કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓથી લોકો દૂર ભાગી રહ્યા છે. ઘરના સભ્યો પણ નજીક આવતા ડરે છે. જાણે આભડછેટની પ્રથા દુનિયાભરમાં ફરીથી શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જે લોકોને કોરોનાનું સંક્રમણ લાગે ત્યારે તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે. કોરોન્ટાઈન શબ્દ કોરોના પહેલા કોઈએ ભાગ્યે જ સાંભળ્યો હશે. પરંતુ કોરોન્ટાઈનનો આઈડીયા નવો નથી, ઘણા વર્ષો પહેલાનો છે.
ઘરના વડીલો પાસે સાંભળ્યું અને સમાચારોમાં વાંચ્યું હતું કે વર્ષો પહેલા પ્લેગ અને કોલેરા જેવી મહામારીઓએ ગામડાનાં ગામડાં સાફ કરી નાખ્યા હતા. પ્રેમચંદે પણ લખ્યું છે કે, ગરમીનો મહિનો કેરી અને તરબૂચની સાથે કોલેરાની પણ મોસમ લાવે છે.
આ કિસ્સો તે વખતનો છે જ્યારે મહાત્મા ગાંધીને ક્વોરન્ટાઈન થવું પડ્યું હતું. આ વાત છે જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા ડર્બનના પૂર્વી તટ પર, બ્રિટેનની એક વસાહત હતી જેનું નામ હતું નતાલ કોલોની. આ વિસ્તાર આજે ક્વાજુલુ નતાલ પ્રાંત કહેવાય છે. આ અરસામાં ભારતથી ગિરમિટિયા મજૂર બ્રિટેનના અલગ અલગ વસાહતમાં કામ માટે જતા હતા. હકીકતમાં તેઓને લઈ જવામાં આવતા હતા. અહીં તેઓની ઉપર જુલમ ગુજારાતો, શોષણ કરાતું. આ મજૂરોની કફોડી હાલત જોઈને ગાંધીજી વ્યથિત હતા.
1896ની વાત છે. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા. તેમણે વિચાર્યું કે પત્ની કસ્તુરબા અને બાળકોને પોતાની સાથે દક્ષિણ આફ્રિકા લઈ જઈશ. પરત જવાની વિધિ શરૂ થઈ ડિસેમ્બર, 1896માં. જહાજમાં ગાંધીજીની સાથે કસ્તુરબા, પુત્ર હરિલાલ અને મણિલાલ, ગાંધીજીની વિધવા બહેનનો દીકરો ગોકુલદાસ પણ હતા.
જાન્યુઆરી 1897માં આ જહાજ ડર્બનના કિનારે પહોંચ્યું. પરંતુ જહાજમાંથી લોકોને નીચે ઉતરવા ન દેવાયા. હકીકતમાં જ્યારે ગાંધીજી ભારતથી આફ્રિકા જવા માટે નીકળ્યા હતા ત્યારે રાજકોટ સહિત દુનિયાના ઘણા ભાગોમાં પ્લેગ ફેલાયો હતો. તે વખતે મહામારી ફેલાવી સામાન્ય વાત હતી. એવામાં વ્યવસ્થા હતી કે મહામારીવાળા વિસ્તારોમાંથી આવી રહેલા જહાજ અથવા સ્ટીમર બંદર પર લંગારતા પહેલા પીળા કલરનો ઝંડો દેખાડશે. આ ઝંડો દેખાડ્યા પછી જહાજમાં સવાર લોકોનું મેડિકલ ચેકઅપ થતું. બધું બરાબર હોય તો બાદમાં પીળો ઝંડો ઉતારી દેવામાં આવતો.
ત્યાંના મેડિકલ નિષ્ણાતો માનતા હતા કે પ્લેગના જીવાણું 23 દિવસ સુધી જીવંત રહી શકે છે. તેથી જહાજ ભારતથી ઉપડ્યું હોય તે દિવસથી 24 દિવસ સુધી અલગ રાખવામાં આવતું. જે જહાજમાં મહાત્મા ગાંધી મુસાફરી કરતાં હતા તે જહાજને પણ અલગ રખાયું અને તટ પર લાંગરી દેવામાં આવ્યું.
13 જાન્યુઆરી 1897ના દિવસે જહાજમાંથી લોકોને બહાર નીકળવા દેવાયા. એમકે ગાંધી ઓઆરજી પર છપાયેલા એક ડોક્યુમેન્ટમાં તે વખતનો આ કિસ્સો મળશે. તે મુજબ, ગાંધીજી જ્યારે જહાજમાંથી ઉતર્યા તો આપણે જેને ધોળિયા કહીએ છીએ તે ગોરા લોકોએ ગાંધીજી સાથે ખરાબ વર્તન કર્યું. તેમના પર ઇંડા અને પત્થર ફેંક્યા. ટોળાએ તેમની પીટાઈ કરી. ત્યાંની એક પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની પત્નીએ વચ્ચે પડીને ગાંધીજીને બચાવ્યા. મામલો વધુ સળગ્યો, તેથી લંડનથી આદેશ આવ્યો. જેમાં નતાલ સરકારને કહેવામાં આવ્યું કે ગાંધીજી પર હુમલો કરનાર પર કાર્યવાહી કરવામાં આવે. કાર્યવાહી થઈ પણ ખરી. કેટલાક લોકોને પકડી લેવામાં આવ્યા. પરંતુ આ તો આપણા અહિંસાવાદી ગાંધી આરોપીઓ સામે ફરિયાદ કરવાની ના પાડી દીધી. કહ્યું, તેઓને ગુમરાહ કરવામાં આવ્યા છે. જ્યારે તેઓને હકીકતની જાણ થશે, ત્યારે તેમને તેનું પ્રાયશ્ચિત થશે. હું તેઓને માફ કરું છું.
શું ક્વોરન્ટાઈન માટે ગુજરાતીમાં કોઈ શબ્દ છે ? શું ગાંધીજીની આ ઘટનામાં પણ આ જ શબ્દનો ઉપયોગ થયો હતો ? હાલ તો ગુજરાતીમાં ક્વોરન્ટાઈન જ કહેવામાં આવે છે. તેની મૂળ ઉત્પતિ ઈટાલીમાંથી થઈ છે. ઈટાલીમાં ક્વોરન્ટાઈન જેવો શબ્દ પ્રચલિત છે. 1423ની સાલમાં પ્લેગ પીડિતો માટે ઈટાલીના વેનિસ શહેરનાં સાંતા મારિયા ડિ નાજર નામના દ્રીપ પર હોસ્પિટલ બનાવવામાં આવી હતી. દવાખાનું આઈલેન્ડ પર આવેલું હતું. જેથી ત્યાં ઈન્સૂલા શબ્દ ચલણમાં આવ્યો. ઈન્સૂલાનો અર્થ થાય આઈલેન્ડ. લેટિનથી અંગ્રેજીમાં આવતા પહેલા આ શબ્દ ઈટાલીમાં ચક્કર મારી આવ્યો. અને ફ્રેન્ચમાંથી શબ્દ મળ્યો આઈસોલેટ. જે પછી અંગ્રેજીમાં આવી ગયો હોવાથી તેને લોકો અંગ્રેજીનો શબ્દ માનવા લાગ્યા. આઈસોલેટને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય પૃથક કરવું. અલગ કરવું. આઈસોલેટ એટલે ખૂદને બીજાથી અલગ-થલગ કરી દેવું.
ઈસ 1400માં ક્વોરન્ટાઈનનો અર્થ થતો હતો ચાલીસ દિવસનો એક સમયગાળો. આ એ સમયગાળો છે જ્યારે બાઈબલમાં પ્રભુ જીસસે ઊપવાસ કર્યા હતા. તેને ધર્મ સાથે જોડતા લોકો તેને ગંભીરતાથી લેવા લાગેલા. ક્વોરન્ટાઈન એક એવો શબ્દ છે જેના મૂળિયા લેટીનમાં છે, વ્યાખ્યા ઈટાલીમાં છે, સ્પેલિંગ ફ્રેન્ચ છે અને અંગ્રેજી ડિક્ષનરીમાંથી તે ડોકિયું કરે છે.
પરંતુ ગાંધીજીએ તેના માટે “સૂતક” શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ “સૂતક” ભારતીય પરંપરાનો એક ભાગ છે. જેની આપણને સૌને ખબર છે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી પાંચ અઠવાડિયા માતા અલગ રહે છે. તેની પાસે લોકો ઓછા જાય છે. જે જાય તે પણ બહુ સાવધાનીથી. એવી જ રીતે જ્યારે કોઈનું મૃત્યુ થાય, તો સનાતન પરંપરામાં જે મૃતદેહને મુખાગ્નિ આપે તેને 10 દિવસ અલગ રહેવું પડતું. જેને “સૂતક” કહેવામાં આવે છે. ઘણા લોકો આ ક્રિયાને અંધવિશ્વાસ માને છે. તો કોઈ આને વૈજ્ઞાનિક કારણ ગણાવે છે.
ટ્રિવિયા ભારતીયો સાથે થઈ રહેલા ભેદભાવના વિરોધમાં ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં સંગઠન બનાવ્યું હતું. જેનું નામ રાખ્યું હતું નતાલ નેશનલ કોંગ્રેસ. પછીથી આ સંગઠન સાઉથ આફ્રિકન ઇન્ડિયન કોંગ્રેસના નામથી જાણીતું થયું. સરકારની નીતિયોનો વિરોધ કરવાના કારણે આ સંસ્થાને વારંવાર ટાર્ગેટ કરાતી. 1960ના દશકામાં આ સંસ્થા નિષ્ક્રિય થઈ ગઈ. બાદમાં તેણે આફ્રિકન નેશનલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું. આફ્રિકામાં ઘણા વર્ષોથી આ પાર્ટીની સરકાર છે