ બોલી રહ્યાં છે, ‘આપણે મોટા શું કામે થઈએ, ના… ના લગ્ન કરવા માટે નહીં, કારણ કે આપણે મત આપી શકીએ.’

બસ આ વખતે એ આંકડો વત્તા બેરોજગારીનો આંકડો વત્તા પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓની નારાજગીને જોતા બંન્ને પાર્ટી હવે યુવાઓને આકર્ષે છે. આ બંન્ને પાર્ટીની મહેનત જોઈ ચાબુકભાઈને તો થાય છે, કે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ઘણી યોજનાઓ દ્રારા ગુજરાતના યુવાધનને આકર્ષ્યું હતું અને તેઓ સફળ રહ્યાં હતા. એ તો બોલતા પણ ખરાં, ‘મારો ગુજરાતનો યુવાન….’

પહેલાં આ બધું સામે ન આવતું. હવે નેતાઓ ખુદનો એટલો પ્રચાર સોશિયલ મીડિયા પર કરી નાખે છે કે બધું સામે આવી જાય છે. મહેનત કરો તો ચોખા અને ઘઊંને છુટ્ટા પાડી શકો. લોકડાઉનમાં એક શ્રીમાને નહોતું કર્યું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments